Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજસ્‍થાન સરકારના રાઇટ ટુ હેલ્‍થ વીલ સંદર્ભે આજે સમગ્ર ભારતના ડોકટરોએ ‘બ્‍લેક ડે' રાખ્‍યો : ભારે વિરોધ

IMAરાજકોટના બે હજાર ડોકટરો જોડાયા :રાજકોટ સહિત સમગ્ર ભારતમાં ડીસ્‍ટ્રીકટ ઓથોરીટીને આવેદન પત્ર અપાયા : આજે રાત્રે ૮ વાગ્‍યે રાષ્‍ટ્રીય કક્ષાની ઓનલાઇન મીટીંગ : RTH બીલ સંદર્ભે જયપુર ખાતે એકઠા થયેલા યંગ ડોકટર્સ અને સિનીયર લેડી ડોકટર્સ ઉપર રાજસ્‍થાન સરકારે પાણીનો મારો ચલાવી : લાઠીચાર્જ કર્યો હોવાની બાબતે ઉગ્ર વિરોધ : ફ્રી ટ્રીટમેન્‍ટમાં ઇમરજન્‍સી સારવાર સંદર્ભે એકસ-રે, MRI, સોનોગ્રાફી, અન્‍ય મેડીકલ ટેસ્‍ટ વિગેરે સંદર્ભે કોઇ સ્‍પષ્‍ટ ઉલ્લેખ ન હોવાનો દાવો :RTH બીલ અંતર્ગત ઇમરજન્‍સી કેસમાં પ્રાઇવેટ હોસ્‍પિટલોએ દરેકને ફ્રી સારવાર આપવાના મુદ્દા બાબતે સંઘર્ષ :‘કાળો બેઝ' (કાળી પટ્ટી) ધારણ કરીને ડોકટરોએ આજે દર્દીઓને તપાસ્‍યા :

રાજકોટ તા. ર૭ : રાજસ્‍થાન સરકારના રાઇટ ટુ હેલ્‍થ (RTH) બીલ સંદર્ભે આજે સમગ્ર ભારતમાં ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશને ( IMA) કાળો બેઝ (કાળી પઢી) ધારણ કરીને બ્‍લેક-ડે રાખ્‍યો હતો.  IMA રાજકોટના પણ બે હજાર જેટલા ડોકટરોએ આ  વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. IMA રાજકોટ દ્વારા રાજકોટ કલેકટર કચેરીએ એડીશનલ કલેકટરશ્રી પ્રકાશભાઇ ઠકકરને વિરોધ રૂપે આવેદન પાઠવવામાં આવ્‍યું હતું. આજે તમામ  ડોકટરોએ કાળી પટ્ટી ધારણ કરીને દર્દીઓને તપાસ્‍યા હતાં. રાજસ્‍થાન સરકાર સામે વિરોધરૂપે આગળની રૂપરેખા ઘડવા માટે IMA દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાની ઓનલાઇન મિટીંગ પણ આજે રાત્રે ૮ વાગ્‍યે રાખેલ હોવાનું જાણવા મળે છે.

રાજસ્‍થાન સરકારના RTH  બીલના વિરોધના કારણો જોઇએ તો ઇમરજન્‍સી કેસમાં પ્રાઇવેટ હોસ્‍પિટલો દ્વારા દરેકને ફ્રી ટ્રીટમેન્‍ટ આપવા સામે વિરોધ થઇ રહ્યો છે. કારણ કે ઇમરજન્‍સીની વ્‍યાખ્‍યા સ્‍પષ્‍ટ ન હોવાનું  IMA રાજકોટના હોદેદારો જણાવી રહ્યા છે. ઇમરજન્‍સીમાં  MRI, સોનોગ્રાફી, એકસ-રે, અન્‍ય મેડીકલ-કલીનીકલ ટેસ્‍ટ વિગેરે બાબતે કોઇ સ્‍પષ્‍ટ ઉલ્લેખ ન હોવાનું આવેદન પત્રમાં જણાવાયું છે.

સાથે સાથે IMA  દ્વારા  ઉગ્ર વિરોધ એ બાબતનો છે કે તાજેતરમાં રાજસ્‍થાનના જયપુર ખાતે RTH  બીલ સંદર્ભે સમગ્ર દેશમાંથી યંગ ડોકટર્સ અને સિનિયર લેડી ડોકટર્સ, એક્ષ્પર્ટ ડોકટર્સ વિગેરે ચર્ચા કરવા શાંતિપૂર્વક એકઠા થયા હતાં. તો ત્‍યાં તેઓ ઉપર પાણીનો મારો ચલાવી લાઠીચાર્જ પણ કરાયો હોવાનું IMA રાજકોટના હોદ્દેદારો કહી રહ્યા છે. જો આ બાબતે રાજસ્‍થાન સરકાર દ્વારા યોગ્‍ય અને સંતોષકારક પગલા નહીં લેવામાં આવે તો હજુ વધુ ઉગ્ર વિરોધ અને આંદોલનાત્‍મક કાર્યક્રમો આપવામાં આવશે તેવું IMA રાજકોટના હોદ્દેદારોએ અકિલાને જણાવ્‍યું હતું. રાજકોટ કલેકટર ઓફીસે આવેદનપત્ર આપવા સમયે IMA રાજકોટના પ્રેસીડેન્‍ટ ડો. સંજયભાઇ ભટ્ટ, સેક્રેટરી ડો.તુષારભાઇ પટેલ વાઇસ પ્રેસીડેન્‍ટ ડો.મયંકભાઇ ઠક્કર અને ડો. તેજસભાઇ કરમટા, IMA રાજકોટના પૂર્વ પ્રમુખો, ડો.અતુલભાઇ પંડયા અને ડો. ચેતનભાઇ લાલસેતા, IMA રાજકોટનાં આવતા વર્ષે ચાર્જ લેનાર પ્રમુખ ડો. પારસભાઇ શાહ સહિત અગ્રણી ડોકટરો હાજર રહ્યા હતા.

(4:26 pm IST)