Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વેકસીન લેનારા મિત્રો, પાડોશીને પણ પ્રેરીત કરેઃ અરવિંદભાઇ પટેલ

રાજકોટ મહાપાલીકા અને શ્રી પટેલ સેવા સમાજ આયોજીત કોરોના વેકસીનેશન મેગા ત્રણ દિવસીય કેમ્‍પમાં ૨,૩૨૧ લોકોનું રસીકરણ : સંસ્‍થાના કાર્યકરોની બેનમુન કામગીરી, આવતા દિવસોમાં ફરી કેમ્‍પમાં મનિષભાઇ ચાંગેલા

રાજકોટઃ શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ મહાનગરપાલીકાના સંયુકત ઉપક્રમે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ખાતે ત્રણ દિવસ સુધી ચાલેલા કોરોના વેકસીનેશન કેમ્‍પમાં કુલ ૨૩૨૧ લોકોએ વેકસીનેશનનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રથમ દિવસે ૫૬૪ લોકોએ, બીજા દિવસે ૭૦૬ લોકોએ તથા ત્રીજા દિવસે ૧૦૫૧ લોકોએ આ મેગા કેમ્‍પમાં કોરોના સામેના સુરક્ષા ચક્ર જેવી રસી મુકાવી હતીફ

ત્રણ દિવસના મેગા કેમ્‍પના ઉદઘાટન સમારોહમાં આવેલા મહાનગરપાલીકાના કમિશનર શ્રી ઉદીત અગ્રવાલે સરકાર અને તંત્રના પ્રજાના આરોગયલક્ષી કાર્યોને પ્રજા સુધી પહોંચાડવામાં સંસ્‍થાની આ પ્રકારની પહેલને બિરદાવતા કહ્યું હતુ કે રાજકોટની અન્‍ય સેવાભાવી સંસ્‍થા અને સંગઠનો માટે આ આયોજન અને આ કેમ્‍પની ઐતિહાસીક સફળતા પ્રેરક બની રહેશે. મેયરશ્રી પ્રદીપભાઇ ડવે સંસ્‍થાની સેવા સમર્પણને બિરદાવ્‍યું હતુ.

શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટના પ્રમુખશ્રી અરવિંદભાઇ પટેલ (ફિલ્‍ડમાર્શલ) એ જણાવ્‍યું હતુ કે વેકસીનેશન લેનારા પોતાના સગા-સ્‍નેહી-મિત્રો પાડોશીને રસી લેવા માટે પ્રેરીત કરે, પોતે બેફીકર ન બનતા સરકારની કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરતા બીજો વેકસીનેશન ડોઝ પણ અચુક લે તે જરૂરી છે. તેમણે એક પણ ઉમેર્યું હતુ કે પ્રજાની જાગૃતિ અને સરકારની મહામારી નાથવાના અભિયાનનો સુભગ સમન્‍વય થશે તો આપણે સૌ કોરોનાને નાથી શકીશું તે નિતિ છે.

રસીકરણ માટે સ્‍પીડવેલ ખાતે આવનારા લોકોની સુવિધા તો કાર્યકરોએ સતત જાળવી ઉપરાંત રસીકરણનો બીજો ડોઝ કયારે લેવો, રસીકરણ પછી અહિંથી અપાતી દવાના ફાયદા, રસીકરણ પછી પણ માસ્‍ક પહેરવા, ડિસ્‍ટન્‍સ જાળવવાની જરૂરીયાત તથા કોરોનાના લક્ષણ જણાય તો તરત ટેસ્‍ટીંગનું મહત્‍વ જેવા મુદા પર પણ કાર્યકરો કેમ્‍પમાં આવનારા લોકોને પ્રશિક્ષિત કરતા રહયા હતા.

સંગઠન ચેરમેન શ્રી મનિષભાઇ ચાંગેલાએ કહ્યું હતુ કે તબીબી સ્‍ટાફે પોતાની નોકરીની ફરજ તરીકે નહિ પણ સમાજ તરફથી ભાવનાથી સતત સેવા આપી હતી. સંસ્‍થાના આયોજનની પ્રભાવીત થઇને તથા રસીકરણ માટે પ્રજાની જાગૃતિથી પ્રેરાયને મહાનગરપાલીકાના આરોગ્‍ય અધિકારીઓએ કેમ્‍પ હજુ પણ ચાલુ રાખવા તૈયારી બતાવી હતી. પરંતુ હોળી-ધુળેટીના આવનારા તહેવારોને ધ્‍યાને રાખી કેમ્‍પ લંબાવાયો નથી. પરંતુ ફરી આવતા દિવસોમાં કેમ્‍પ અનુકુળતાએ યોજાશે.

તેમણે કહ્યું હતુ કે મહિલા સંગઠન સમિતિના પ્રમુખ વિજયાબેન વાછાણી, કન્‍વીનર રાજેશ્રીબેન રોજવાડીયા તથા કન્‍વીનર હેતલબેન કાલરીયાના નેતૃત્‍વમાં મહિલા કાર્યકરોએ યોગદાન આપ્‍યુ હતુ. યુવાનોના સંગઠનના પ્રમુખ ડેનીશભાઇ કાલરીયા, કન્‍વીનર વિનોદભાઇ ઇસોટીયા તથા ઇન્‍ચાર્જ વિજયભાઇ ગોધાણીએ સ્‍થળ પર સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સાથેની બેઠક વ્‍યવસ્‍થા પાર્કિંગ વિગેરે સહિતની વ્‍યવસ્‍થા પુરી પાડેલ  હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:16 pm IST)