Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

એપ્રીલથી જૂન સુધી મિલ્કત વેરામાં ૧૦ થી ૧૫ ટકા વળતર

મંગળવારે મ.ન.પા.ના જનરલ બોર્ડમાં મંજુર થશેઃ વેરા વળતર યોજના સહીતની ૯ બજેટ દરખાસ્તોને અપાશે લીલીઝંડીઃ ૨૦૨૦-૨૧નું રિવાઈઝડ અને ૨૦૨૧-૨૨નું નવા કરબોજ વગરનું ૨૨૯૧.૨૪ કરોડના બજેટ થશે મંજુર

રાજકોટ, તા. ૨૭ :. આગામી તા. ૩૦ને મંગળવારે મ.ન.પા.નું જનરલ બોર્ડ મળનાર છે. જેમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં એપ્રિલથી જૂન દરમિયાન આગોતરો (એડવાન્સ) મિલ્કત વેરો ભરનારને એપ્રિલ-મે મહિનામાં મહિલા માટે ૧૫ ટકા તથા પુરૂષની મિલ્કત માટે ૧૦ ટકા વળતર અને જૂનમાં પુરૂષોને ૫ ટકા તથા મહિલાઓને ૧૦ ટકા વળતર આપવા તથા ઓનલાઈન એડવાન્સ વેરો ભરનારને ૧ ટકો તથા રૂ. ૫૦નું ડીસ્કાઉન્ટ આપવાની યોજનાને મંજુરી અપાશે. સાથો-સાથ ૨૦૨૦-૨૧નું રિવાઈઝડ તથા ૨૦૨૧-૨૨નું નવુ બજેટ પણ મંજુર થશે.

મેયર પ્રદિપ ડવે ૩૦મીએ સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.ના રમેશભાઈ છાયા સભાગૃહમાં યોજાનાર વર્તમાન ટર્મનું પ્રથમ જનરલ બોર્ડ બોલાવી અને તેનો એજન્ડા પ્રસિદ્ધ કર્યો છે.

આ એજન્ડામાં (૧) રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા અંગે (૨) આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા અંગે (૩) આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે પાણી દર નિયત કરવા અંગે (૪) આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે (૫) આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ખુલ્લા પ્લોટ ઉપરની ટેક્ષ નિયત કરવા અંગે (૬) આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે વાહન કર નિયત કરવા અંગે (૭) આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે થિયેટર ટેક્ષ નિયત કરવા અંગે (૮) આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે મિલ્કત વેરામાં વળતર યોજના અંગે (૯) ઓનલાઈન પેમેન્ટમાં વળતર આપવા અંગે એમ કુલ ૯ જેટલી બજેટ દરખાસ્તોને લીલીઝંડી આપી વર્ષ ૨૦૨૧-૨૨નુ ૨૨૯૧.૨૪ કરોડનું બજેટ મંજુર થશે.

(3:51 pm IST)