Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોનાનો રામબાણ ઇલાજ એટલે વેકસીન અને માસ્ક : ઉદિત અગ્રવાલ

કોરોના વેકસીનેશનની ઝુંબેશને અસરકારક વેગ આપવા શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ : વધુને વધુ લોકોને વેકસીન લેવડાવા સંસ્થાને મેયર સહિતના પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ તા. ૨૭ : શહેરમાં કોરોના સામેની લડતને અસરકારક બનાવી કોરોનાને હરાવવાના ઉદેશ સાથે કોરોના સામેની વેકસીન વધુ ને વધુ લોકો લ્યે તેવા પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને શહેરની વિવિધ સંસ્થાઓના હોદેદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.

આ બેઠકમાં મેયર ડો. પ્રદિપ ડવે ઉપસ્થિત મહાનુભાવોને સંબોધન કરતા એમ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં છેલ્લા એક વર્ષથી દિવસરાત જોયા વગર રાજકોટ મહાનગરપાલિકાએ અને શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓએ પોતપોતાની જવાબદારી નિભાવી છે. હજુ પણ કોરોનાની સ્થિતિ છે અને તેમાંથી બહાર આવવા હવે વેકસીન લેવા વધુ ને વધુ લોકોને પ્રેરિત કરવા એ જ ઉપાય છે અને લોકોને પણ કોરોના સામેની વેકસીન લેવા પ્રેરિત કરે તેવી મારી ખાસ અપીલ છે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે ઉપસ્થિતોને સંબોધન કરતા એમ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી સામે સૌએ અભૂતપૂર્વ લડત ચલાવી છે ત્યારે હવે કોરોનાને હરાવવા માટેના રામબાણ ઈલાજ છે વેકસીન અને માસ્ક. વધુ ને વધુ લોકો વેકસીન લઈ લ્યે અને નાગરિકો ફરજિયાતપણે માસ્ક પણ પહેરી રાખે તો કોરોનાને હરાવી શકાશે.

આ ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત રોટરી કલબ, ખોડલધામ, વાત્સલ્ય ટ્રસ્ટ, સોની સમાજ, શાપર વેરાવળ ઔદ્યોગિક એસોસિએશન, પુરૂષાર્થ યુવક મંડળ, ફૂટબોલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, શિક્ષકો, બ્રહ્માકુમારીઝ, સ્વામીનારાયણ ગુરૂકુળ, લોહાણા યુવક મંડળ, કલબ યુવી, વગેરે સંસ્થાઓના હોદેદારો અને પ્રતિનિધિઓએ પોતપોતાના ગ્રુપ સંકળાયેલા સદસ્યો તેમજ શહેરના અન્ય જનસમૂદાયને પણ કોરોના વેકસીન લઈ લેવા માટેના આ જનઆંદોલનમાં પૂર્ણ સહયોગ પ્રદાન કરશે તેવી ખાતરી આપી હતી.

 આ બેઠકમાં ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયા, નાયબ મ્યુનિ. કમિશનર  બી.જી.પ્રજાપતિ, શ્રી એ.આર.સિંહ અને શ્રી ચેતન નંદાણી, ઉપરાંત તમામ વોર્ડના વોર્ડ પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહેલા વરિષ્ઠ અધિકારીઓ અને રોટરી કલબ, ખોડલધામ, વાત્સલ્ય ટ્રસ્ટ, સોની સમાજ, શાપર વેરાવળ ઔદ્યોગિક એસોસિએશન, પુરૂષાર્થ યુવક મંડળ, ફૂટબોલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, શિક્ષકો, બ્રહ્માકુમારીઝ, શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, લોહાણા યુવક મંડળ, કલબ યુવી, વગેરે સંસ્થાઓના હોદેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતાં.

(3:50 pm IST)