Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશમાંથી બોગસ વેબસાઇટ અને કોલસેન્ટરના માધ્યમથી થતી'તી છેતરપીંડી

રેલ્વેમાં નોકરીના નામે ઠગાઇનું જબરૂ કૌભાંડ ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચઃ જામનગર-અમદાવાદ-રાજપીપળા-યુપી-બિહારના ૬ પકડાયા

જામનગરના શૈલેષ ઉર્ફ સેટીંગ દલસાણીયા, સેલા-અમદાવાદના કલ્પેશ શેઠ, રાજપીપળાના ઇકબાલઅહેમદ ઉર્ફ મુન્નો ખત્રી, યુપી લખનૌનના હિમાંશુ પાંડે, સૂરજ મૌર્ય અને બિહાર દરગાપુરના શશીપ્રસાદ ઉર્ફ અનુપમ પાંડેને દબોચી લેવાયાઃ લખનૌ રેલ્વે કોલોનીમાં બોગસ ટ્રેનિંગ સેન્ટર ઉભુ કરી દેવાયું હતું: ત્યાં રાજકોટ પોલીસે દરોડો પાડી સીપીયુ, રેલ્વે-એસબીઆઇના બોગસ સિક્કા-૦૫, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સીધી દેખરેખ હેઠળ ક્રાઇમ બ્રાંચની ટીમને આંતરરાજ્ય કૌભાંડ ખુલ્લુ પાડવામાં સફળતા : બે મહિનામાં રાજકોટના ૬ અને બીજા રાજ્યોના મળી ૪૫ નોકરી વાંચ્છુઓને છેતર્યા : બેરોજગાર નોકરીવાંચ્છુઓનો, તેના વાલીઓનો સંપર્ક કરી રેલ્વેમાં વર્ગ-૨માં નોકરી અપાવવાની લાલચ આપી ૧૫ લાખ સેટીંગના અને ૨૬ હજાર ડોકયુમેન્ટ સબમીટના નામે પડાવી લેવાતા'તા : હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા તથા પુષ્પરાજસિંહ જાડેજાની બાતમી પરથી લિમડા ચોકની ઓફિસમાં દરોડા બાદ સમગ્ર ભોપાળુ સામે આવ્યું

રેલ્વેમાં નોકરી અપાવવાના આંતરરાજય કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે ઝડપેલા ૬ આરોપીનો નજરે પડે છે.  : કૌભાંડીયાઓએ લખનઉ સ્થિત શરૂ કરેલ બોગસ ટેનીંગ સેન્ટ્રલનું બિલ્ડીંગ બાજુમાં ઇન્ડીયન રેલ્વે મેપ લગાવેલ કલાસ રૂમ નજરે પડે છે. : રેલ્વે રિક્રુટમેન્ટ કંટ્રોલ બોર્ડના નામનો બોગસ ઓર્ડર નજરે પડે છે.

રાજકોટ તા. ૨૭: રેલ્વેમાં વર્ગ-૨માં નોકરી અપાવી દેવાના નામે નોકરીવાંચ્છુ બેકારોને છેતરવાનું જબરૂ આંતરરાજ્ય કૌભાંડ રાજકોટ ક્રાઇમ બ્રાંચે ઉઘાડુ પાડી રાજકોટના લીમડા ચોકમાં ઓફિસ ધરાવતાં જામનગરના શખ્સ તથા અમદાવાદ, રાજપીપળાના બે શખ્સ અને યુપી, બિહારના ત્રણ મળી છ શખ્સોને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ લખનૌ પહોંચી ત્યાં ઉભા કરાયેલા રેલ્વેના બોગસ તાલિમ કેન્દ્રમાં દરોડો પાડી ત્યાંથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બે મહિનાથી આ ટોળકીએ આવા ગોરખધંધા આદરી રાજકોટના ૬ અને બીજા રાજ્યોના ૪૫ જેટલા નોકરી વાંચ્છુઓને 'શીશા'માં ઉતારી લાખોની ઠગાઇ કર્યાનું સામે આવ્યું છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સીધી દેખરેખ હેઠળ ક્રાઇમ બ્રાંચની ટીમોએ આ સફળતા મેળવી છે.

પોલીસે છ આરોપીઓ (૧) હિમાંશુ ઉદયભાણ પાંડે ઉવ.૩૨ રહે. અલકનંદા એન્કલાવ, અવધ શિલ્પ રામ સોસાયટીની બાજુમાં લખનઉ (યુપી),  (૨) શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગોવિંદપ્રસાદ ગુપ્તા ઉવ.૧૯ રહે. ગાજીપુરમ કારા લખનઉ (યુપી) મુળ રહે. દરગાપુર પો. સ્ટે. નવાડીહ રોહતાસ બીહાર, (૩) સુરજમોર્ય રમેશ મોર્ય ઉવ.૨૦ રહે. પારાગાવ રામજીપુરમ લખનઉ (યુપી), (૪) શૈલેષ ઉર્ફે સેટીંગ મનસુખભાઇ દલસાણીયા રહે. ફલા ગામ, સિતારામ બાપાના મંદિર પાસે, તા.જી. જામનગર), (૫) કલ્પેશ પ્રભુદાસ શેઠ રહે. સી-૩૩, પુનમ પ્રાઇડ, ભાડેથી અનુજભાઇ લાલવાણી ના ફલેટમાં સેલા ગામ, તા.જી.અમદાવાદ તથા (૬) ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી રહે. રાજપીપળા, વણકરવાડ, શાકમાર્કેટ પાસે, તા.નાદોલ જી. નર્મદાને દબોચી લીધા છે.

પોલીસે લખનૌ ખાતે રેલ્વે કોલોની ખાતે ઉભા કરવામા આવેલ બોગસ ટ્રેનીંગ સેન્ટર ખાતે દરોડો પાડી  ત્યાથી કોમ્પ્યુટર સીપીયુ-૧ કિ.રૂ.૧,૦૦૦, રેલ્વે વિભાગના તથા એસબીઆઇ બેંકના બોગસ સીક્કા-૫, મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૮,૨૦૦, મળી કુલ કિ.રૂ.૯,૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

ટોળકી આ રીતે કૌભાંડ આચરતી હતી

બેરોજગાર નોકરી ઇચ્છુક યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો સંપર્ક કરી તેઓને રેલ્વેમાં વર્ગ-૨ કલાર્કની નોકરી અપાવી દેવાની તેમજ ગુજરાતમાં બદલી કરાવી આપવાનો પાકો વિશ્વાસ આપી બેરોજગાર યુવાનોને પાસેથી નોકરીના રૂ. ૧૫ લાખ તથા પીડીએફમાં ડોકયુમેન્ટ સબમીટ કરવાના રૂપિયા ૨૬ હજાર મેળવી બોગસ ઓર્ડર, આઇ કાર્ડ સેલરી તથા પગારસ્લીપ આપી તેમજ લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાં બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ આપી તેમજ જે યુવાનને તાલીમ ૪૫ દિવસ થાય તેઓના ખાતામાં રૂ.૧૬,૫૪૩/- પગાર આરઆરબી કોર્પોરેશનના નામના બેંક ખાતામાંથી પગાર આપી પે-સ્લીપ આપી બેરોજગાર યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો વધુ વિશ્વાસ મેળવી વધારે નોકરી ઇચ્છુકો પાસેથી રૂપિયાઓ મળેવી તેઓને લખનૌ રેલ્વે કોલોની ખાતે ઉભા કરવામા આવેલ બોગસ તાલીમ સેન્ટર ખાતે પ્લેનમા લઇ જઇ ત્યા ટ્રેનીંગ આપવાનો ઢોંગ કરાતો હતો.

કોણે કોણે કેવી ભુમિકા ભજવી?

આરોપી શૈલેષ રાજકોટથી બેરોજગાર યુવાનો તથા તેના વાલીઓનો સંપર્ક કરી વિશ્વાસ સંપાદન કરી તેઓના પુત્ર ને કેન્દ્રમા રેલ્વેમા નોકરી અપાવી દેવાનો વિશ્વાસ આપી રેલ્વેમા નોકરી મળ્યા બાદ રૂપિયા ૧૫,૦૦,૦૦૦  આપવાની વાતચીત કરતો અને ઉમેદવાર રૂપિયા આપવા તૈયાર થતા તેની જાણ કલ્પેશને કરવામા આવતી અને ઉમેદવારોના ડોકયુમેન્ટ કલ્પેશને મોકલી ઉમેદવારોનો સંપર્ક કલ્પેશ સાથે કરાવતો તેમજ ઉમેદવારના વાલીઓ પાસેથી રૂ.૧૫,૦૦,૦૦૦ તથા રૂ.૨૬,૦૦૦ પી.ડી.એફ. ડોકયુમેન્ટ સબમીટ કરાવાના તેમજ મુસાફરીના ભાડા પેટેના મેળવી કલ્પેશ ને પહોંચાડતો હતો જે એક ઉમેદવારના શૈલેષને રૂ.૨,૫૦,૦૦૦ મળતા હતાં.

આરોપી કલ્પેશ જે શૈલેષ દ્વારા મોકલવામા આવેલ ઉમેદવારોને ઇકબાલ ખત્રી કે જે દિલ્હી કે લખનૌ હાજર રહેતો તેની પાસે લઇ જતો અને ઉમેદવારોને નોકરી અપાવી દેવાની વાતચીત કરતો અને રેલ્વેમા તેમનો ઓર્ડર કનફોર્મ થઇ જશે તે વિશ્વાસ અપાવતો તેમજ ઉમેદવારોએ આપેલ રૂપિયા જે ઇકબાલ ખત્રીને આપતો જે એક ઉમેદવારના કલ્પેશને રૂ.૨,૫૦,૦૦૦/- મળતા તેમજ મજકુર કલ્પેશ જે અગાઉ પણ છેતરપીંડી, વિશ્વાસધાત તથા બોગસ નોકરી અપાવવાના ગુન્હામા પકડાયેલ હોય જે પોતે પોલીસ પકડથી દુર રહેવા દર બે માસે પોતાનુ રહેણાંક તથા ફોન નંબર બદલતો.

આરોપી ઇકબાલ ખત્રી જે દિલ્હી તથા લખનઉ હાજર રહેતો અને કલ્પેશ દ્વારા જે ઉમેદવારો મોકલવામા આવતા તે ઉમેદવારોને મળી અને તેઓને ચોક્કસ રેલ્વેમા નોકરી મળશે અને તેનો પગાર વિગેરે બાબતે વાતચીત કરતો અને ઉમેદવારોને હીમાંશુને મેળવતો અને હીમાંશુ સાથે રહી ઉમેદવારની મેડીકલ તપાસણી તેમજ ઇન્ટરવ્યુ લેવડાવતો તેમજ હીમાંશુ સાથે પોતે એકજ સંપર્કમા રહેતો તેમજ પોતે અથવા કલ્પેશને હીમાંશુ જણાવે તે બેંક ખાતામા રૂપિયા ટ્રાન્સફર કરાવતો તેમજ રોકડા રૂપિયા પણ હીમાંશુને આપતો હતો અને હીમાંશુ પાસેથી પોતે રૂ.૫૦,૦૦૦ એક ઉમેદવાર દીઠ કમિશન મેળવતો હતો.

આરોપી હીમાંશુ જે મુખ્ય સુત્રધાર છે જે પોતાની પાસે આવેલ બેરોજગાર યુવાનો ના ડોકયુમેન્ટ તથા અન્ય કાગળો મેળવી તે આધારે તેઓએ બોગસ વેબસાઇટ ઉભી કરેલ હોય જેમા ઉમેદવારને તેના બોગસ રોલ નંબર આપી અને વેબસાઇટમા તે નોકરીમા પાસ થયેલ છે તેનુ રિજલ્ટ મુકાવી બાદ ઉમેદવારને બોગસ બનાવટી એપોયમેન્ટ લેટર તથા ટ્રેનીંગ ઓર્ડર મોકલી આપતો અને જે ઉમેદવારોને પોતે અન્ય આરોપી શશીકાંત તથા સુરજ સાથે મળી અને લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાજ અવાવરૂ બીલ્ડીંગમા બોગસ ટ્રેનીંગ સેન્ટર ઉભુ કરેલ હોય જયા ઉમેદવારોને ટ્રેનીંગ આપવાની કામગીરી કરતો અને ઉમેદવારો દીઠ નક્કી કરવામા આવેલ પેમેન્ટ જે તે આરોપીને હીમાંશુ ચુકવતો હતો. 

આરોપી શશીકાંત જે હીમાંશુની સુચના મુજબ ઉમેદવારો જે ટ્રેનીંગ સેન્ટરમા આવતા તેને તાલીમ આપતો અને જેના તેને હીમાંશુ માસીક રૂ.૧૦,૦૦૦ પગાર ચુકવતો હતો. આરોપી સુરજ જે પટ્ટાવાળા તરીકે નોકરી કરતો અને જેને હીમાંશુ માસીક રૂ.૮,૦૦૦ પગાર ચુકવતો હતો.

પકડાય ન જાય તે માટે તકેદારી રખાતી

આરોપીઓ દ્વારા પોતે બોગસ નોકરી અપાવવાનો ગુન્હો આચરતા હોય અને જે તાત્કાલીક છતુ નથાય તેમજ ઉમેદવારો તથા તેના પરિવારને આ કોભાંડની જલદીથી જાણ નથાય અને વધુ ઉમેદવારો ભોગબનનાર મળી રહે તે માટે બોગસ ચાલતા ટ્રેનીંગ સેન્ટરમા તાલીમાર્થીઓને એક બીજા સાથે વાતચીત કરવાની મોબાઇલ મેસેજ કરવાની, વોટસએપ ગૃપ બનાવવાની તેમજ એક-બીજા સાથે પરીચય કેળવવાની મનાઇ હતી તેમજ તાલીમાર્થીઓને જણાવવામા આવતુ કે બધા નોકરીયાત પાસેથી રૂપિયા લેવામા આવેલ નથી જેથી તમોએ આપેલ રૂપિયાની કોઇને વાત કરવી નહી જો વાત કરશો તો તમારો ભાંડો ફુટીજાશે જેના અને પોલીસ ઇન્કવાયરી થશે તેવો ડર ઉભો કરવામા આવતો જેથી તાલીમાર્થીઓ એકબીજાને હકિકત જણાવે નહી જે કારણે તાલીમમા રહેલ યુવાનો એક બીજા તાલીમાર્થીઓને પોતે કેટલા રૂપિયા આપેલ અને કોના દ્વારા નોકરીમા આવેલ તે બાબતે વાતચીત કરતા નહી.

 લખનૌમાં રેલ્વેની મિલ્કતમાં મંજરી વગર ઉભુ કરી દેવાયું હતું તાલિમ સેન્ટર

આરોપીઓએ ઉમેદવારોને બોગસ કોલ લેટર આપી બાદ તેઓને ટ્રેનીંગમા બોલાવવાનો બોગસ ઓર્ડર આપવામા આવતો હતો અને જે બોગસ ટ્રેનીંગ સેન્ટર આરોપીઓ દ્વારા લખનઉ આલમબાગ વિસ્તાર કેસરબાગ પોલીસ ચોકી નજીક રેલ્વે કોલોનીમાં અવાવરૂ બીલ્ડીંગમાં ઉભાર કરાયેલા તાલિમ કેન્દ્રમાં તાલિમ અપાતી હતી. રેલ્વેની આ મિલ્કતનો બારોબાર ઉપયોગ કરાતો હતો.

બોગસ વેબસાઇટ-સિક્કા અને બીજા ડોકયુમેન્ટ બનાવાયા'તા

જબરૂ કોભાંડ આચરવા માટે આરોપીઓએ જીણામા જીણી માહિતી ઉપરથી ઉમેદવાર તથા તેના પરિવારજનોને કોઇ શંકા કે વહેમ નજાય તે માટે તૈયારી કરી હતી. જેમા આરોપીઓ દ્વારા ઓનલાઇન બોગસ બનાવટી રેલ્વે રીકૃટમેન્ટ કંટ્રોલ બોર્ડની www.rrb.govrusults.org.in સાઇટ બનાવી તેમા ઓરીજનલ વેબસાઇટનો ડેટા કોપી કરી તેના હોમ પેજમા RESULTS ઉપર કલીક કરવાથી ઓપન થતા પેઇજમા ઉમેદવારને આપેલ રોલનંબર નાખવાથી તેનુ REUSULTS દર્શાવે છે જેથી ઉમેદવાર યુવાનો તથા તેના પરિવારના સભ્યોને ખરેખર રેલ્વેમાજ નોકરી મળેલ છે તેવો આભાષ તેમજ વિશ્વાસ ઉભો થાય છે તેમજ બેરોજગાર યુવાનોને નોરધન રેલ્વેમા વર્ગ-૩ કલાર્કની નોકરી માટેના બનાવટી કોલલેટર, ટ્રેનીંગ ઓર્ડર, રેલ્વેમા નોકરીના આઇ.ડી. કાર્ડ, પે સ્લીપ બનાવી આપવામા આવતી જે બનાવવા માટે બનાવટી રેલ્વેના રિકવાયરમેન્ટના સીક્કાઓ તેમજ એસ.બી.આઇ. બેંકના સીક્કાઓ બનાવેલ છે જે લખનઉ ખાતેથી તપાસના કામે કબજે કરવામા આવેલ છે.

બોગસ ઇન્ટરવ્યુ અને મેડિકલ ચકાસણી થતી

આરોપીઓ દ્વારા ઉમેદવારોને વિશ્વાસમા લેવા માટે પ્રથમ તેઓનુ ઇન્ટરવ્યુ લેવામા આવતુ અને બાદ તેને નોકરી મળી ગઇ છે એવું દર્શાવવા બોગઇ ઇન્ટરવ્યુ અને બાદમાં મેડિકલ ચકાસણી કરવામાં આવતી હતી. મેડિકલ તપાસ માટે લખનૌ રેલ્વે હોસ્પીટલ ખાતે ઉમેદવારોને એક પછી એક લઇ જઇ અને ત્યા  પ્રોસેસ થઇ ગયેલ તેમ કહી અને રિપોર્ટ પોતાની પાસે બારોબાર આવી જશે તેવુ જણાવી ઉમેદવારોનો વિશ્વાસ જીતવામા આવતો હતો.

પગાર ચુકવવા બેંક ખાતા ખોલાયા તે પણ બોગસ

આરોપીઓ દ્વારા ઉમેદવારોને ખરેખર નોકરી મળેલ છે અને રેલ્વે દ્વારા તેમને પગાર પણ ચુકવવામા આવે છે તેવો વિશ્વાસ થાય તે માટે આરોપીઓએ અમદાવાદ યુનીયન બેંક સરદારબાગ શાખા ખાતે આર.આર.બી. કોર્પોરેશન નામનુ બોગસ બેંક એકાઉન્ટ ઉભુ કરી તે એકાઉન્ટ માથી ઉમેદવારોને પગાર ચુકવવામા આવતો જેથી ઉમેદવારોને રેલ્વે રીકૃરમેન્ટ બોર્ડમાથી પગાર મળે છે તેવો વિશ્વાસ થતો અને પોતે ખરેખર રેલ્વેના કર્મચારી થયેલ છે તેવો ઉમેદવાર તથા તેના પરિવારને વિશ્વાસ રહેતો. કોભાંડ ખુલ્લુ પાડી કોભાંડકારી છ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મુળ સુધી પહોંચવા મહેનત કરી રહી છે.

કામગીરી કરનાર ટીમ

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી-માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ.વી.રબારી, એ.એસ.આઇ. જયુભા પરમાર, દીગુભા જાડેજા, પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા  પુષ્પરાજસિંહ જાડેજા, સોકતખાન ખોરમ સહિતે આ કામગીરી કરી હતી.

યુપીના લો એન્ડ ઓર્ડર ડીજીપી પ્રશાંતકુમારને જાણ કરાઇ

ઉત્તર પ્રદેશના લો એન્ડ ઓર્ડર ડીજીપી શ્રી પ્રશાંતકુમાર રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના બેચમેટ હોઇ તેમને સમગ્ર કૌભાંડની જાણકારી અપાઇ હતી અને રાજકોટની ટીમ ત્યાં લખનૌ પહોંચી ત્યારે ત્યાંની ટીમની પણ મદદ લેવાઇ હતી.

૧૭-૧૭ની બે બેચમાં તાલિમ અપાતી હતી

રાજકોટ પોલીસની ટીમ લખનૌ પહોંચી ત્યારે બોગસ તાલિમ સેન્ટર ખાતે પહોંચી ત્યારે ખબર પડી હતી કે ત્યાં ૧૭-૧૭ છાત્રોની બે બેંચની તાલિમ ચલુ હતી. જેમાં શશીપ્રસાદ તાલિમ આપતો હતો જ્યારે સૂરજ મૌર્ય ઓફિસ બોય હતો.

કામગીરી કરનાર ટીમને ૧૫ હજારનું ઇનામ

પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે આ કામગીરી કરનાર ટીમને ૧૫ હજારનો પુરષ્કાર આપ્યો હતો

(4:06 pm IST)