Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

નગ્ન પરેડ યોજવા માટે રૈયા ચોકડીએ જાહેરમાં ટી-શર્ટ ઉતાર્યુઃ બિભત્સ વર્તન અંગે ત્રણ પકડાયા

પોલીસે યુવાનને ખોટી રીતે માર માર્યાના વિરોધમાં કાર્યક્રમ યોજે એ પહેલા કાયદેસરની કાર્યવાહી

રાજકોટઃ ગોપાલક એકતા મંચ તથા આરટીઆઇ એકટીવિસ્ટ તરીકે ઓળખાવતા મહેશભાઇ મનસુખભાઇ પરમાર શનિવારે સવારે રૈયા ચોકડી ખાતેથી નગ્ન પરેડ યોજી પોલીસ કમિશનરશ્રીની કચેરીએ રજૂઆત કરવા જશે તે અંગેની અખબારી યાદી સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હોઇ પોલીસે સવારથી જ રૈયા ચોકડીએ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન પોણા અગિયારેક વાગ્યે ત્રણ લોકો રૈયા ચોકડીએ આવી પહોંચ્યા હતાં. બે યુવાનોના હાથમાં ગોપાલક એકતા મંચનું બેનર હતું.  તેની આગળ રહેલા યુવાને પોતાનું ટી-શર્ટ કાઢી નાંખ્યું હતું અને 'પોલીસ મારવા માંડી છે, એ વાજબી ન ગણાય...' એવું બોલી દેકારો મચાવ્યો હતો. જો કે તે વધુ કોઇ પ્રદર્શન કરે એ પહેલા જ તેની યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે અટકાયત કરી હતી. ત્રણેય શખ્સો સામે પોલીસે જીપીએકટ ૧૧૦, ૧૧૭ મુજબ જાહેરમાં કપડા ઉતારી બિભત્સ વર્તન કરવા અંગેનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.

ત્રણેયને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં. જેમાં ટી-શર્ટ કાઢી વિરોધ પ્રદર્શિત કરનારનું નામ મહેશભાઇ મનસુખભાઇ પરમાર (ઉ.વ.૩૭) તથા તેની સાથેના નારણ ટીકાભાઇ ચાવડા (ઉ.વ.૪૪) અને હમીર ધનજીભાઇ મેરીયા (ઉ.વ.૫૦) (રહે. ત્રણેય રૈયા ગામ) હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. મહેશે પોતેે આરટીઆઇ એકટીવિસ્ટ હોવાનું જણાવાયું હતું. પોલીસે ત્રણ દિવસ પહેલા કાલાવડ રોડની હોટેલેથી યુવાનને પોલીસ મથકે લઇ જઇ માર મારી બીજા દિવસે પશ્ચિમ  મામલતદાર કચેરી પાસે છોડી મુકયાની ઘટનાનો વિરોધ કરવા પોતે કાર્યકરો સાથે રૈયા ચોકડીએ આવ્યાનું તેણે કહ્યું હતું.

મહેશ પરમાર સહિતે રૈયા ચોકડીએ આવી ગુજરાત પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી રૈયા ચોકડીથી નગ્ન પરેડ યોજવા અર્ધનગ્ન થઇ જાહેરમાં બિભત્સ વર્તન કર્યાનો ગુનો નોંધ્યો છે. પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં હેડકોન્સ. યુવરાજસિંહ, જયંતિગીરી, રાવતભાઇ સહિતે ત્રણેય રૈયાચોકડીએથી ત્રણેયની અટકાયત કરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:50 pm IST)