Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજકોટ જિલ્લા પંચાયતની સમિતિઓની રચના ૧૫ એપ્રિલ આસપાસ : ૧ મહિનામાં ૩ સામાન્ય સભાનો વિક્રમ સર્જાશે

કુલ ૯ સમિતિઓ : અઢી-અઢી વર્ષ તક આપી બધાને સાચવી લેવાનો વ્યૂહ

રાજકોટ તા. ૨૭ : જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યા પછીની પ્રથમ સામાન્ય સભા ગઇકાલે મળેલ. હવે પછી સમિતિઓની રચના અને પ્રશ્નોત્તરી માટે તા. ૧૫ એપ્રિલ અથવા તેની નજીકના દિવસમાં પ્રશ્નોત્તરી સાથેની સામાન્ય સભા બોલાવવાનું નક્કી થઇ રહ્યાનું પંચાયતના વર્તુળોમાંથી જાણવા મળે છે. પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી માટે ૧૭ માર્ચે સામાન્ય સભા યોજાયેલ. ત્યારપછી બજેટ માટે તાત્કાલિક સામાન્ય સભા બોલાવવી જરૂરી હતી. તેથી ગઇકાલે તા. ૨૬મીએ ખાસ સામાન્ય સભા બોલાવાયેલ. હવે સમિતિઓની રચના માટે ખાસ અથવા રાબેતા મુજબની સામાન્ય સભા બોલાવી શકાય. નવી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવ્યા પછીના પ્રથમ મહિનામાં ૩ સામાન્ય સભા યોજાવાનો નવો ઇતિહાસ સર્જાશે.

જિલ્લા પંચાયતમાં કારોબારી સહિત કુલ ૯ સમિતિઓ છે. જેમાં અપીલ સમિતિમાં હોદ્દાની રૂએ પંચાયતના પ્રમુખ જ અધ્યક્ષ હોય છે. કારોબારી સમિતિ સામાન્ય રીતે ૫ થી ૯ સભ્યોની બનતી હોય છે. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે સહદેવસિંહ જાડેજા જાહેર થઇ ચૂકયા છે. અન્ય સમિતિના અધ્યક્ષ પદ જેટલું જ મહત્વ કારોબારી સમિતિના સભ્યપદનું ગણાય છે. જિલ્લા પંચાયતમાં ભાજપના ૨૫ સભ્યો ચૂંટાયેલા છે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા, દંડક ઉપરાંત સમિતિઓના અધ્યક્ષ પદે અઢી-અઢી વર્ષ જુદા-જુદા સભ્યોને તક આપી ૫ વર્ષમાં બધાને રાજી રાખવાનો પાર્ટીનો વ્યૂહ છે. સમિતિઓની રચના પછી જે તે સમિતિની બેઠકમાં તેના અધ્યક્ષની વરણી થશે. તા. ૧૫ એપ્રિલ આસપાસ સામાન્ય સભા બોલાવવાનું વિચારાધીન છે. આવતા અઠવાડિયે સામાન્ય સભાનો એજન્ડા પ્રસિધ્ધ થશે.

(11:59 am IST)