Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

તમે તમારા ઘરે, અમે અમારા ઘરે... : ચાલો તોય રમીએ અંતાક્ષરી : સૂરતાલ કરાઓકે ગ્રુપે નવતર કીમીયો અજમાવ્યો

'ડયુઓ ગુગલ' કે 'ઝુમ ગુગલ' ના માધ્યમથી વીડીયો કોન્ફરન્સથી મનોરંજનો પ્રયોગ

રાજકોટ તા. ૨૭ : કોરોનાના કારણે લોકડાઉનની અસર વચ્ચે પણ લોકો હળવા ફુલ બની શકે તેવો નવતર કિમીયો સૂરતાલ કરાઓકે મ્યુઝીકલ ગ્રુપે શોધી કાઢયો છે.

સૂરતાલ કરાઓકે મ્યુઝીકલ ગ્રુપના મેન્ટોર પરિમલ ઘેલાણીએ એક યાદીમાં જણાવ્યુ છે કે અમારા ગ્રુપના સભ્યો ડોકટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમ સાત લોકો વચ્ચે સંકલન કરી ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અંતાક્ષરી રમવાનું શરૂ કરેલ છે. દરરોજ બે ત્રણ કલાક આ અંતાક્ષરી રમવામાં ગાળીએ છીએ અને એ રીતે હળવુ મનોરંજન માણીએ છીએ.

ગીત સંગીતની વચ્ચે કોઇ જોકસ પણ પીરસે છે અને કોઇ મીમીક્રી પણ કરે છે. આમ લોકડાઉનનું પણ પાલન કરીએ છીએ અને સાથે મનોરંજન માણી મન હળવુ પણ કરીએ છીએ.

અમારૂ સુરતાલ ગ્રુપ આ રીતે 'ડયુઓ ગુગલ' કે 'ઝુમ ગુગલ' ઉપર અંતાક્ષરી રમીએ છીએ. આ રીતે બીજી કોઇપણ જાતની ગેઇમ રમીને મનગમતી પ્રવૃત્તિ કરી શકાય છે. સોશ્યલ ડીસ્ટન્સને ડીસ્ટર્બ કર્યા વગર આવુ અપનાવવા જેવુ હોવાનું સૂરતાલ કરાઓકે મ્યુઝીકલ ગ્રુપના મેન્ટર પરિમલ ઘેલાણીએ જણાવેલ છે.

(3:51 pm IST)