Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર માઉન્ટ આબુના રાજયોગિની દાદી જાનકીજીનું અવસાન

બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવનમાં અંતિમવિધી

પ્રથમ તસ્વીરમાં રાજયોગિની દાદી જાનકીજીનો પાર્થિવ દેહ તથા બીજી તસ્વીરમાં ફાઇલ ફોટો

રાજકોટ, તા. ર૭ : મહિલાઓ દ્વારા સંચાલિત દુનિયાની સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝની મુખ્ય પ્રશાસિકા તથા સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર રાજયોગિની દાદી જાનકીજીનું ૧૦૪ વર્ષની ઉંમરે દેહાવસાન થયેલ છે.

માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધેલ. તેમને છેલ્લા બે મહિનાથી શ્વાસ અને પેટની તકલીફ હતી જેની સારવાર ચાલુ હતી. તેમના અંતિમ સંસ્કાર બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવનમાં કોન્ફરન્સ હોલ સામેના ગ્રાઉન્ડમાં આજે બપોરે ૩-૩૦ વાગ્યે થશે.

નારીશકિતની પ્રેરણાસ્ત્રોત રાજયોગની દાદી જાનકીનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૧૬માં હૈદરાબાદ સિંઘમાં થયો હતો. તેમણે ર૧ વર્ષની ઉંમરે જ બ્રહ્માકુમારી સંસ્થાના આધ્યાત્મિક પથનો સ્વીકાર કરેલ અને પૂર્ણ રૂપથી સમર્પણ થઇ ગયેલ. આધ્યાત્મિક ઉડાનની શિખરે પહોંચેલ દાદી જાનજીકીએ માત્ર ૪ ધોરણ સુધી જ અભ્યાસ કરેલ, પરંતુ આધ્યાત્મિક આભાથી ભરપૂર ભારતીય દર્શન, રાજયોગ અને માનવીય મૂલ્યોની સ્થાપના માટે ૧૯૭૦માં તેઓ પશ્ચિમી દેશોમાં ગયા. દુનિયાના ૧૪૦ દેશોમાં માનવીય મૂલ્યોના બીજારોપણ રૂપી હજ્જારો સેવા કેન્દ્રોની સ્થાપના કરી લાખો લોકોને એક નવી જિંદગી આપેલ. રાજયોગિની દાદી જાનકીએ આખા વિશ્વમાં મન અને આત્માની સ્વચ્છતાની સાથે સાથે બહારની સ્વચ્છતા માટે પણ ઉમદા કાર્ય કરેલ. જેના કારણે ભારત સરકારે તેમને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલ. દાદી જાનકીના દેહાવસાનના સમાચાર સાંભળી આ સંસ્થાના દેશ-વિદેશના અનુયાયીઓએ શ્રદ્ધાં સુમન અર્પણ કરવા યોગ સાધના પ્રારંભ કરી દીધેલ છે. તેમના પાર્થિવ દેહને માઉન્ટ આબુથી આબુ રોડ શાંતિવન લાવવામાં આવશે અને ભાવભીની શ્રદ્ધાંજલી પશ્ચાત પાંચ તત્વોમાં વિલીની થઇ જશે.

નરેન્દ્રભાઇ મોદીએ ટિવટ કરીને શ્રદ્ધાંજલી અર્પી

રાજકોટ, તા. ર૭ : આધ્યાત્મિક સંગઠન બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા અને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસડર રાજયોગિની જાનકી દાદીનું ૧૦૪ વર્ષની વયે નિધન થયું છે. તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છે. રાજયોગિની દાદી જાનકીનું અવસાન થતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટિવટ કરી દુઃખ વ્યકત કરતા કહ્યું છે કે બ્રહ્માકુમારીના પ્રમુખ રાજયોગિની દાદી જાનકીજીએ પરિશ્રમની સાથે સમાજની સેવા કરી.

(3:47 pm IST)