Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રૂખડીયાપરામાં બાઇક અથડાવવા પ્રશ્ને બે પરિવાર વચ્ચે ધબધબાટી : વાહનમાં તોડફોડ

સલમાન શેખનું બાઇક બાળકીને અડી જતા ડખ્ખો થયો : સામસામી ફરિયાદ

રાજકોટ તા. ૨૭ : શહેરના રૂખડીયાપરા મફતીયાપરામાં બાળકીને બાઇક ભટકાતા બે મુસ્લિમ પરિવાર વચ્ચે મારામારી થતા સાત વ્યકિતને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ રૂખડીયાપરા મફતીયાપરામાં હાજીપીરની દરગાહ પાસે રહેતો સલમાન અબ્દુલભાઇ શેખ (ઉ.વ.૧૪) રાત્રે બાઇક લઇને જતો હતો ત્યારે ઘર પાસે બાઇક એક બાળકીને અડી જતા સલમાનને મુસ્તુફા સહિત છ શખ્સોએ તેને રોકી ઠપકો આપી ટપારતા ઝઘડો થતાં સલમાનના પિતા અબ્દુલ કાદરભાઇ શેખ (ઉ.વ.૩૫), તબસ્સુમબેન રઝાકભાઇ શેખ (ઉ.વ.૩૫) અને આફતાબ અબ્દુલ કાદરભાઇ શેખ (ઉ.વ.૧૯) વચ્ચે પડતા મુસ્તુફા, વસીમ, એઝાઝ બાદશાહ, સંજલો, મદીનાબેન તથા હજુબેને ઝઘડો કરતા બંને પક્ષ વચ્ચે મારામારી થઇ હતી અને અબ્દુલ કાદરભાઇના પરિવાર ઉપર પથ્થરમારો કરતા ઘરમાં અને બાઇકમાં તોડફોડ કરી હતી. આ બઘડાટીમાં અબ્દુલ કાદરભાઇ, સલમાન, તબસ્સુમબેન, સામા પક્ષે અજીતભાઇ મહોમદભાઇ હરજાદા (ઉ.વ.૩૬), મદીનાબેન મજીદભાઇ હરજાદા (ઉ.વ.૩૫) તથા હજુબેન સાદુદ્દીનભાઇ બાજરાણી (ઉ.૨૭)ને ઇજા થતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ સુરેશભાઇ જોગરાણા તથા રાઇટર બાબુભાઇએ બંને પક્ષની સામસામી એનસી ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)