Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

આજે વિશ્વ રંગભૂમિ દિન : ગુજરાતી રંગભૂમિમાં પારસીઓનું અનન્ય પ્રદાન

સુરત સ્થિત યેઝદી કરંજીયાને ગુજરાતી - પારસી રંગભૂમિની સેવાઓ માટે ભારત સરકારે આ વર્ષે પદ્મશ્રીની નવાઝીશ આપી. ધર્મે પારસી પરંતુ કર્મે પૂરેપુરા ગુજરાતી એવા યેઝદી સાહેબ વર્તમાનમાં પણ તેના સંયુકત કુટુંબ સાથે રંગભૂમિ પર પૂરબહારમાં પ્રવૃત્ત છે.

રંગભૂમિ ઇતિહાસ બોલે છે કે આપણી રંગભૂમિના જન્મ પહેલા કે પછીથી તેના વિકાસમાં સૌજન્યશીલ રાષ્ટ્રપ્રેમી પ્રકૃતિના પારસી રંગ કર્મીઓનું અનન્ય પ્રદાન રહ્યુ છે. તેઓના રંગભૂમિ પ્રવેશ પહેલા બિલકુલ પુરાતન શૈલીઓ અલપ ઝલપ જ નાટકો ભજવાયેલા. પણ જેને સુનિયોજીત કહી શકાય તેવી ગુજરાતી - પારસી રંગભૂમિ શરૂ કરી હતી.

ફરામજી દલાલની પારસી નાટક મંડળીએ ૧૮૫૩ માં 'રૂસ્તમ સોહરાબ'  નાટકથી સૌ પહેલુ ગુજરાતી એકાંકિ 'ધનજી ગારક' પણ તેઓએ જ રજુ કર્યુ. સ્ત્રીઓ માટે નાટકમાં કામ ક્ષોભ જનક ગણાતું ત્યારે દાદી પટેલ નામના રંગકર્મીએ સૌ પ્રથમ સ્ત્રી કલાકારને રંગભૂમિ પર રજુ કર્યા. ઉપરોકત શરૂઆતને આજે ૧૬૭ વર્ષ થયા. આ દરમિયાન છેક ફરામજી કાવસજી, દાદાભાઇ નવરોજી અને ખાસ નોંધનીય કે ખુશરૂ કાબરાજીથી લઇ હમણાં સુધીના અદી મર્ઝબાન (અંગ્રેજી રંગ કર્મીના પણ ખાં), દિનયાર કોન્ટ્રેકટર, રૂબી પટેલ, રતન માર્શલ અને ફિરોઝ આંટીયા જેવા સેંકડો પારસી રંગકર્મીઓએ ગુજરાતી રંગભૂમિને નવા રંગરૂપ આપવામાં મહતમ ફાળો આપ્યો છે. એ વખતના ઘણાં પારસી અગ્રીમો માહેના ફરામજી કાવસજી જમશેદજી જીજીભાઇ અને છેક પહેલી પારસી નાટક મંડળી સાથે સંકળાઇ રહી પ્રોત્સાહિત કરતા રહેતા તે દાદાભાઇ નવરોજી જેઓ દેશ આખાના દાદાજી તરીકે પ્રખ્યાત થયાં.

પરંતુ ઉપરોકત માહેનાઓમાં પારસી રંગકર્મનું આંખે ઉડીને વળગે તેવું કામ રહ્યું હતુ કે ખુશરૂ કાબરાજીનું. જે સમાજ સુધારણાં, સાહિત્ય, પત્રકારત્વ અને ખાસ કરીને, રંગભૂમિ માટેના પોતાના તર્પણને કારણે અમરત્વને પામ્યા. પત્રકાર તરીકે 'રાસતા ગોફતાર' દૈનિકના તેઓ તંત્રી અને વિશ્રુત વિવેચક પણ હતા. એક નાટયકાર તરીકે તેમણે નાટક અને ગાયકીના ઘણાં નાટક ઉત્તેજક (પ્રોત્સાહક) મંડળો સ્થાપ્યા. જેમાં સ્ત્રીઓને ખાસ સ્થાન આપતા. કલાકારે હંમેશા તંદુરસ્ત રહેવું જોઇએ તેવો સિધ્ધાંત સ્થાપી કલાકારો માટે કસરત શાળાઓ શરૂ કરાવી. વિચારવા જેવો મુદ્દો એ છે કે ગુજરાતીઓ નાટકમાં હજુ પા પા પગલી ભરતા હતા, ત્યારે શેકસપિયરના કોમેડી ઓફ એરર્સ નાટકને ગુજરાતીમાં ભૂલ ચુકની હસાહસ નામે રજુ કર્યુ હતુ. જેના પરથી ગુલઝારે 'અંગુર' ફિલ્મ બનાવી હતી.

તેમણે શરૂઆતી પોતાની મંડળીનું નામ મહારાણી વિકટોરીયાના નામ પરથી 'વિકટોરીયા નાટક મંડળી' નામ રાખ્યુ હતુ. તેમાં ઘણા કલાકારો, લેખકો જોડાયા. તકલીફો ભાંગવી અગત્યનું સ્થાન પ્રસ્થાપિત કર્યા બાદ ઇરાની ઐતિહાસિક 'બેજન મનીજેહ' નાટક ભજવી ધૂમ મચાવી આર્થિક સમૃધ્ધી મેળવી. કે ખુશરૂ સાથે તેના કલાકારો જમશુ, જમશેદ, ડોસુ ગોદરેજના નામ પણ લોકજીભે ચઢી ગયા. તે પછીનું નાટક 'જમશેદ' એ પણ ઇરાની ઇતિહાસના નવતર પ્રયોગ.

કાબરાજી તે વખતના ઉત્તમ ગુજરાતી નાટય લેખક પણ ગણાતા. તેમનું લખેલુ રજુ કરેલું 'કરણ ઘેલો' ને કોઇ કોઇ નિષ્ણાંતોએ ગુજરાતી રંગભુમિનું પહેલુ ગુજરાતી (હિન્દુ) નાટક ઓળખાવ્યુ. તેમાં કરણનુ઼ પાત્ર જાણીતા પારસી કલાકાર ફરામજી દાદાભાઇએ અને રૂપ સુંદરીની ભુમિક કાવસજી માણેકજીએ ભજવી હતી. એક વધુ ગુજરાતી નાટક 'હરિશ્ચંદ્ર' એ પ્રયોગની શતાબ્દી ઉજવી. તે પછીના નાટકો નળ- દમયંતિ અને સીતા હરણે પણ ડંકો વગાડયો. તે વખતના રાજે રજવાડા આ બધા નાટકો ખાસ જોવા પધારતા. એટલું જ નહીં સ્ત્રી પ્રેક્ષકોના બાળકો માટે ઘોડીયાઓની વ્યવસ્થા રાખવામાં આવતી હતી.

એ જેમનામાં ગુજરાતી ભાષા તથા પત્રકારત્વ માટે જરૂરી ભાષાની શુધ્ધતાનું સ્વરૂપ સ્પષ્ટ ન હતું. નર્મદ જેવા ભાષાવિદ્દ દ્વારા તે ઘડાઇ રહ્યું હતુ. એ ઘડતરમાં કે ખશરૂજી, બમ્મનજી તેમજ પાલણજી દેસાઇ   જેવા પારસી ભાષા- સાહિત્ય પંડીતોનો પણ સહયોગ રહ્યો હતો, રંગભુમિ પ્રદાનની સાથો સાથ.

આજનો વિશ્વ રંગભૂમિ દિન કોરોના વાઇરસ સામે યુધ્ધે ચડેલા વિશ્વભરના સૌ લગત લડવૈયાઓને અર્પણ....

નાટક સીતા - હરણ અને પ્રેક્ષકો

ક્રાંતિકારી વિચારક, કવિ સાહિત્યકાર નર્મદે 'રામ - જાનકી દર્શન' નામનું નાટક લખ્યુ હતું. આ નાટકને કાબરાજીએ 'સતા - હરણ' નામે રજુ કર્યુ ત્યારે સમાજના પ્રથમ હરોળના મુર્ધન્યો, અગ્રગણ્યો સાથે પુષ્ટિ માર્ગના એ સમયના વિદ્વાન ગોસ્વામી જીવણદાસજી મહારાજ પ્રજ્ઞાચક્ષુ ગટુલાલજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રામ સીતાના કલાકારોનો જયારે પ્રથમ પ્રવેશ થતો ત્યારે સૌ પ્રેક્ષકો ઉભા થઇ તેમને વંદન કરતા. આ નાટકે તત્કાલિન પ્રજામાં રામાયણ માટે અતિ પૂજય ભાવ પેદા કર્યો હતો. જેનો મોટો શ્રેય મળ્યો હતો, પારસી રંગભૂમિ કર્મીઓને!

-: આલેખન :-

કૌશિક સિંધવ

મો.૭૩૫૯૩ ૨૬૦૫૧

(3:45 pm IST)