Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ફેકટરી માલીકો કે બિલ્ડરો મજુરોને વતન જવા મજબુર કરશે તો કાયદાકીય પગલાઃ એસપી બલરામ મીણા

શાપર-વેરાવળ, મેટોડા, હડમતાળા જીઆઇડીસીમાં કામ કરતા મજુરોને હિજરત નહિ કરવા તાકીદ

રાજકોટ, તા., ૨૭: કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા કેન્દ્ર અને રાજય સરકારે જાહેર કરેલ લોકડાઉનના પગલે રાજકોટ જીલ્લામાંથી મજુરોને વતનમાં જવા વાહનની   વ્યવસ્થા ન મળતા પગપાળા હિજરત કરી રહયા હોય રાજય સરકારે આજે મજુરો જયા રહે છે  ત્યાં જ રહેવા આદેશ કરતા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ મજુરોની હિજરત કરવાની ફરજ પાડનાર ફેકટરી માલીકો અને બિલ્ડરો સામે કાયદાકીય પગલા લેવાની જાહેરાત કરી છે.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું છેકે રાજકોટ જીલ્લાના મેટોડા જીઆઇડીસી, શાપર-વેરાવળ જીઆઇડીસી તથા હડમતાળા જીઆઇડીસી તેમજ બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ મજુરો લોકડાઉનને પગલે વતનમાં જવા હિજરત કરી રહયા છે. વાહનની વ્યવસ્થા ન મળતા જે તે સ્થાનીક પોલીસે મજુરોને વાહનની વ્યવસ્થા કરી દીધી હતી. પરંતુ આજે રાજય સરકારે મજુરોને જયાં રહે છે ત્યાં જ રહેવાનો આદેશ કરતા કોઇ મજુરોએ હિજરત કરવી નહી. ફેકટરીના માલીકો કે બિલ્ડરો મજુરોને વતન જવા મજબુર કરશે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

જીલ્લાની જીઆઇડીસી કે બાંધકામની સાઇટ પર કામ કરતા મજુરોને ફેકટરીના માલીકો કે બિલ્ડરો હિજરત કરવાની ફરજ પાડે તો જેતે પોલીસ મથકનો સંપર્ક સાધવા અંતમાં બલરામ મીણાએ જણાવ્યુ઼ હતું.

(3:42 pm IST)