Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

માલીયાસણ પાસે પરપ્રાંતિય શ્રમિકો માટે એસઓજીની ટીમે અને ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા જમવાની વ્યવસ્થા કરાઈ

રાજકોટ છોડીને પગપાળા વતનમાં જઈ રહેલા ૨૦૦૦થી વધુ પરપ્રાંતિય શ્રમિકોને અટકાવી કોરોના : વાયરસની મહામારીમાં સાવચેતી રાખવા અને એકબીજાથી અંતર જાળવવા અંગે માર્ગદર્શન અપાયુ

રાજકોટઃ. કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે ત્યારે બીજા શહેરમાં જવા માટે વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં અન્ય રાજ્યોમાંથી અને શહેરોમાંથી મજુરી કામ માટે આવેલા મજુરોની કફોડી પરિસ્થિતિ થઈ છે. ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયા બાદ પરપ્રાંતિય શ્રમિકો તેમના વતનમાં જવા માટે પગપાળા નિકળી પડયા હતા. આ લોકોને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી પીએસઆઈ એમ.એસ. અંસારી, અજયભાઈ શુકલા, અનિલસિંહ ગોહિલ, મહમદઅઝરૂદ્દીનભાઈ બુખારી સહિતે કુવાડવા રોડ પર પગપાળા જઈ રહેલા ૨૦૦૦થી વધુ શ્રમિકોને માલીયાસણ નજીક અટકાવી અને કોરોના વાયરસની મહામારી સંદર્ભે સાવચેતી અને એકબીજાથી અંતર રાખવા માટેની સૂચના આપી અને આ લોકોને જમવાની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. જેમાં સામાજિક અગ્રણી અજીતભાઈ લોખીલ, ઈરશાદભાઈ દલ, હસમુખભાઈ સંચાણીયા, જયભાઈ સાપરીયા, વિશાલભાઈ સંચાણીયા, અંકિતભાઈ સંચાણીયા, પાર્થભાઈ સંચાણીયા અને દુર્ગેશભાઈ રાણપરાએ જહેમત ઉઠાવી હતી. ત્યાર બાદ આ ઉમદા કાર્યમાં અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી. જેમાં શ્યામલ ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા પણ ૨૦૦૦થી વધુ શ્રમિકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(3:41 pm IST)