Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

સ્વનિર્ભર શાળા સંચાલકોનો સેવાયજ્ઞઃ દરરોજ ૧ હજાર ગરીબોને બે ટંકનું ભોજન ઘરે પહોંચાડશે

રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યોનું સહીયારૂ આયોજન

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ શહેરમાં  શિક્ષણથી છાત્રોની ઉચ્ચ કારકીર્દીનું ઘડતર કરતી સ્વનિર્ભર શાળાઓએ હવે લોકડાઉનમાં અનોખો સેવા યજ્ઞ હાથ ધર્યો છે.  સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા લોકડાઉનમાં દરરોજ બે ટંકનું ભોજન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.શહેરના શ્રમજીવી વિસ્તારો ઉપરાંત ફરજ બજાવતા વિવિધ સરકારી કર્મચારીઓ માટે આ ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ વિકટ પરીસ્થિતિમાં સહયોગ આપવા શાળા સંચાલક મંડળના તમામ હોદેદારો ઝોન ઉપપ્રમુખો - કારોબારી સભ્યો તેમજ શાળા સંચાલકો તમામ પ્રકારની સેવા આપવા  ઉત્સુકતા દાખવી છે. તેમ  પ્રમુખ અજયભાઇ  પટેલ અને અવધેશભાઇ કાનગડની યાદીમાં જણાવે છે.

કોરાના વાયરસને પગલે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે શ્રમજીવીઓ અને રોજનું કમાઇને ભોજન લેતા ગરીબ  પરિવારોની મદદે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ આવ્યું છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ, મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, ડી. વી. મહેતા, મહામંત્રી અવધેશભાઇ  કાનગડ,  ડી. કે. વાડોદરીયા, વિપુલભાઇ પાનેલીયા, મેહુલભાઇ પરડવા, જયદીપભાઇ જલુ,  વિશેષ પ્રયાસોથી આજથી ૧ હજારથી વધુ ગરીબ લોકોને તેમના ઘરે જઇને બે ટંકનું ભોજન કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે.

(3:39 pm IST)