Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મુસ્લિમોએ ઘરમાં જ રહી નમાઝ પઢી દુઆઓ કરીઃ શુક્રવાર છતાં લોકડાઉન

કમલ ૧૪૪નો ચુસ્તપણે અમલ કરાયોઃ મસ્જીદો બંધ રહી

રાજકોટ તા. ર૭: ગુજરાતમાં કોરોના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ચારથી વધુ લોકો એકત્ર ન થાય તે માટે ૧૪૪મી કલમ લાગુ કરી દેવામાં આવી છે ત્યારે શુક્રવારે જુમ્માની નમાઝ મસ્જિદોમાં અદા કરવાને બદલે ઘરમાં લોકો અદા કરે તેવી મુસ્લિમોને અપીલ કરવામાં આવી હતી જેનો સંપૂર્ણ અમલ થયાના અહેવાલો છે. કોરોનાની મહામારીને પગલે રાજયમાં મુસ્લિમોએ આ પહેલ કરી છે.

અમદાવાદમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડા લઘુમતી આગેવાનો, મૌલવીઓ સાથે ચર્ચા વિચારણા કરીને મુસ્લિમ બિરાદરોને જુમ્માની નમાઝ મસ્જિદોમાં અદા કરવાને ઘેર જ પઢવા વિનંતી કરવામાં આવી હતી.

માત્ર અમદાવાદ જ નહીં, પણ ગુજરાતના અન્ય શહેરોમાંય મસ્જિદોમાં નમાઝ અદા કરવાને બદલે ઘેર જ નમાજ અદા કરવા એલાન કરાયું હતું. જેના લીધે આજે શુક્રવારેઢ બપોરે ૧ વાગ્યે હંમેશા પઢવામાં આવતી ખાસ નમાઝ લોકોએ પોતપોતાના ઘરે એકત્ર થયા વિના જ પઢી હતી અને મસ્જીદો બંધ રહી હતી જેનો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ગામેગામ અમલ થયેલો હોવાના અહેવાલો છે.

બીજી તરફ મુસ્લિમ સમાજે બપોરની ખાસ શુક્રવારની નમાઝ સમયે ઘરમાંજ રહી મહામારી નાથવા માટે સમગ્ર વિશ્વ અર્થે ખાસ દુઆઓ કરી હતી અને કલમ ૧૪૪નો ચુસ્તપણે અમલ થયેલ હતો.

(3:38 pm IST)