Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કીરાણા સ્ટોરમાંથી ચીજવસ્તુ ઘર બેઠા મળશેઃ મનપાની તૈયારીઓ

જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ, શાકભાજીનો જથ્થો ઉપલબ્ધઃલોકો લોકડાઉનનો ચુસ્ત પણે અમલ કરવા મ્યુ.કમિશ્નર અગ્રવાલની અપીલ

રાજકોટ તા. ૨૭: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ 'લોકડાઉન' પીરીયડ દરમ્યાન  શહેરમાં નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી પોતાનાં વિસ્તારનાં કરીયાણાની દુકાનોમાં મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને લોકો ચીંતા ન કરે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ, શાકભાજીનો જથ્થો ઉપલબ્ધ છે. શહેરીજનો લોકડાઉનનો ચૂસ્ત પણે અમલ કરવા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા અપિલ કરવામાં આવી છે.

આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી રાજકોટ શહેરમાં વાઈરસ સંક્રમણ પ્રસરતું અટકાવવાના પ્રયાસોના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા લોકોને શકય હોય ત્યાં સુધી પોતાના ઘરની બહાર ન નીકળવું પડે તે પ્રકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેમણે ઘર બેઠા બેઠા જ કે પછી પોતાના ઘરની નજીકમાં આવેલી કરીયાણાની દુકાનેથી જ અનાજ, કઠોળ ઇત્યાદિ આવશ્યક વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ દ્યેર બેઠા મળી રહે તે માટે બિગ બઝાર, રિલાયન્સ, ગોલ્ડન સુપર માર્કેટ વગેરે સાથે એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં આ સુપર મર્કેટ – મોલ સાથે સ્વીગી અને ઝોમેટોનું ટાઈઅપ કરાવવામાં આવેલ છે. લોકો લોકડાઉન પીરીયડ દરમ્યાન ઉપરોકત મોલ કે સુપર માર્કેટને ફોન કરીને પોતાને જરૂરી હોય એ આવશ્યક ચીજોની ડીમાંડ કરી શકે છે અને પછી સ્વીગી કે ઝોમેટોના માધ્યમથી લોકોને પોતાના દ્યેર જ આવશ્યક ચીજોની હોમ ડિલિવરી મળી રહેશે. હાલ ફોન કોલથી ડીમાંડ કરવાની સેવા શરૂ થઇ   છે. રાજકોટ મહાનગરપાલિકા એ દિશામાં પણ પ્રયાસ કરી રહી છે જેમાં  હાલ તુર્ત માત્ર ફોન કોલથી જ જીવન જરૂરી એવી આવશ્યક ચીજોની ડીમાંડ કરી શકશ.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સરકારશ્રી દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉન પીરીયડ દરમ્યાન રાજકોટ શહેરમાં નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે અને તેમની લાઈફ નોર્મલ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને સરકારી  કચેરી સહિતનો સ્ટાફ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ બજાવી રહયો છે.

 કમિશનરશ્રીએ નાગરિકો જોગ એક નિવેદનમાં એમ કહ્યું હતું કે, હાલની સ્થિતિમાં લોકો જરા પણ ઉચાટ ના અનુભવે. વહીવટી તંત્ર નાગરિકોની આવશ્યકતાઓ અંગે ચિંતા કરી રહયું છે અને તેઓની મુશ્કેલી દુર કરવા શકય તમામ પ્રયાસો કરે છે. રાજકોટમાં આવશ્યક ચીજોની કોઈ જ કમી નથી એટલે એ વિષયમાં લોકો નિશ્યિંત જ રહે. બસ લોકો માત્ર પોતપોતાના ઘરમાં જ રહી હાલના આ સમયમાં સરકાર અને તંત્રને સહયોગ પ્રદાન કરે એ વર્તમાન સમયની માંગ છે.

(3:23 pm IST)