Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજકોટમાં પ૦ હજાર સેનીટાઇઝરનો જથ્થો ઉપલબ્ધઃ દવા ઉત્પાદન માટે ૮ર અરજી આવીઃ રાજકોટ બહાર પરિવહન માટે અરજીનો ધોધ

કલેકટરે ૭ અધિકારીઓની જવાબદારી ફીકસ કરી દેતા ધડાધડ કામગીરીઃ દૂધ-શાકભાજીનો પુરતો જથ્થો

રાજકોટ તા. ર૭ :.. કલેકટરે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ અનાજ-કઠોળ- અન્ય કરિયાણુ-શાકભાજી-દૂધ-દવા તથા દવા-માસ્ક-સેનીટાઇઝરનું ઉત્પાદન અને આ બધી તમામ વસ્તુનું પરિવહન સરળતાથી મળી રહે તે માટે ૭ જુદી જુદી કચેરીના અધિકારીઓની જવાબદારી ફિકસ કરી દેતા ધડાધડ કામગીરી થવા માંડી છે.

મદદનીશ કમિશનર એસ. એચ. વ્યાસે ઉમેર્યુ હતું કે, સેનીટાઇઝરના ૧ર ઉત્પાદકો અને ર૦ હોલસેલરો સાથે તથા માસ્ક માટે હોલસેલરોનું સંકલન કરાયું છે. હાલમાં સેનીટાઇઝરનો પ૦ હજારનો જથ્થો ઉપલબ્ધ છે.

દવા-માસ્ક-સેનીટાઇઝરનું ઉત્પાદન કરતા રાજકોટના એકમો ચાલુ રહે તે માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. વી. મોરી કાર્યવાહી કરી રહ્યા છે, તેમના જણાવ્યા મુજબ આવા તમામ યુનિટો પાસે અરજીઓ મંગાઇ છે, ૮પ  અરજી આવી છે, પાસ ઇસ્યુ કરી દેવાયા છે, તમામ સ્ટાફ ફેકટરીમાં જ રહેશે.

સેફટી એન્ડ હેલ્થ ઓફીસર શ્રી ડી. બી. મોણપરાએ જેતપુર - શાપર-વેરાવળ-મેટોડા - બિલ્ડર્સ એસો. સાથે બેઠક કરી તેમના શ્રમિકો વતન બહાર ન જાય તે જોવા વ્યવસ્થા ગોઠવવા સુચના આપી હતી, તેમજ વર્કરો માટે કોઠારીયામાં - મેટોડામાં શાપર - વેરાવળમાં હોલ રખાયા છે.

જીલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયે ઉમેર્યુ હતું કે રાજય બહાર ૧૪ વિદ્યાર્થીઓ ફસાયા છે, જે તે જગ્યાએ સલામત છે, ખાવા-પીવાની કોઇ તકલીફ નથી, પરંતુ વતન રાજકોટ લાવવા અંગે ૩ થી ૪ પ્રકારના વિકલ્પો વિચારણામાં છે.

આરટીઓ શ્રી લાઠીયાએ ઉમેર્યુ હતું કે, પુરવઠા -આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદકો દ્વારા રાજકોટ જીલ્લા બહાર પરીવહન માટે સંખ્યાબંધ અરજીઓ આવી છે, એક મંજૂર કરાઇ છે, બાકીની તમામ રદ કરાઇ છે. જીલ્લા રજીસ્ટ્રાર શ્રી ટી. સી. તીર્થાણીએ ઉમેર્યુ હતું કે, શહેર - જીલ્લામાં દૂધ-શાકભાજીના સપ્લાય માટે ટીમો કામ કરી રહી છે, દૂધનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે, શાકની પણ છૂટ થઇ છે, કાળાબજાર ન થાય તે માટે ટીમો સતત ફરી રહી છે.

(11:45 am IST)