Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

એકપણ મજૂરને બહાર નહિ જવા દેવાયઃ શહેરીજનોને ઘરમાં રહેવા તાકીદ

ગઇકાલે મોકલી દેવાયા તે ઠીક છેઃ સુચના આપી છતાં આટલા બધા મજૂરો બહાર આવ્યા કેવી રીતેઃ ઉદ્યોગકારોનો ઉધડો લેતા કલેકટર : ઇન્ડસ્ટ્રીઝના હોદેદારોને બોલાવી ચેતવણી અપાઇઃ શહેર-જીલ્લામાં રાશન સપ્લાયનું ગોઠવાઇ ગયુ છેઃ પાસ આપવાનું પણ શરૂ : જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્તુનો પુરતો પુરવઠો છેઃ હોલસેલ વેપારીઓ પાસેથી વિગતો મેળવાઇઃ પુરવઠામાં પણ બે મહિનાનો જથ્થો આવી ગયો છે

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૭૦ ટકાથી વધુ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે, અને આજે વધુ તમામ શહેર - જીલ્લામાં બાબતો આવરી લેવાશે.

આ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ આ બાબતે સત્તાવાહી સુર વ્યકત કર્યો હતો અને કહ્યુ હતું કે હવે એકપણ મજુરને રાજકોટની બહાર નહીં જવા દેવાય. બિલ્ડરો અને સાઇટ સંચાલકોને તેમની દેખભાળ રાખવા તાકીદ કરવામાં આવી છે. જો એકપણ બિલ્ડરે તેમની જવાબદારીથી મોં ફેરવ્યુ તો તેમની સામે કડક રાહે પગલા લેવામાં આવશે. આ ઉપરાંત આજ સવારથી તંત્રના હળવા વલણનો ગેરલાભ લેતા શહેરીજનોને પણ પોલીસે તાકીદ કરી ઘરમાં પુરાઇ રહેવા જણાવ્યું છે. જો આમ નહીં કરે તો પોલીસ કડક રાહે પગલા લેશે.

કલેકટરે જણાવ્યું હતું કે રાશનના પરીવહન માટે જરૂરી સુચનાઓ અપાઇ છે, પાસ આપવાનું શરૂ કરાયું છે, નગરપાલીકાઓ દ્વારા પણ હોમ ડીલીવરી શરૂ કરી દેવાઇ છે.

તેમણે ઉમેર્યુ હતું કે ગઇકાલે પરપ્રાંતિય મજૂરોને જવુ હતું તેમને જવા દેવાયા, પણ આજથી હવે નહી જવા દેવાય, તે નિર્ણય લઇ લેવાયો છે, આવી રીતે મજૂરો બહાર નીકળે તે ન ચાલે.

કલેકટરે ઉમેર્યુ હતું કે આજે ઇન્ડસ્ટ્રીયલ એસો. ને સવારે બોલાવ્યા હતા, સુચના આપી હોવા છતાં મજૂરો રસ્તા ઉપર કંઇ રીતે આવી ગયા, આ લોકો કાચા-પાકા મકાન-ઝૂપડા એમ કયાંક તો રહેતા હશે, દરેક ઉદ્યોગકારને તેમના મજૂરો માટે જવાબદારી છે તેવી સ્પષ્ટ સુચના છે, આમ છતાં રોડ ઉપર આવી ગયા તે બરોબર નથી થયું.

કલેકટરે ઇન્ડસ્ટ્રીઝ એસો.ના હોદેદારોનો બરોબર ઉધડો લીધો હતો, ચેતવણી પણ આપી હતી, અને એક પણ શ્રમિક આજથી જે તે વિસ્તાર છોડીને જાય નહિ તેની જે તે કારખાનેદારની જવાબદારી બની રહેશે તેમ પણ સાફ સાફ જણાવી દિધુ હતું. રાશન અંગે કલેકટરે ઉમેર્યું હતું કે, આપણી પાસે પુરતો જથ્થો છે, ગઇકાલે અનાજ-કઠોળની હોલસેલ વેપારીઓ પાસેથી તમામ વિગતો મેળવાઇ હતી, તેમજ બીપીએલ  - અત્યોંદય અને અન્ય રાશનકાર્ડ હોલ્ડરો માટે બે મહિનાનો પણ પુરતો જથ્થો આવી ગયો છે.

(3:23 pm IST)