Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભોમેશ્વર ફાટક પાસેની મારામારીમાં મોબાઇલ ફોનના વેપારી દિપ લાઠીયાની વળતી ફરિયાદ

એક્ષચેન્જ સ્કીમમાં મોબાઇલ ખરીદી જનાર સાગર વ્યાસે જુનો મોબાઇલ પાછો ન આપી માથે જતાં પોતાના બે મિત્રો સાથે મળી હુમલો કર્યાની રાવ

રાજકોટ તા. ૨૭: આઠ દિવસ પહેલા ભોમેશ્વર ફાટક પાસે મારામારી થઇ હતી. જેમાં તે વખતે સાગર વ્યાસ અને ઋતુરાજસિંહ ગોહિલ ઘવાયા હતાં. હવે ન્યુ જાગનાથ પ્લોટ ૪૧-બી શિવમ એપાર્ટમેન્ટમાં રહેતાં અને યાજ્ઞિક રોડ પર મહાવીર મોબાઇલ નામે દૂકાન ચલાવતાં દિપ ભાવેશભાઇ લાઠીયા (ઉ.૨૩) નામના જૈન યુવાને સાગર વ્યાસ, ઋતુરાજસિંહ ગોહિલ અને હેમાંગ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

દિપની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો છે. દિપે ફરિયાદમાં જણાવ્યું છે કે એકાદ મહિના પહેલા તેની દૂકાનેથી સાગર વ્યાસ મોબાઇલ ખરીદવા આવ્યો હતો. તેને ખરીદી બાદ મોબાઇલનું બીલ પણ અપાયું હતું. જો કે એક્ષચેન્જની સ્કીમમાં તેણે આ ફોન લીધો હોઇ તેની પાસેથી જુનો ફોન પરત લેવાનો બાકી હતો. પરંતુ તે ફોન આપી જતો નહોતો. વારંવાર ફોન કરવા છતાં તે જુનો ફોન આપતો ન હોઇ ૧૯મીએ રાત્રે સાગરના કહેવાથી પોતે તથા દુકાનનો કર્મચારી અભીજીત અને મિત્ર હાર્દિક ભોમેશ્વર ફાટકે સાગરને મળવા ગયા હતાં અને જુનો મોબાઇલ આપી દેવા વાતચીત કરતાં સાગર, ઋતુરાજસિંહ અને હેમાંગે ઝઘડો કરી ધોકા અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. મિત્ર હેમાંગ વચ્ચે પડતાં તેને પણ ઇજા થઇ હતી. ઋતરાજે પથ્થર ઉઠાવી પોતાના માથામાં ફટકારી દીધો હતો. ઝપાઝપીમાં તેનો ચેઇન પણ તુટીને ખોવાઇ ગયો હતો.

સાગરે જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપતાં પોતે (દિપ) અને મિત્રો ઘરે જઇ સુઇ ગયા હતાં. બીજા દિવસે સિવિલમાં સારવાર લીધી હતી. જે તે વખતે ફરિયાદ કરી નહોતી. હવે ફરિયાદ કરી છે. પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)