Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રાજસ્થાનના કૃષિમેળામાં મળેલા ઓમ નામના શખ્સે પટેલ કારખાનેદાર વિપુલ સંખાવરાને અફિણ મોકલ્યું'તું

છ દિવસના રિમાન્ડ પર રહેલા પેડક રોડના પટેલ શખ્સને સાથે રાખી પોલીસ રાજસ્થાન તરફ તપાસ લંબાવશે

રાજકોટ તા. ૨૭: શહેર એસઓજીની ટીમે સિવિલ હોસ્પિટલ ચોકમાંથી સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક શાહરૂખ સલિમભાઇ કાદરીને અફિણ સાથે ઝડપી લીધા બાદ આ અફિણ તેને આપી જનાર સામા કાંઠે પેડક રોડ પર કેયુર પાર્ક-૪માં રહેતાં વિપુલ દેવજીભાઇ સંખાવરા (ઉ.૪૦) નામના પટેલ શખ્સને એ-ડિવીઝન પોલીસે દબોચી લીધો હતો. શાહરૂખના રિમાન્ડ નામંજુર થતાં તેને જેલહવાલે કરાયો હતો. જ્યારે વિપુલ પટેલના ૬ દિવસના રિમાન્ડ મળતાં તેની વિશેષ પુછતાછ હાથ ધરાઇ છે. રાજસ્થાનના કૃષિમેળામાં પોતે બે વર્ષ પહેલા ગયો ત્યારે ત્યાંના ઓમ નામના શખ્સે પોતે અફિણનું વાવેતર કરવાનો હોઇ હોળી-ધુળેટીના તહેવાર પર કમાણી કરવી હોય તો અફિણ વેંચવાની વાત કરી હોઇ તેણે એ શખ્સ પાસેથી આ માદક પદાર્થ મંગાવ્યાનું રટણ કર્યુ છે. પોલીસ સંભવતઃ તેને સાથે લઇ રાજસ્થાન તરફ તપાસનો દોર લંબાવશે.

એસઓજીએ મહેબૂબને પકડી એ-ડિવીઝનને સોંપ્યા બાદ પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે. ડી. વસાવા તથા ભાવેશભાઇ સહિતે વિશેષ તપાસ હાથ ધરી હતી. મહેબૂબે પોતે બજરંગવાડીના મહેબૂબના કહેવાથી સામા કાંઠાના વિપુલ પાસેથી અફિણ લાવ્યાનું કહેતાં કારખાનેદાર વિપુલને પણ પકડી લેવાયો હતો. તેના રિમાન્ડ મંજુર થતાં આગળ પુછતાછ શરૂ થતાં તેણે એવું રટણ કર્યુ છે કે પોતે રાજસ્થાન તરફ કૃષિ મેળામાં ગયો હતો ત્યારે ઓમ નામના શખ્સનો ભેટો થયો હતો અને તેણે દર વર્ષે હોળી-ધુળેટીના તહેવારમાં અફિણ પાકતું હોવાની અને વેંચવાથી મોટો ફાયદો થાય તેવી વાત કરી કોન્ટેકટ નંબર આપ્યા હોઇ આ વખતે હોળીના તહેવાર પર તેનો સંપર્ક કરી આ પદાર્થ મંગાવ્યો હતો.

પોલીસ આ બાબતની ખરાઇ કરવા સંભવતઃ વિપુલને સાથે લઇ રાજસ્થાન તરફ જશે. હજુ એક આરોપી મહેબૂબ આ ગુનામાં ફરાર હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

(3:57 pm IST)