Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

૬ વોર્ડના રસ્તાઓ ખોદી નંખાતા લોકો ત્રાહીમામ

પાણીની પાઇપ લાઇન માટે નવા નકોર રસ્તાઓ ખોદી નંખાયાઃ ખાડા માટે ચેતવણીનાં બોર્ડ પણ નથીઃ જોખમી રસ્તાઓ રીપેર કરાવોઃ કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીની મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા.૨૭: શહેરમાં છ-છ વોર્ડમાં આડે-ધડ રસ્તાઓ ખોદી નાંખવામાં આવતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે આવા જોખમી રસ્તાઓમાં તાત્કાલીક રીપેરીંગ શરૂ કરાવવાં કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ માંગ ઉઠાવી છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં. ૩ના કોર્પોરેટર અતુલ રાજાણી શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદી મુજબ શહેરના અનેક વોર્ડમાં ડીઆઇ પાઇપ લાઇનનું ખોદકામ ચાલે છે. જેમાં વોર્ડ ૩, ૭, ૧૪, ૧૨, ૧૨, ૧૮નો સમાવેશ થાય છે.  જેમાનાં વોર્ડ ૩, ૭,૧૪માં કોન્ટ્રાકટરોની બેદરકારી અને અધિકારીઓનાં  ''આંખ મીચામણા''ને પગલે શહેરીજનો પર મોતની લટકતી તલવાર છે. ભૂતકાળમાં ખાડા અને ડ્રેનેજ કૂંડીના ખુલ્લા ઢાંકણા અને મહાનગરપાલિકાની બેદરકારીથી લોકોએ જાન ગુમાવ્યા છે અને હાથ-પગ, ટાંટીયા, મણકાની ભાંગતુટ થઇ છે તેમ છતાં ભૂતકાળનાં બનાવો પરથી મનપાનું તંત્ર બોધપાઠ લેતું નથી.

શહેરનાં વોર્ડ નં. ૭ના કેનાલ રોડ પરના પ્રહલાદ પ્લોટ ૩૭ અને ૩૪માં આજે સવારે મસમોટાં આઠથી દસ ફુટના પહોળા અને ઉંડાઇ ધરાવતાં ખાડાઓ જેમાં ડીઆઇ પાઇપલાઇનની ચેમ્બર્સ બનાવવાનાં ખાડાઓ ખુલ્લાં રખાયા છે. અને ખાડાઓ ફરતે બેરીકેડ કે ચેતવણીના કોઇ બોર્ડ પણ નથી.

જયારે વોર્ડ નં. ૩માં રેલનગરમાં શિવમ પાર્ક, લોર્ડ ક્રિષ્ના, રૈયા નાકા ટાવર, બેડીનાકા ટાવર અને અન્ય વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇનમાં ખોદકામ બાદ જે હારેડાઓ પડયા ત્યાં કામ અધુરૂ મુકીને કોન્ટ્રાકટરો ૧૫ દિવસથી ગુમ છે. ડામર કરાતો નથી આજ પરિસ્થિતિ વોર્ડ નં. ૧૪ના અનેક વિસ્તારોમાં છે. વોર્ડ ૭ના કેનાલ રોડ પરના પ્રહલાદ પ્લોટ ૩૭ અને ૩૪માં વાલ્વ ચેમ્બર્સના મસમોટા ખાડાઓ ફરતે કોઇ આડશ કે બેરીકેડ નથી અને રસ્તાની વચ્ચોવચ ઇંટોના ઢગલા, રેતી, કપચી હોવાથી લોકો પર જાનનો ખતરો છે. બેદરકારી સબબ કોન્ટ્રાકટર-અધિકારીને નિયમ મુજબ દંડ કરવા માંગ છે.

(3:33 pm IST)