Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

'આપ કા મતદાન - લોકતંત્ર કી જાન' વિરાણીના વિદ્યાર્થીઓની માનવસાંકળ

વિવિધ સ્લોગનવાળા પોસ્ટકાર્ડ, ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ : પ્રીતિ ધોળકીયાના પુસ્તકનું પણ વિમોચન

રાજકોટ, તા. ૨૭ : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વધુમાં વધુ મતદારો મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવે તેવા હેતુથી આજે વિરાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વિરાણી હાઈસ્કુલ ખાતે વિવિધતા સભર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા માન સાંકળ રચી, વોટની માનવ આકૃતિ રચી પોતાના સગા સંબંધીઓને મતદાન કરવા માટે પોસ્ટ કાર્ડ લખી, ચિત્ર સ્પર્ધા યોજી, મતદાન આપણી ફરજના ભાગરૂપે મહારેલીનું આયોજન કરી વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયામાં સ્થાન પામી રાષ્ટ્રહિતના ઉદ્દેશ્યથી એક અભિનવ કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ સહી ઝુંબેશ, સંકલ્પ પત્ર ભરાવી, ઈવીએમ, વીવીપેટ નિદર્શન તથા મોક પોલનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વિદ્યાર્થીઓ મતદાર નથી પરંતુ મતનું મહત્વ સમજે છે તેથી લોકોને આળસ ત્યજી ''આપકા મતદાન લોકતંત્ર કી જાન'' 'Raise Vote, Raise VOice' શિર્ષક હેઠળ મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે રાજકોટના પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, નાયબ ચૂંટણી અધિકારી શ્રી ધાધલ, રાજકોટ જિલ્લાના સ્વીપના નોડલ અધિકારી અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાય, ડેપ્યુટી કલેકટર શ્રી જેગોડા, ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતભાઈ દેસાઈ સહિતના ઉપસ્થત રહ્યા હતા. આ પ્રસંગે પ્રીતિબેન ધોળકીયા લિખિત મતદાન જાગૃતિ માટેનું અંગ્રેજીમાં લખાયેલ પ્રથમ પુસ્તક 'Raise Vote, Raise VOice'નું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યુ હતું.

વિરાણી સ્કુલના વિદ્યાર્થીઓ અને શહેરની વિવિધ સંસ્થાઓના ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ એકત્રિત થઈ ૮ કિ.મી.થી વધુ લાંબી માનવસાંકળ રચી વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા બનાવ્યો હતો. ત્યારબાદ મતદાન જાગૃતિના ભાગરૂપે વિદ્યાર્થીઓનો એક મતદાન જાગૃતિ રોડ શો પણ યોજાયો હતો.

આ પ્રસંગે શ્રી કરણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રીતિ ધોળકીયા (મો.૯૭૨૬૦ ૮૨૬૮૩) લિખિત 'રાઈઝ વોટ રાઈઝ વોઈસ' નું વિમોચન કરવામાં આવ્યુ હતું.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:32 pm IST)