Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જંકશન પ્લોટના બોરમાં ગટરનું પાણી ભળી જતા સેંકડો લોકોનું આરોગ્ય જોખમમાં

સદ્ગુરૂ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ મ્યુ. કમિશનર સુધી ફરીયાદો કરી છતાં પગલા નહીં લેવાતા લોકરોષ

રાજકોટ, તા. ર૭ : શહેરના વોર્ડ નં.૩માં આવેલ જંકશન પ્લોટ વિસ્તારના રહેણાંક એપાર્ટમેન્ટના બોરમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભળી જતા અહીંના સેંકડો રહેવાસીઓનું આરોગ્ય જોખમમાં મૂકાયું છે.

આ અંગે જંકશન પ્લોટ શેરી નં.પ/૧૧માં આવેલ સદ્ગુરૂ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ મ્યુ. કમિશનરને કરેલી ફરીયાદમાં જણાવાયું છે કે 'આ એપાર્ટમેન્ટના પાણીના બોરમાં છેલ્લા એક અઠવાડીયાથી આ વિસ્તારના મેઇન રોડની ભૂગર્ભ ગટરની ઉભરાઇ રહેલી કુંડીનું પાણી ભળી ગયું છે જેના કારણે સદ્ગુરૂ એપાર્ટમેન્ટના રહેવાસીઓનું આરોગ્ય જોખમમાં મૂકાયું છે અને રહેવાસીઓને નહાવા ધોવા તથા પીવાના પાણીની ભારે મુશ્કેલી ઉભી થઇ છે. ત્યારે વહેલી તકે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કુંડીઓની સફાઇ નહીં થાય તો બોરના ગંદા પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતી ઉભી થઇ છે.'

આ બાબતે ત્રણથી ચાર વખત ફરીયાદો કરવા છતાં નિંભર તંત્ર વાહકો ગટરની સફાઇ માટે નથી આવ્યા અને જાહેર આરોગ્ય સાથે ચેડા સમાન બેદરકારી દાખવતા હોઇ તંત્ર સામે લોકરોષ ફેલાયો છે.

(3:26 pm IST)