Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રાજકોટના વેપારીને નબળા પાર્ટસ ધાબડી અઢી કરોડની છેતરપીંડીઃ ફેકટરીના બે ડાયરેકટરો સામે ગુન્હો

મેટોડા રૂપકલા એન્જીનીયરીંગ પ્રા.લી.ના મુકેશ પંચાસરા તથા મહેન્દ્ર પંચાસરા સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૨૭: રાજકોટના વેપારીને નબળા પાર્ટસ ધાબડી અઢી કરોડની છેતરપીંડી કરનાર મેટોડા ફેકટરીના બે ડાયરેકટરો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે. રાજકોટમાં સત્ય સાંઇ હોસ્પીટલ મેઇન રોડ પર રહેતા વેપારી યોગેશભાઇ હરીભાઇ ગજ્જરે મેટોડા રૂપકલા એન્જીનીયરીંગ પ્રા.લી.ના ડાયરેકટર મુકેશ પંચાસરા તથા મહેન્દ્ર પંચાસરા (રહે. બંન્ને હાલ રાજકોટ, મૂળ દાળીયા ગામ, તા. ગોંડલ) સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત બંન્ને ડાયરેકટરોએ અગાઉથી જ પુર્વયોજીત કાવત્રુ રચી ફરીયાદી સાથે છેતરપીંડી કરવાના ઇરાદાથી ફરીયાદીને તેઓની કંપનીના ગીયર તથા એકસલના પાર્ટસ ખરીદ કરવા માટે વિશ્વાસ અપાવી નબળા પાર્ટસ ધાબડી દઇ અને નકકી કરેલ કિંમત કરતા વધારે કિંમતના  બીલો બનાવી અને બાદમાં બેઠક કરી હિસાબ સમજી લેશું તેવો વિશ્વાસ અપાવી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી. ફરીયાદીની કંપની દ્વારા તૈયાર કરવામાં આવતા મશીનોમાં રૂપકલા એન્જીનીયરીંગ પ્રા.લી.ના ગીયર તથા એકસલના પાર્ટસ નબળી ગુણવતાના હોવાના કારણે તુટવાનો ફોલ્ટ આવતા ૧૧ જેટલા મશીનો ગ્રાહકો દ્વારા ફરીયાદીને પરત કરવામાં આવેલ. તેમજ ૧પ જેટલા મશીનોમાં ફોલ્ટની ફરીયાદો ચાલુ હોય તે રીપેરીંગ કરાવવાનો ખર્ચ ફરીયાદીને ભોગવવો પડતા ફરીયાદીને આશરે અઢી કરોડ રૂપીયા જેટલું નુકશાન કરી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ઉકત બંન્ને ડાયરેકટરો સામે આઇપીસી ૪૦૬, ૪ર૦ તથા ૧ર૦ (બી) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ એલસીબીના પીઆઇ એમ.એન.રાણા ચલાવી રહયા છે.

(11:57 am IST)