Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આજે વિશ્વ રંગભૂમિ દિન

૩૦૦ કલાકારોનું એ મહા(ન) હિન્દી નાટક 'સમર યાત્રા'

ભારતની સ્વંત્રતા લડતનું દૈદિપ્યમાન દર્શન કરાવતું પ્રકાશ અને ધ્વનિના કસબથી મઢાવાયેલુ ખુલ્લા રંગમંચ પરનું વિશાળ મહા(ન) હિન્દી નાટક 'સમર યાત્રા' ર૦૦પમાં, રાજકોટમાં જોઇ દંગ રહેવાઇ જવાયું હતું. ત્યારે થયું હતું કે આવી 'એવર એપિક' નાટય કૃતિની રજૂઆતથી રેઇસકોર્ષ ભૂમિ પાવક ભૂમિ બની ગઇ. સરકારી તંત્ર દ્વારા પેશ કરાયેલું આ કલાત્મક નજરાણું, સરકારી તંત્રમાં પણ પરસેવો પાડી કામ કરનારા હોઇ શકે તેનું પ્રમાણ આપી જતું લાગ્યું.

સમર એટલે યુદ્ધ અને સમરાંગણ એટલે યુદ્ધ મેદાન, પણ શિર્ષક 'સમર યાત્રા'નો અર્થ કયા પરિપ્રેક્ષ્યમાં લેવો ? સ્વાતંત્રતાની લડતને એક પ્રકારે યુદ્ધના અર્થમાં ઉપરોકત શિર્ષક અનુસંધાને લઇએ તો આ યુદ્ધ એટલા માટે પવિત્ર ગણાવું જોઇએ કે તે માનવ સ્વતંત્રતાના અધિકાર માટે લડાયું. જે સ્થળ કે બનાવો પવિત્ર હેતુ માટેના હોય તે વિશે કોઇ પ્રકારે માહિતી આપવી તે યાત્રા કરાવવા સમાન જ ગણાય. આ અર્થમાં 'સમર યાત્રા' શિર્ષક યથાર્થ કદાચ હોઇ શકે.

જહાંગીરના શાસનથી ગોરાઓનો હિન્દમાં પ્રવેશ અને ગાંધી બાપુના અહીંસા-અસહકારના આંદોલનની તાકાતથી અંતિમ ગોરા વહીવટદાર માઉન્ટબેટનની વિદાયનું દર્શન દર્શાવતી ૩૦૦ કલાકાર-કસબીઓ દ્વારા ૪પ૦*૧પ૦ ફુટના અધધધ રંગમંચ પર પ્રજવળી ઉઠતી 'સમર યાત્રા', ધ્વનિ અને પ્રકાશ નાટકની અલૌકિક અનુભૂતિ કરાવી ગઇ. જેના પ્રસંગો, ગીતો, સંગીત, નૃત્ય, શુદ્ધ ઉચ્ચારિત -ધ્વનિ મુદ્રિત ઉર્દુ, હિન્દી, અંગ્રેજી અને બંગાળી સંવાદ, ગાયકી, રંગ-વેશભૂષા તથા અભિનય કલા કસબનું આ નાટક જાણે કોઇ જાદુના મહાખેલ જેવું અનુભવાયું હતું. શાહજહાંનો દબાર, ટીપુ સુલ્તાનવાળા દુષ્યની સાચી જ ઘોડા દોડ, જલીયાવાલા  હત્યાકાંડ, દાંડી યાત્રા અને અંતે કવીટ ઇન્ડીયા જેવા કઠીન દૃષ્યોની 'ટોટલ થિયેટ્રીક' પેશગીથી આ મહાનાટય કૃતિ :ુલોના બાગની માફક જાણે મધમધી ઉઠી. સૂત્રધારથી લઇ દરેક પાત્રો માટે શમ્મી નારંગ, અનંગ દેસાઇ અને સુપ્રિયા પાઠક વિ. જેવા 'રીચ વોઇસ' ના કલાકારોનો ગદ્ય-પદ્યમાં અહીં સ્વરાભિનય મળ્યો હતો. જેના પર નાના-મોટા દરેક કલાકારોએ પરફેકટ મુદ્ગલ અને કવિતા કૃષ્નમૂર્તિ જેવા સૂર સાધકોએ પોતાની તરબતરીય ગાયકીથી ગીતો ગાયા હતાં. બી.વી. કારંતના સંગીતમાં 'વૈશ્વવજન તો તેને રે કહીએ' સહિતના બધાં જ ગીતોની સુમધુર ધૂન તેમજ પાશ્વ સંગીત, પ્રસંગોની સંપૂર્ણ અસર ઉપસાવવામાં પૂરા સહભાગી રહ્યા.

બંગાળના લીજીન્ડરી લાઇટ ટેકનોક્રાફટ, આં. રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાપસ સેને પ્રકાશ પરિકલ્પનનું કાર્ય અહીં તેના દરજ્જાને શોભાવતા હોય તેમ જલીયાવાલા બાગ તથા પ્રોજે. સ્લાઇડઝના દ્રશ્યોને ચકાચૌધ થઇ જવાય એ રીતે સજાવ્યા હતાં.

ગરીમાપૂર્ણ, જેવાં કે શાહજહાં, ગાંધીજી જેવા અનેક પાત્રોના વ્યકિતત્વને અદલ ઉઠાવ આપવા માટે વસ્ત્ર સજજાની જવાબદારીમાં ડોલી આહલુવાલીયાએ કયાંય કચાસ નહોતી રહેવા દીધી. ભાનુ અથ્થૈયાનું આ કામમાં નામ છે અને ઓસ્કાર વિનર છે. પણ જેઓ બહુ નામી કે એવોર્ડ વિનર ન હોય તેનું કામ એવોર્ડ વિનર કરતાંય સવાયું હોય શકે. તે ડોલીએ આ નટકમાં બતાવી આપ્યું હતું. વ્યકિતય અને સામૂહિક લોક તથા શાસ્ત્રીય વિ. પ્રકાટના નૃત્યો પુરેપુરી અંગમરોડીય અદાએ નિર્દેશિત કરાવ્યા હતાં. અહીં નૃત્યાંગના શોવના નારાયણે.

સંપૂર્ણ સેટીંગ્ઝને બદલે આખું નાટક લેવલ્સ પર જ ભજવાયું હતું. જેની સાઇઝ ૪પ૦ * ૧પ૦ ફુટની હતી. પરંતુ ભારતીય બેઠક વ્યવસ્થાના પ્રમાણમાં તેની ઊંચાઇ ઓછી હોવાને કારણે પાછળના તથા ૪પ૦ ફુટના કોઇ એક અંતિમ છેડે બેસેલ પ્રેક્ષકોને છેક બીજા છેડે ભજવાતાં દ્રષ્યો જોવામાં સંતોષ મળતો નહોતો. વચ્ચેના વિશાળ સાયકલો પરના દ્રષ્યો યથાર્થ રીતે જોવા મળતા હોવા છતાં સ્ક્રીન અને રંગમંચ, બંને પર એકી સાથે રજુ થતાં દ્રષ્યો જોવામાં થોડું દ્વિધીત રહેવાતું હતું.

કુલ્લે ૩૦૦ જેટલાં કલાકારો આ યાત્રામાં જોડાયા હતાં. જે માહેના કોઇ કોઇ શહેરે શહેરની રજૂઆત વેળાએ બદલાતા રહેતાની વિગત મળી હતી. દિલ્હી, મુંબઇ, અમદાવાદના પ્રથમ હરોળના કલાકારો સાથે મિત્રો ભીમ વાંકાણી (દિશા વાંકાણીના પિતા) રાજકોટના સંજય કામદાર તથા જામનગરના સ્વ. ભાસ્કર દવેએ આ નાટકમાં બબ્બે-ત્રણ-ત્રણ ભૂમિકાઓ ખંતથી નિભાવ્યાનું યાદ છે.

હિન્દી રેડિયો-રંગમંચ નાટકોના વિદ્વાન રજૂ-ાત કર્તા લેખક નિર્દેશ કમલેશ્વરજી દ્વારા મૂળ આલેખાયેલ ૧૦૭ પ્રસંગોના આ મહા નાટકના ખરા નાયક, પરિકલ્પક નિર્દેશક હતાં પ્રેમ મટીયાનીજી. જેમની પાસે પર્ફોમીંગ આર્ટસની દેશ તથા વિદેશની ઘણી ઉપાધીઓ, સ્કોલર તથા ફેલોશીપ્સ મેળવ્યાની ઉપલબ્ધી સાથો સાથ કવિતાઓ, મૂળ આલેખનો, રૂપાંતરો તેમજ ૩-૪ ટીવી ધારા વાહિકોના લેખક નિર્માતા પણ તેઓ હતાં. આ નાટક અગાઉ મંઝીલે ઔર ભી હૈ, યુગ પુરૂષ તેમજ ધ રોહર જેવી પ્રકાશ અને ધ્વનિની મહા કૃતિઓનું આલેખન - નિર્દેશન તેઓ કરી ચૂકયા હતાં. ર૦૦૦ માં સંગીત નાટક અકાદમી દિલ્હીએ બિલકુલ યોગ્ય રીતે તેઓને સન્માનીત કરી પુરસ્કૃત કર્યા હતાં. અંતમાં એમ કહી શકાય આ નાટક માટે કે, પર્ફોમીંગ આર્ટસની ટોટાલીટીથી છલકતી 'સમર યાત્રા' જેવી ભવ્યાતિત નાટયકૃતિ આખા દેશમાં રજૂ કરનાર પ્રેમ મટીયાની તથા તેની આ કૃતિએ ભારતભરનાં સાંસ્કૃતિ જગતમાં ચકચાર મચાવી હતી.

 આલેખન

કૌશિક સિંધવ

મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(9:44 am IST)