Gujarati News

Gujarati News

News of Wednesday, 28th February 2024

ક્રુર હત્‍યાઃ મિત્ર સાથે આડાસંબંધ ધરાવતી પત્‍નિને માથામાં પથ્‍થરના બ્‍લોક ફટકારી પતિએ ઢાળી દીધી

અંબિકા ટાઉનશીપના શાંતિવન નિવાસ એપાર્ટમેન્‍ટ બી-વિંગમાં બનાવઃ મુળ મહારાષ્‍ટ્રના અને રાજકોટમાં પેવર બ્‍લોક કોન્‍ટ્રાકટ રાખતાં ગુરૂપા જીરોલીએ મધરાતે ખૂની ખેલ ખેલ્‍યોઃ સગીર વયના પુત્ર અને પુત્રી મા વિહોણા થયાઃપત્‍નિ અંબીકા (ઉ.વ.૩૪)ની હત્‍યા બાદ પતિ ગુરૂપાએ મોબાઇલ ફોનમાં બે વિડીયો રેકોર્ડ કરી સોસાયટીના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં વહેતાં કર્યાઃ ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરી, તાલુકા પોલીસ સ્‍ટેશનના પીઆઇ ડી. એમ. હરીપરા અને ટીમે ડીટેઇન કરી વિસ્‍તૃત પુછતાછ આદરી :સત્તર વર્ષના લગ્ન જીવન બાદ પત્‍નિ બેવફા બનતાં ઢાળી દીધાનું પતિનું રટણઃહત્‍યા કરનાર ગુરૂપા અને તેના ભાગીદાર કમ મિત્રની પુછતાછઃ ભાગીદારે કહ્યું-મિત્ર ગુરૂપા ત્રણેક દિવસથી મારી સાથે વાત કરતો નહોતોઃએ કાલે બીજા સાથે ભાગવાની હતી, મેં કહ્યું દિકરીની દસમી પુરી થઇ જવા દે પછી ડિસીઝન લઇશું, પણ ન માની એટલે આ કર્યુ! :બીજા વિડીયોમાં કહ્યું-હું સામેથી સરન્‍ડર થાઉ છું, બીજા કેદી જેવું વર્તન ન કરતાં, મને બેડી ન પહેરાવતાં, હું ક્‍યાંય ભાગી જવાનો નથી

વધુ એક હત્‍યાઃ રાજકોટમાં અંબીકા ટાઉનશીપમાં શાંતિવન નિવાસ એપાર્ટમેન્‍ટમાં  રહેતાં મુળ મહારાષ્‍ટ્રના કોન્‍ટ્રાકટરે પોતાની જ પત્‍નિની હત્‍યા કરી નાખતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી.જે. ચોૈધરી, પીઆઇ ડી. એમ. હરિપરા અને તાલુકા પોલીસની ટીમો ઘટના સ્‍થળે પહોંચી હતી. તસ્‍વીરમાં ઘટના સ્‍થળ, જેની હત્‍યા થઇ અંબિકા સિરોડી, પત્‍નિના મૃતદેહ સાથે વિડીયો બનાવી રહેલો પતિ ગુરૂપા તથા નીચેની તસ્‍વીરમાં પરિવારે નવી કાર ખરીદી ત્‍યારનું ખુશખુશાલ દ્રશ્‍ય અને અન્‍ય તસ્‍વીરમાં ઘટના સ્‍થળે પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ સોૈથી નીચેની તસ્‍વીરોમાં પતિએ વિડીયો બનાવ્‍યા તેના દ્રશ્‍યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭: શહેરના નાના મવા રોડ સ્‍પીડવેલ પાર્ટીપ્‍લોટ પાસે અંબીકા ટાઉનશીપમાં શાંતિવન નિવાસ બી-વિંગમાં ફલેટ નં. ૧૦૩માં રહેતાં અને પેવર બ્‍લોકના ખાગી કામ રાખતાં કોન્‍ટ્રાક્‍ટર યુવાન મુળ મહારાષ્‍ટ્રના ગુરૂપા મલ્લપા જીરોલી (ઉ.વ.૩૬)એ પોતાની પત્‍નિ અંબિકા (ઉ.વ.૩૪)ને માથામાં પથ્‍થરના બ્‍લોકના બે ઘા ફટકારી ક્રુરતાથી પતાવી દેતાં ખળભળાટ મચી ગયો છે. હત્‍યા કર્યા બાદ તેણે પોલીસ તથા મિડીયાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી અને સરન્‍ડર થયો હતો. પત્‍નિને પતાવ્‍યા બાદ તેણે બે વિડીયો મોબાઇલ ફોનમાં રેકોર્ડ કર્યા હતાં અને પોતાની સોસાયટીના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં મુક્‍યા હતાં. જેમાં તે કહે છે કે મારી પત્‍નિને મારા જ મિત્ર સાથે આડાસંબંધ હતાં, એ તેની સાથે જવા માંગતી હતી. મેં તેને ખુબ સમજાવી હતી. પણ તે સમજતી નહોતી એટલી પુરુ કરી નાંખ્‍યું, હું ભાગવાનો નથી, સરન્‍ડર થઇ જઇશ! પતિના મિત્ર સાથે જ આડાસંબંધ ધરાવતી હોવાને કારણે પત્‍નિની પતિના હાથે હત્‍યા થયાનું હાલ સામે આવ્‍યું છે. આમ છતાં બીજા મુદ્દાઓ પણ ચકાસવામાં આવી રહ્યા છે. પત્‍નિને પતાવી દીધા બાદ પતિ ગુરૂપા  જીરોલીએ પોતાના મોબાઇલ ફોનમાં બે વિડીયો બનાવ્‍યા છે. જેમાં પ્રથમ વિડીયોમાં તે કહે છે કે-શાંતિવન નિવાસના પાંચેય વિંગના રહેવાસીઓને મારા તરફથી સાષ્‍ટાંગ નમસ્‍કાર, મારાથી ભુલ થઇ ગઇ છે, ભુલ એટલે ભુલ નથી થઇ ગઇ, પણ મને મારી ઘરવાળીએ બહુ તકલીફ આપી છે, તમને આગળ ખબર પડશે. બહુ રીલેટીવમાં મારે કોઇ નથી. હું આ કરવાનો નહોતો પણ કરી દીધું છે. તમને એમ ન થાય કે આ લોકો આવા હોય. બહારના બધા ખરાબ નથી, હું પણ ખરાબ નથી, પણ મારી ઘરવાળી ખરાબ હતી, મને મુકીને બીજી જગ્‍યાએ જાતી'તી, મારા ભાઇબંધ હારે એવું કર્યુ છે, મારા દોસ્‍તારે પણ મને દોસ્‍તીમાં દગો દીધો, ઘરવાળીએ પણ મને દગો દીધો (આ બોલીને પાછળ પત્‍નિની લોહીભીની લાશ બતાવે છે) આગળ તે કહે છે કે મારી અહિ ઉપસ્‍થિતિ છે. હું તમને કહેવા માંગુ છું કે મારા લગ્ન થયાને ૧૭ વર્ષ થઇ ગયા, મેં બહુ સમજાવવાની કોશિષ કરી હતી.

 હું બે છોકરાનું મોઢુ જોઇને ચુપ હતો, છોકરીને આ વખતે દસવી હતી એ પુરી થવાની  છે, પણ ઇ કાલે કે હું બીજા હારે જાઉ છું, પણ મેં તેને કહ્યું કે દસવી પુરા થવા દે પછી આપણે ડીસીઝન લઇશું. પણ ન માની એટલે મેટર પુરુ કરી દીધું. હવે જે થાય તે, મને બધા માફ કરી દેજો. હું ન્‍યુઝ રિપોર્ટરને બોલાવી બધાને વાત કરવાનો છું,  બરોબર...રેડ્ડી, ઓકે હાલો...કહી હાથ હલાવીને મળ્‍યા...એવો ઇશારો કરે છે.

બીજા વિડીયોમાં હત્‍યારો પતિ ગુરૂપા કહે છે કે-જો પોલીસવાળા હોય કે કોર્ટ હોય, મારો એક નિયમ છે કે હું સરન્‍ડર સામેથી થાઉ  તો મને બેડી (હથકડી) નથી લગાડવાની, બીજા કેદી જેવું વર્તન નથી કરવાનું. હું માણસ છું અને બીઝનેસમેન છું અને બીઝનેસ કરુ છું, બીઝનેસ તરીકે જ આ બધુ કર્યુ છે. મારા બિઝનેસમાં અને બધી રીતે નડતર થતું હતું એટલે આ કર્યુ છે. હું ક્‍યાંય ભાગી નથી જવાનો, સામેથી સરન્‍ડર થવાનો છું. ન્‍યુઝમાં જવા દો, ઓકે ચાલો...એટલુ બોલી વિડીયો પુરો કરે છે.

હત્‍યાની ઘટના જાહેર થતાં પોલીસ કન્‍ટ્રોલ રૂમના ઇન્‍ચાર્જ અને ટીમ દ્વારા ઉચ્‍ચ અધિકારીઓ અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરી, તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા, ડી. સ્‍ટાફ પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ જલદીપસિંહ વાઘેલા, કુલદિપસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, અજયભાઇ ભુંડીયા, જીલુભાઇ ગરચર, રાઇટર પ્રવિણભાઇ વસાણી, કિરીટભાઇ રામાવત, જયદિપભાઇ દેવમુરારી સહિતની ટીમ પહોંચી હતી અને આરોપીને ડીટેઇન કરી પુછતાછ આરંભી હતી. હત્‍યા બાદ પતિએ જે બે વિડીયો સોસાયટીના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં વહેતાં કર્યા છે તે જોતાં તેણે પત્‍નિની બેવફાઇને કારણે જ તેની હત્‍યા કરી નાંખ્‍યાનું સમજાય છે. 

પત્‍નિને પતાવી દેનારા પેવર બ્‍લોકના કોન્‍ટ્રાક્‍ટર ગુરૂપા જીરોલીને સંતાનમાં ૧૭ વર્ષની દિકરી અને ૧૪ વર્ષનો પુત્ર છે. દિકરી દસમા ધોરણમાં ભણે છે અને દિકરો સાતમા ધોરણમાં ભણે છે. આઠ નવ વર્ષથી આ પરિવાર રાજકોટમાં સ્‍થાયી થયો હતો. કોન્‍ટ્રાક્‍ટરના કયા મિત્ર સાથે તેની પત્‍નિને રિલેશન હતાં? ખરેખર આવુ હતું કે પછી બીજા કારણે ગૃહકલેશ સજાર્યો હતો કે બીજુ કોઇ કારણ છે? એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ યથાવત રાખ્‍યો છે. દરમિયાન કામલીયા નામના કોઇ ભાગીદારને પણ પોલીસે પુછતાછ માટે બોલાવ્‍યાનું જાણવા મળે છે. આ બનાવે સમગ્ર અંબિકા ટાઉનશીપમાં ચકચાર જગાવી છે. હત્‍યાનો ભોગ બનનારના માવતરપક્ષની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આરોપી ગુરૂપા મહારાષ્‍ટ્ર-કર્ણાટકની બોર્ડર પરના ગામનો વતની

ઞ્જએસીપી બી. જે. ચોૈધરીએ જણાવ્‍યું હતું કે હત્‍યાનો આરોપી મુળ મહારાષ્‍ટ્રના કર્ણાટક બોર્ડર પર આવેલા ગામનો વતની છે. અહિ ઘણા વર્ષથી પત્‍નિ અને દિકરા તથા દિકરી સાથે રહે છે.

હત્‍યાનો ભોગ બનનારના બહેન-બનેવી પુનાથી આવે પછી ફરિયાદ લેવાશેઃ એસીપી બી. જે. ચોૈધરી

હત્‍યાના આરોપીના ભાગીદારનું નામ નગાભાઇ કામળીયા

રાજકોટઃ હત્‍યાની આ ઘટનાની માહિતી આપતાં એસીપી બી. જે. ચોૈધરીએ જણાવ્‍યું હતું કે હત્‍યાનો ભોગ બનનાર અંબિકાબેનના બહેન અને બનેવી પુનાથી આવશે એ પછી આ બનાવમાં એફઆઇઆર દાખલ કરવામાં આવશે. મૃતદેહનું એફએસએલની હાજરીમાં પંચનામુ કરવામાં આવ્‍યું છે. શ્રી ચોૈધરીએ વધુમાં જણાવ્‍યું હતું કે હત્‍યા આડાસંબંધને કારણે થઇ હોવાનું સામે આવ્‍યું છે. હત્‍યા કર્યા બાદ આરોપીએ વિડીયો બનાવ્‍યા છે તેમાં પણ આ વિગત છે. આરોપી પતિ ગુરૂપાના ભાગીદાર કમ મિત્રનું નામ નગાભાઇ હમીરભાઇ કામળીયા છે. તેની પાસેથી પણ પોલીસ વિગતો મેળવી રહી છે. અગાઉ આ મામલે આ બંને મિત્રો વચ્‍ચે કોઇ માથાકુટ થઇ નહોતી.

મારાથી ભુલ નથી થઇ, મારી ઘરવાળીએ બહુ તકલીફ આપી છે, મને મુકીને બીજી જગ્‍યાએ જતી હતીઃ મારા ભાઇબંધે દોસ્‍તીમાં દગો કર્યોઃ બહુ સમજાવી પણ ન સમજી એટલે મેટર પુરુ કર્યુ!

પત્‍નિને ક્રુરતાથી ઢાળી દઇ તેની લોહી નીતરતી લાશ સાથે વિડીયો બનાવી પતિ ગુરૂપા જીરોલીએ કહ્યું....:હું શાંતિવન નિવાસની પાંચેય વિંગના રહેવાસીઓને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરુ છું, મને બધા માફ કરી દેજો...હું ભાગીશ નહિ સરન્‍ડર થઇશ

પતિ કેટલી હદે ક્રુર અને નિષ્‍ઠુર બની ગયો હશે તેની પ્રતિતી તેણે હત્‍યા બાદ બનાવેલા વિડીયો પરથી થઇ શકે છે. મધરાતે કે વહેલી સવારે પત્‍નિને પથ્‍થરના બ્‍લોકના ઘા માથામાં ફટકારી તેને ઢાળી દીધી હતી. એ પછી જાણે કંઇ જ બન્‍યું ન હોય તેમ પતિ ગુરૂપાએ પત્‍નિની લોહી નીતરતી લાશ સાથે આરામથી વિડીયો બનાવ્‍યા હતાં. આ વિડીયોમાં તેણે જે કંઇ કહ્યું છે તેમાં તેની ક્રુરતા અને નિષ્‍ઠુરતા છતી થઇ રહી છે. પોતે જે કંઇ કર્યુ છે તેનો જરાય અફસોસ નથી, પોતે ખોટો નથી, ઘરવાળી જ ખોટી છે, પોતાનાથી ભુલ નથી થઇ, ઘરવાળીએ ખુબ તકલીફ આપી છે, એ બીજી જગ્‍યાએ જાય છે, ભાઇબંધે દોસ્‍તીમાં દગો કર્યો, બહુ સમજાવી પણ ન સમજી એટલે મેટર પુરુ કર્યુ...સહિતની તેની કથની તેની માનસિકતા છત્તી કરે છે. હત્‍યાની આ ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી દીધી છે. પત્‍નિની બેવફાઇ આ હત્‍યાનું કારણ બની હોવાનું હાલ તો વિડીયો પરથી સમજી શકાય છે. આમ છતાં પોલીસ તમામ પાસા ચકાસી રહી છે.

(3:10 pm IST)