Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મગજથી શકિતશાળી બનો, શરીર સાથ આપશે જ, બીજાની ઈચ્છાઓ પ્રમાણે ન ચાલોઃ મીનલ સંપટ

મંગળ મિશનના વૈજ્ઞાનિક મીનલ સંપટનું વ્યાખ્યાન : પરીક્ષા માટે તૈયાર રહો, જીવનમાં ધ્યેય જરૂરીઃ વૈજ્ઞાનિક બનો, જ્ઞાનનો પ્રેકટીકલમાં પરીવર્તીત કરો

રાજકોટ,તા.૨૭: ઈસરોનાં સીસ્ટમ  એન્જીનીયર, મંગળ મિશનના વૈજ્ઞાનિક, યંગ સાયન્ટીસ્ટ મેરીટ એવોર્ડનાં વિજેતા અને સી.એન.એન. દ્વારા વુમન ઓફ ધ યર ઈન ૨૦૧૪નાં એવોર્ડ વિજેતા મીનલ સંપટનું વ્યાખ્યાન એ.વી.પી.ટી.આઈ. અને વી.વી.પી. ઈજનેરી કોલેજનાં સંયુકત ઉપક્રમે આયોજીત ''ઈસરો પ્રદર્શન એન્ડ સાયન્સ કાર્નિવલ-૨૦૨૦'' અંતર્ગત શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં વિવેક હોલ ખાતે આયોજીત કરવામાં આવ્યું હતું. મીનલબેન સંપટ છેલ્લા  ઘણા વર્ષોથી ઈસરો સાથે સતત કાર્યરત છે. માર્સ ઓરબીટ મીશન દરમ્યાન શનિવાર કે રવિવારની કે પછી નેશનલ રજાઓની પણ પરવા કર્યા વિના સતત બે વર્ષ તેઓ આ મીશન માટે કાર્યરત રહયા છે. તેમને યંગ સાયન્ટીસ્ટનો એવોર્ડ પણ મળી ચૂકેલ છે સાથે જ તેઓ ૨૦૧૪નાં વર્ષમાં સીએએનનો વુમન ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. આવા તજજ્ઞ વ્યાખ્યાતાને સાંભળવા માટે રામકૃષ્ણ આશ્રમ- રાજકોટનાં પ્રમુખ શ્રી નિખિલેશ્વરાનંદજી, રાજકોટનાં શિક્ષણવિદો અને શિક્ષણ સાથે એક યા બીજી રીતે સંલગ્ન જાણીતા મહીલા આગેવાનો શ્રીમતી નીલામ્બરીબેન દવે, પૂર્વ મેયર ડો.દર્શીતાબેન શાહ, શ્રીમતી લીનાબેન શુકલ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, એ.વી.પી.ટી.આઈ.નાં આચાર્ય શ્રી ડો. એ.એસ.પંડયા તથા વી.વી.પી. નાં આચાર્ય શ્રી ડો. જયેશ દેશકર ખાસ ઉપસ્થિત રહયા હતા.

વ્યાખ્યાનની શરૂઆત રામકૃષ્ણ આશ્રમનાં શ્રી વેદનિષ્ઠાનંદ સ્વામીજી દ્વારા વૈદિક મંત્રોનાં ઉચ્ચારણથી કરવામાં આવી હતી. એ.વી.પી.ટી.આઈ. નાં આચાર્ય શ્રી ડો. એ.એસ.પંડયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે સ્ત્રી સશકિતકરણ, સ્ત્રી સહનશકિત અને સ્ત્રીનું આગવું સ્થાન દરેક ક્ષેત્રમાં છે.

પ્રેરણાત્મક પ્રવચન આપતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટનાં પ્રમુખ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી એ જણાવ્યું હતું કે રાજકોટનું રામકૃષ્ણ મંદિર રામકૃષ્ણ મિશન પૈકી ભારતનું બીજા નંબરનું સૌથી મોટું મંદિર છે. ડો. એ.પી.જે.અબ્દુલ કલામ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાત દરમિયાન ધ્યાનમાં સરી પડયા હતા. સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી વિદ્યાર્થીઓને મગજ શાંત રાખવા માટે તેમજ વાંચનમાં એકાગ્રતા કેળવવા માટે ધ્યાનની શીખ આપી હતી. તેઓએ ઈસરોને તેના મિશન અને ઓછા ખર્ચે સફળતાને બિરદાવ્યા હતા. આધુનિક વિજ્ઞાને જ્ઞાન અને વેદના સમન્વય દ્વારા નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી શકાશે.

મંગળ મિશન માટે સતત ૧૮ કલાક કાર્ય કરનાર તથા બે વર્ષમાં એક પણ રજા ન લેનાર વૈજ્ઞાનિક મીનલ સંપટે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે પરીક્ષા માટે તૈયાર રહો જીવનમાં ધ્યેય જરૂરી છે. તેઓએ પોતાની કારકીર્દિની યાત્રા વર્ણવતા જણાવેલ કે તેઓ લોકોની સેવા કરવા માટે ડોકટર બનવા ઈચ્છતા હતા પરંતુ મિસાઈલ લોન્ચ પ્રકલ્પ જોઈ તેઓ વૈજ્ઞાનિક બન્યા. સ્ત્રી પુરૂષ વચ્ચે કોઈ ભેદભાવ નથી. બન્ને પાસે સમાન શકિતઓ અને મગજશકિત છે. મગજથી શકિતશાળી બનો, શરીર સાથ આપશે. બીજાની ઈચ્છાઓ પ્રમાણે ન ચાલો. તમારી અંદરની આગ દ્વારા પ્રેરણા લો અને આગળ વધો દેશની સેવા કરો આપણે દેશ પાસેથી ઘણુ લીધુ છે વિચારીએ કે પરત કેમ આપીશુ ? દેશભકત બનો દેશની માટીને આદર આપો, લોહી સિંચો. ટેકનોલોજીએ યુવા પેઢીને બગાડી છે, સર્જનશકિત ખલાસ થઈ ગઈ છે, અન્ય દેશો આપણા સ્વપનને કાબૂમાં રાખી રહયા છે. માત્ર પાસ થવા માટે પરીક્ષા ન આપો. જ્ઞાન મેળવવા ઝંખના કરો. માત્ર અભ્યાસક્રમ પૂરો કરવા પર ધ્યાન ન આપો. તેઓએ ઈસરો પ્રોજેકટ અને ઈસરો સેટેલાઈટ વિશે માહિતી આપતાં કહયું કે ડોકટર દર્દી સાથે સેટેલાઈટ દ્વારા જોડાઈ શકે છે. ટેલી-કોમ્યુનીકેશન સેટેલાઈટ દ્વારા જોડાઈ શકે છે. ટેલી કોમ્યુનીકેશન વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપે છે, એન્જીનીયર તેને મૂતિમંત કરે છે. ભારતીયોને આળસુ કહેવામાં આવે છે, આપણામાં આગ નથી, સમપણની ભાવના નથી, શીખવાની-જ્ઞાનની ભૂખ નથી. વૈજ્ઞાનિક બનો, જ્ઞાનને પ્રેકટીકલમાં પરિવર્તિત કરો. જે ક્ષેત્ર પસંદ કરો, તેમાં શ્રેષ્ઠ બનો. આપણે ચલસચિત્રમાં લોજીક મૂકીએ છીએ, ગણિતમાં નહિ, આવી આપણી માનસિકતા છે.

તેઓએ ઈસરોમાં કારકીર્દિ બનાવવા માટે શૈક્ષણિક લાયકાત અને પ્રક્રિયાની માહિતી આપી હતી. રસપ્રદ પ્રશ્નોતરીમાં તેઓએ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ, કોમ્પયુટર એન્જીનીયરીંગ, મંગળ મિશનનું ચલચિત્ર, વુમન એમ્પાવરમેન્ટ, ફીઝીકસ રીસર્ચ લેબોરેટરી, હયુમન ઈન સ્પેસ, બિગ બેંગ થીયરી, એસ્ટ્રો બાયોલોજીસ્ટ, નેનો ટેકનોલોજી વગેરે વિષયો પર તલસ્પર્શી જાણકારી આપી હતી. તેઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે તમે સપના જુઓ છો ? સપના સાકાર થાય છે ? સપના સાકાર કરવા દરેકને સ્વપ્ન હોવું જરૂરી છે. ''ઈસરોઃ માય ડ્રીમ'' વિષય પર વાત કરતાં તેઓએ જણાવેલ કે રામકૃષ્ણ આશ્રમ પાસેથી પસાર થતાં વિચારેલ કે હું રામકૃષ્ણ આશ્રમમાં આવીશ, પરંતુ આટલી પ્રસિધ્ધિ અને તજજ્ઞ તરીકે એવું નહોતું વિચાર્યું, આ ''શકિત'' છે. શરીરમાં ઉર્જા છે, જેનાં દ્વારા સ્વપન સાકાર થાય છે. આઈન્સ્ટાઈન સાથે જન્મ-દિવસ સરખાં એટલે વિચાયુ કે હું પણ વૈજ્ઞાનિક બનીશ. આવડું મોઢું બધાની શારીરિક શકિત સમાન છે. મનની શકિત, મનોબળ શકિત હોવી જોઈએ. પરિવારનું બેકગ્રાઉન્ડ બાધક નથી. પોતાના મનમાં પ્રશ્નોતરી ચાલુ રાખવી માત્ર અસ્તિત્વ માટે જીવવું છે ? સમાજ માટે કંઈ કરવું છે ? દેશની સેવા કરો, દેશમાં કામ કરો. એ જ સાચો સંતોષ છે. ભૌતિક સંપતિ માટે નહિ, દેશની સેવા માટે વિચારો. ખીચોખીચ ભરાયેલ હોલમાં મીનલ સંપથના વ્યાખ્યાને તમામ વિદ્યાર્થીનીઓ અને ઉપસ્થિતોને રસતરબોળ કર્યા હતા.

(4:23 pm IST)