Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વસંતભાઈ માલવિયા સ્મૃતિ વ્યાખ્યાનમાળા શરૂ થશેઃ ૬ માર્ચે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું વ્યાખ્યાન

જુન ૨૦૨૦માં પ્રવેશ લેનાર પ્રથમ ૧૦૮ વિદ્યાર્થીની બહેનોને ૬ સેમેસ્ટર માટે નિઃશુલ્ક વિદ્યાભ્યાસ માટે સેવા સંકલ્પ : ''જવાબદાર યુવાપેઢીના નિર્માણ માટે શિક્ષણ જગતની ભૂમિકા'' વિશે વ્યાખ્યાન રજૂ કરશેઃ નાગરીકોને આમંત્રણ

રાજકોટ,તા.૨૭: ઉમદા વિચારક, અભ્યાસુ વાચક, શિક્ષણશાસ્ત્રી, દાનવીર અને શ્રી પી.ડી. માલવિયા કોલેજ ઓફ કોમર્સ- રાજકોટના સંચાલક મંડળ સાંસ્કૃતિક શિક્ષણ સમાજના પૂર્વ પ્રમુખ સ્વ.વસંતભાઈ પોપટભાઈ માલવિયાની પુણ્ય સ્મૃતિમાં વર્ષ ૨૦૨૦થી શ્રી વસંતભાઈ માલવિયા સ્મૃતિ વ્યાખ્યાન માળા શરૂ કરવામાં આવનાર છે.

ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ જગતની શ્રેષ્ઠ પરંપરાઓ અને ઉતમ મૂલ્યોનો વારસો ધરાવતા હોય તેવા શિક્ષિત યુવાનો સમાજને અર્પણ કરવા માટે પ્રતિબદ્ધ સાંસ્કૃતિક શિક્ષણ સમાજ દ્વારા શરૂ કરાયેલ આ વ્યાખ્યાનમાળાના પ્રથમ મણકાનું આયોજન તા.૬ માર્ચને શુક્રવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન શ્રી પી.ડી.માલવિયા કોલેજ ઓફ કોમર્સ- રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

શૈક્ષણિક અને વ્યવસાયિક જગતને સમકાલીન મુદ્દાઓ વિશે રાજકોટના સુજ્ઞ બૌદ્ધિક નાગરિકો, તજજ્ઞો, ચિંતકો, વ્યવસાયિકો અને ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણશાસ્ત્રીઓ, આચાર્યશ્રીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એક મંચ પર સાથે રહી સહચિંતનથી સંવાદ કરે અને તેનો અંતિમ લાભ સમાજને મળે તેવા ઉત્તમ હેતુથી શરૂ કરાયેલ આ વ્યાખ્યાનમાળામાં ઉપક્રમમાં પ્રથમ વ્યાખ્યાન વિશ્વવિખ્યાત ભાગવતાચાર્ય અને વૈદિક શિક્ષણ પરંપરાના ઋષિગુરૂ પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ''જવાબદાર યુવા પેઢીના નિર્માણ માટે શિક્ષણ જગતની ભૂમિકા'' વિષય પર પોતનું મનનીય વ્યાખ્યાન આપશે.

આ વ્યાખ્યાનમાળાના શુભારંભે સાંસ્કૃતિક અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ સિંચન હેતુથી સંસ્થાકીય પર્યાવરણમાં વર્તમાન સમયની માંગ અનુસાર અનિવાર્ય વિદ્યાર્થીલક્ષી માળખાકીય અને પ્રવૃતિલક્ષી સુવિધાઓ જેવી કે ગ્રંથાલયનું ડિઝીટલાઈઝેશન, કોમ્પ્યુટર લેબોરેટરીનું આદ્યુનિકરણ, મધ્યસ્થ ખંડ બેઠક વ્યવસ્થા, એનસીસી નેવલ યુનિટની સ્થાપના, એનસીસી ગર્લ્સ યુનિટની સ્થાપના જેવા કાર્યોનું વિદ્યાર્પણ જુન ૨૦૨૦માં પ્રવેશ લેનાર પ્રથમ ૧૦૮ વિદ્યાર્થીની બહેનોને ૬ સેમેસ્ટર માટે નિઃશુલ્ક વિદ્યાભ્યાસ માટે સેવા સંકલ્પ ધારણ કરવાનો નિર્ધાર સાંસ્કૃતિક શિક્ષણ સમાજ- રાજકોટનાં સર્વે ટ્રસ્ટીઓનાં પ્રતિનિધિરૂપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ હેરભા જાહેર કરશે.

આ વ્યાખ્યાનમાળાના શુભારંભ પ્રસંગે સર્વે પ્રબુદ્ધ અને રસ ધરાવતા નાગરિકોને જ્ઞાનયજ્ઞના લાભાર્થી થવા સાંસ્કૃતિક શિક્ષણ સમાજ- રાજકોટના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ હેરભા, સર્વે ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય દ્વારા નિમંત્રણ અપાયું છે.

તસ્વીરમાં પી.ડી.એમ. કોલેજના પ્રિન્સીપાલ શ્રી કમલેશભાઈ જાની, શ્રી પ્રદિપભાઈ જોબનપુત્રા, ડો.અનિલભાઈ કીંગર અને ડો.મુકુંદભાઈ સરવૈયા નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી) (૩૦.૯)

(4:20 pm IST)