Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પુનીતનગરમાં દંપતીની બેવડી હત્યા કેસના ગુનામાં પકડાયેલ પોલીસમેન વિરૂધ્ધ સંભવત કાલે ચુકાદો અપાશે

ફળીયામાં ખુરશી નાખવા જેવી સામાન્ય બાબતે છરીના ઘા મારી દંપતીની હત્યા કરેલ

રાજકોટ, તા., ૨૭: શહેરના જામનગર રોડ પર આવેલા બજરંગવાડી નજીક પુનીતનગરમાં બી ડીવીઝન પોલીસ મથકના પોલીસમેન કમલેશ ઉર્ફે લાલો રમેશભાઇ મહેતાએ છ વર્ષ પહેલા પાડોશી વિપ્ર દંપતીની સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી કરેલી કરપીણ હત્યાના કેસની અધિક સેસન્સ જજ ડી.ડી.ઠક્કરની કોર્ટમાં સુનાવણી પુરી થતા પોલીસ બેડામાં ચકચાર જગાડતા કેસના સંભવત આવતીકાલે ચુકાદો જાહેર કરવામાં આવનાર છે.

આ કેસની પ્રાપ્ત વિગત મુજબ પુનીતનગરમાં રહેતા અને આઇઓસીમાં ફરજ બજાવતા ભુપતભાઇ વિઠ્ઠલભાઇ તેરૈયા અને તેમના પત્ની ગુણવંતીબેન ભુપતભાઇ તેરૈયાની ગત તા.૭-૪-૧૪ના રોજ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કમલેશ ઉર્ફે લાલો રમેશભાઇ મહેતાએ છરીના ઘા ઝીંકી તેના પુત્ર સુધીરની હત્યા માટે છરી સાથે પુનીતનગરમાંથી નીકળી શોધખોળ કરતો હોવાની ગાંધીગ્રામ પોલીસમાં કિરણભાઇ મંડીરે ફરીયાદ નો઼ધાવતા ગાંધીગ્રામ પોલીસે કમલેશ ઉર્ફે લાલો ન પકડાય ત્યાં સુધી મૃતક દંપતીના પુત્ર સુધીર તેરૈયાને ગાંધીગ્રામ પોલીસ મથકે પોલીસના રક્ષણ હેઠળ બેસાડવામાં આવ્યા હતા તે દરમિયાન એસઓજી પી.આઇ.ડી.વી. બસીયા સહીતના સ્ટાફે પોલીસમેન કમલેશ ઉર્ફે લાલાની ધરપકડ કરી હતી.

કમલેશ ઉર્ફે લાલાની પુછપરછ દરમિયાન ભુપતભાઇ તેરૈયા તેમના પાડોશમાં રહેતા હોય અને તેઓ તેમના ફળીયામાં ખુરશી નાખીને બેસતા હોય તે પોતાના તેમજ પોતાની માતાને પસંદ ન હોવાથી અવાર નવાર ઝઘડો થતો હતો ગત તા.૭-૪-૧૪ના રોજ બંને પાડોશી પરીવાર વચ્ચે બોલાચાલીની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકેથી યુનિફોર્મમાં કમલેશ ઉર્ફે લાલો પુનીતનગરમાં દોડી આવ્યો હતો. અને ભુપતભાઇ તેરૈયા પર છરીથી હુમલો કરતા તેઓને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની ગુણવંતીબેનને છરી ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભુપતભાઇ અને તેમના પત્ની ગુણવંતીબેનનું મોત થતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. લોહીવાળી છરી સાથે ઘટના સ્થળે મૃતક ભુપતભાઇ તેરૈયાનો પુત્ર સુધીર કયાં છે તેની પણ હત્યા કરવી છે. તેવું બોલતા પોલીસે સુધીર તેરૈયાની ગાંધીગ્રામ પોલીસ મથકે લાવી બેસાડી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસમેન કમલેશ ઉર્ફે લાલાએ કરેલી ડબલ હત્યાના કેસની અધિક સેશન્સ જજ ડી.ડી.ઠક્કરની કોર્ટમાં સુનાવણી પુરી થતા ચુકાદો આવતીકાલ પર મુલત્વી રાખયો છે.

(4:01 pm IST)