Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કાલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

વિજ્ઞાન જાથા દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન લોકવિજ્ઞાન કેન્દ્રમાં પણ શ્રેણીબદ્ધ કાર્યક્રમો

રાજકોટ તા. ર૭ : તા.ર૮ મી ફેબ્રુઆરીએ ભારત સરકાર દ્વારા પ્રતિ વર્ષ દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન (National Science Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઇ.સ. ૧૯ર૮માં રામન પરભાવની શોધ થઇ હતી. આ શોધ માટે ૧૯૩૦ માં ડો.સી.વી.રામનને નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્કાર મેળવનાર ડો. રામન એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક છે.

ડો. સી.વી.રામન ''રામન પ્રભાવ''ની શોધ માટે તેમણે તેમણે બનાવેલ સાધનનો ખર્ચ માત્ર રૂ.ર૦૦/- (બસ્સો) થયો હતો. પરંતુ તેના દ્વારા વિજ્ઞાનની એક નવી દિશા ખુલી. સમગ્ર વિશ્વમાં આ શોધ દ્વારા ગૌરવ પ્રાપ્ત થયું તેની જાહેરાત સૌપ્રથમ ર૮-૦ર-૧૯ર૮ માં થઇ હોય આ શોધને સન્માનિત કરીને સાથોસાથ આ દિવસ સમગ્ર સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ-દ્રષ્ટિકોણ કેળવાય તેમજ અંધશ્રદ્ધા દુર કરવા જાગૃતિ માટેનો દિવસ છે. ડો. રામનને બાળકો, વિદ્યાર્થીઓમાં અતિ રૂચિના કારણે પ્રાથમીક શાળામાંથી વિજ્ઞાનને મહત્વ આપી વૈજ્ઞાનીક લાગણીને કારણે વિજ્ઞાનના કાર્યક્રમો યોજવા સંબંધી શોધની જાહેરાતની તારીખ પસંદ કરવામાં આવી હતી.

ડો. રામનનો જન્મ ૭ મી નવેમ્બર, ૧૮૮૮માં તામિલનાડુમાં ત્રિચિનાપલ્લી પાસે ધિરૂવનાઇ કકાવલના નાનકડા ગામમાં થયો હતો. તેમનું જીવન નાનપણથી વિજ્ઞાન રૂચિના કારણે સંશોધન, પ્રત્યેક ઘટનાનું બારીકાઇથી પરિક્ષણ કરતાં સુક્ષ્મ બુદ્ધિ અને એકાગ્રતાથીએ સમજવા પ્રયત્ન કરતાં સંશોધન, સાહસિક વૃત્તિને કારણે ટોચના સ્થાને પહોંચી ગયા.૧૯ર૯માં બ્રિટીશ સરકારે તેમની સરનો ખિતાબ આપ્યો. ઇ.સ.૧૯૩૦ માં સ્વીર્ઝલેન્ડની જયુરીની ભૌતિક વિજ્ઞાનપદે એમને ફેલો બનાવ્યા અમેરિકાની ફ્રેકલીન ઇન્સ્ટીટયુટે એમને ફ્રેન્કલીન પદકથી વિભૂષિત રામનની બધી જ શોધો માનવીનું કલ્યાણ કરે તેવી હતી. ઇ.સ.૧૯પ૮માં રશિયન સરકારે એમને લેનીન પુરસ્કાર આપીને એમનું ગૌરવ વધાર્યું હતું. રચનાત્મક અભિગમ કાયમ રહ્યો. તેમનો જીવનદિપ ર૧ નવેમ્બર ૧૯૭૦માં બુજાયો.

ભારત જન વિજ્ઞાન જાથા રાજયમાં જુન ૧૯૯રમાં કલેકટર કચેરીમાં જાથાની રચના કરી ત્યારથી કાર્યરત છે. શાળા, કોલેજો, નાના-મોટા નગરોમાં લોક ચળવળથી જનજાગૃતિના કાર્યક્રમો આપે છે. રાજયની ૧૬ શાખાઓ અને મુખ્ય ઓફિસની મદદથી જુન ૧૯૯ર થી ર૮ ફેબ્રુઆરી, ર૦ર૦ સુધીમાં દસ હજારથી વધુ ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમો આપી અગ્રેસર છે.

કોટડાસાંગાણીના રાજપરા ગામે અંધશ્રદ્ધા નિવારણનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમાં વિજ્ઞાન પ્રશ્નોતરી સાથે જીવન પદ્ધતિમાં વિજ્ઞાનની ઉપયોગીતાની વાત મુકવામાં આવશે. તા.ર૯મી વલસાડ, નવસારીમાં વિવિધ વિષયમાં વકતૃત્વ નિબંધ સ્પર્ધાસાથે વિજ્ઞાન તજજ્ઞોનું વકતવ્ય રાખવામાં આવ્યું છે. તા.૧ લી માર્ચ સુરત ખાતે આશ્રમ શાળા-છાત્રાલયમાં ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સાથે જાથા દ્વારા પર્દાફાશનું પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોવાનુ જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યુંછે

દરમિયાન કાલે તા.ર૮ ફેબ્રુઆરી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન તેમજ રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત અને સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોસ્ટ માન્ય શ્રી ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ, રાજકોટ દ્વારા પણ શ્રેણીબદ્ધ વિવિધ લોક ભોગ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.તા.ર૮ ના આ કેન્દ્રનું આર્યભટ્ટ સાયન્સ મ્યુઝિયમ વિજ્ઞાનપ્રેમી જનતા માટે નિઃશુલ્ક રહેશે. વિરાણી હાઇસ્કુલમાં વિજ્ઞાનના રોમાંચક પ્રયોગોનો સ્ટેજ શો તથા આત્મીય કોલેજમાં રાત્રી આકાશ દર્શન રાખેલ છે. તા.ર૯ના જિલ્લા કક્ષાનો ઉર્જા ઉત્સવ તથા સાંજે ૪ થી ૬માં બાલભવન ખાતે વૈજ્ઞાનિક વેશભુષા સ્પર્ધા અને સાંજે ૭-૩૦ થી રાત્રે ૯-૩૦ દરમિયાન લોકવિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરીયમમાં વિજ્ઞાનના રોમાંચક પ્રયોગોનો સ્ટેજ શો જાહેર જનતા માટે રાખવામાં આવ્યો છે.કોઇપણ કાર્યક્રમમાં નામ નોંધણી માટે રેસકોર્સ ખાતે સવારે ૧૦-૩૦ થી સાંજે પ-૩૦ દરમિયાન રૂબરૂ અથવા કેન્દ્રના કો.ઓર્ડીનેટર મીનેષ મેઘાણી (૭૦૯૬૮ ૦૬૦૪૯) નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:59 pm IST)