Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

શોખ માટે રીઢો ગુનેગાર વારીસ પિસ્તોલ લઇ ફરતો'તોઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

દારૂ, મારામારી, ચાર હનીટ્રેપ, બે ચિલઝડપ સહિતના ગુનાઓમાં સંડોવણીઃ જસદણના ઘાંચી શખ્સે પિસ્તોલ-કાર્ટીસ જસદણના અતુલ ભૈયા પાસેથી લીધાનું કબુલતાં તેની શોધખોળઃ એએસઆઇ વિજયસિંહ ઝાલા, જયુભા પરમાર, એભલભાઇ બરાલીયા, હરદેવસિંહ જાડેજાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૭: ક્રાઇમ બ્રાંચે જસદણના જુના પોલીસ કવાર્ટર પાછળ નવ હથ્થાપીરની દરગાહ પાસે મફતીયાપરામાં રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં વારીસ ઉર્ફ લાલો રજાકભાઇ માલવીયા (ઉ.૨૭) નામના ઘાંચી શખ્સને ખોખડદડ જવાના રસ્તે શ્રીકૃષ્ણ પાર્ટી પ્લોટ પાસેથી ૧૦ હજારની પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે. આ શખ્સ અગાઉ હનીટ્રેપના ત્રણ અને ચિલઝડપના બે ગુનામાં રાજકોટમાં અલગ-અલગ પોલીસના હાથે પકડાયો હતો.

ક્રાઇમ બ્રાંચની ટૂકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ જયુભા પરમાર, એભલભાઇ બરાલીયા અને હરદેવસિંહ જાડેજાને બાતમી મળતાં કોઠારીયા ગામ પાસે ખોખડદડના રસ્તેથી પકડ્યો હતો. આ શખ્સ જસદણના અતુલ ભૈયા પાસેથી આ હથીયાર કાર્ટીસ લાવ્યાનું કબુલતો હોઇ તેની શોધખોળ થઇ રહી છે. વારીસ ઉર્ફ લાલો અગાઉ યુનિવર્સિટી પોલીસ મથક, માલવીયાનગર, કુવાડવા રોડ અને બાબરા પોલીસના હાથે હનીટ્રેપના ચાર ગુનામાં પકડાયો હતો. જ્યારે માલવીયાનગર અને યુનિવર્સિટીના ચિલઝડપના બે ગુનામાં સંડોવાઇ ચુકયો છે. દારૂ અને મારામારીના કેસમાં પણ આટકોટ-જેદણમાં પકડાઇ ગયો હતો. શોખ માટે અને દેખાવ કરવા માટે હથીયાર અતુલ પાસેથી લઇને ખરીદ કર્યાનું તેણે કબુલ્યું છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીના માર્ગદર્શનમાં એએસઆઇ વિજયસિંહ ઝાલા, જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા, એભલભાઇ બરાલીયા, સોકતભાઇ ખોરમ સહિતે આ કામગીરી કરી હતી.

(3:57 pm IST)