Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

જામનગર રોડ પરના સ્લમ કવાર્ટરની દિવાલ ધરાશાયી : જાનહાની ટળી

કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી અને દિલીપ આસવાણી ઘટના સ્થળે દોડી ગયા : ડે.કમિશ્નર ચેતન નંદાણીના માર્ગદર્શન હેઠળ યુધ્ધના ધોરણે કામગીરી

રાજકોટ તા. ૨૭ : શહેરના વોર્ડ નં. ૩માં જામનગર રોડ વિસ્તારમાં આવેલ સ્લમ કવાર્ટરની દિવાલ ગઇકાલ રાત્રે ધડાકાભેર તૂટી હતી. આ અંગે વિસ્તારવાસીઓએ વોર્ડના કોર્પોરેટરને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મ્યુ. કોર્પોરેશન તંત્રને જાણ કરી ડે. કમિશ્નર ચેતન નંદાણીના માર્ગદર્શન હેઠળ યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.

આ અંગે કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૩માં જામનગર રોડ પર આવેલા અંદાજે ૩૫ વર્ષથી વધુ જુના સ્લમ કવાર્ટરનો 'રિ-ડેવલપમેન્ટ આવાસ યોજના'માં સમાવેશ કરવા બાબત, ભારે વરસાદમાં કવાર્ટર્સ ધરાશાયી થયા તેમ હોય તાકીદે યોગ્ય કરવા વર્ષ ૨૦૧૬થી મ્યુ. કમિશ્નરને અનેક વખત રજૂઆત કરવામાં આવી રહી છે.

તાજેતરમાં આપશ્રી દ્વારા જાહેર કરાયેલ રિ-ડેવલપમેન્ટ આવાસ યોજનામાં જે રીતે કાલાવાડ રોડ પર સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સામેના અરવિંદભાઇ મણિયાર કવાર્ટર્સનો સમાવેશ કરાયો છે તે રીતે ઉપરોકત સ્લમ કવાર્ટર્સનો પણ આ યોજનામાં સમાવેશ કરાય અને હયાત વર્ષો જુના જર્જરીત સ્લમ કવાર્ટર્સ તોડી નાખી તે જ સ્થળે નવા આધુનિક ફલેટ બનાવી રહીશોને અપાય તેવી માંગણી છે પરંતુ પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે.

વધુમાં શ્રી રાજાણીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ૯ વાગ્યાના આસપાસ આ વિસ્તારના કવાર્ટસની દિવાલ ધરાશાયી થઇ હતી. કોઇ જાનહાની થવા પામી નહતી. આ ઘટનાની વિસ્તારવાસીઓ દ્વારા જાણ થતા તુરંત સ્થળ પર જઇ મ્યુ. કોર્પોરેશનના અધિકારીને જાણ કરવામાં આવી હતી.

મ્યુ. કોર્પોરેશનના ડે. કમિશ્નર ચેતન નંદાણી સ્થળની રૂબરૂ મુલાકાત લઇ યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.

આ અંગે ડે.કમિશ્નર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, સ્લમ કવાર્ટર સોપાઇ ગયા છે છતાં વિસ્તારવાસીઓની રજૂઆત ધ્યાને લેવામાં આવી છે.

(3:56 pm IST)