Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સર્વ સ્વીકૃત સમતોલ બજેટ : આગેવાનોના પ્રતિભાવો

રાજકોટ તા. ૨૭ : રાજયના નાણામંત્રીશ્રી નિતિનભાઇ પટેલે રજુ કરેલ બજેટને સર્વગ્રાહી ગણાવાય રહ્યુ છે. તેને મળેલ પ્રતિભાવોની યાદીઓ અહીં પ્રસ્તુત છે.

બજેટ સર્વાંગીણ વિકાસ વધારનારૂ : ડો. કથીરીયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાએ રાજય બજેટને સર્વગ્રાહી, સર્વ સ્પર્શી અને સર્વાંગીણ વિકાસને આગળ વધારનારૃં ગણાવેલ છે. ખાસ કરીને બજેમાં કૃષિ, પશુપાલન, ગ્રામ્ય વિકાસ માટે કરાયેલ નાણાની જોગવાઇઓ કૃષિ ઉપરાંત નાના દુકાનદારો, વેપારીઓ, ધંધાર્થીઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ સાકાર કરવામાં આવેલ હોવાનું જણાવી બજેટને આવકારેલ છે.

ઉત્કર્ષ અને હિતકારી  બજેટ : રાજુ ધ્રુવ

ખેતી, ગૌપાલન, વ્યાપાર, આરોગ્ય અને શિક્ષણ સહીત અનેક આયોજનો માટે ભંડોળ ફાળવી ગામ અને શહેરી સર્વાંગી વિકાસ માટે યશસ્વી પ્રયાસ બજેટમાં થયો હોય એકંદરે ગુજરાતીઓનું ઉત્કર્ષ અને હિત કરનારૂ કલયાણકારી અંદાજપત્ર  રજુ થયાનું ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે. આર્થીક, સામાજીક, સાંસ્કૃતિક અને માળખાકીય એમ ચતુર્ભૂજ વિકાસને ધ્યાને લઇ સરકારે બતાવેલ કટીબધ્ધતા સ્પષ્ટ દેખાઇ આવે છે. જે બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલ અભિનંદનના હકદાર હોવાનું રાજુભાઇ ધ્રુવે અંતમાં જણાવેલ છે.

જીવદયા માટેનું પગલુ આવકારદાયક : ઉપેન મોદી

રાજયના જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જીવદયાને લગતી સહાય જાહેર કરેલ છે તે બદલ જીવદયા ગ્રુપ હર્ષની લાગણી અનુભવતુ હોવાનું ઉપેનભાઇ મોદીએ જણાવેલ છે. બજેટમાં પશુદાણ માટેની જાહેર કરાયેલ યોજનાથી અનેક અબોલ પશુઓને રાહત થશે. આ ઉપરાંત પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવા સહાય જાહેર કરવામાં આવી છે. એકંદરે જીવદયાનો બજેટમાં પુરતો ખ્યાલ રખાયો હોવાનું જીવદયા ગ્રુપના ઉપેનભાઇ મોદી, પ્રકાશભાઇ મોદી, પારસભાઇ મોદી, નિરવભાઇ સંઘવી, હર્ષદભાઇ મહેતા, વિરેન્દ્રભાઇ સંઘવી, રમેશભાઇ દોમડીયા, હીતેશભાઇ દોશી, ભરતભાઇ બોરડીયા, હીરેનભાઇ કામદાર, સમીરભાઇ કામદાર, હીમાંશુભાઇ ચીનોય, પારસભાઇ મોદી, અરૂણભાઇ નિર્મળ, અમિતભાઇ દેસાઇ, રાજુભાઇ મોદી, નીખીલભાઇ શાહે જણાવેલ છે.

મધ્યમ વર્ગને રાહત આપતુ બજેટ : ગીરીશ પરમાર

મનરેગાના ડીરેકટર ગીરીશ એચ પરમારે બજેટનો પ્રતિભાવ આપતા એક યાદીમાં જણાવેલ છે કે ખેડુત, ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો કરાવતી જોગવાઇઓ બજેટમાં છે. ખાસ કરીને વિજળી કરમાં પ% રાહત, સરકારી સ્કુલોને મોડેલ તરીકે વિકસાવવા રપ૦ કરોડની જોગવાઇ, પશુધનની ખરીદીમાં પ૦% રાહત, શાકભાજી વેંચવાવાળા માટે પ્રોટેકશન યોજના ઉડીને આંખે વળગે તેવી હોવાનું ગીરીશ પરમારે જણાવેલ છે.

ગામ અને શહેરની સમતુલા જાળવતુ બજેટ : પાનેલીયા

જાણીતા એડવોકેટ વિનોદ પાનેલીયાએ બજેટને આવકારતા જણાવેલ છે કે શહેર અને ગામની સમતુલા જાળવવા બજેટમાં સરસ પ્રયાસ થયો છે. પાક સહાય યોજના માટે રૂ. ૩૦૦ કરોડ, નાના ગોડાઉન અને ફાર્મ સ્ટોરેજ માટે રૂ.૩૦ હજારની સહાય, પશુદાણ યોજના હેઠળ રૂ.૨૦૦ કરોડની સહાય, કૃષિ યાંત્રીકરણ માટે રૂ.૨૩૫ કરોડની સહાય જોતા એકંદરે સર્વરીતે સંતુલન જાળવતુ બજેટ હોવાનું એડવોકેટ પાનેલીયાએ જણાવેલ છે.

સૌનો સાથ સૌનો વિકાસ ફરી ચરીતાર્થ : ચેતન રામાણી

રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને રા.લો.સંઘના ડીરેકટર ચેતન રામાણીએ જણાવ્યુ છે કે તમામ વર્ગને આકર્ષતા બજેટથી સૌનો સાથ સૌનો વિકાસ ફરી એકવાર ચરીતાર્થ થયેલ છે. ગ્રામીણ ક્ષેત્રે કૃષિ અને ખેડુતો માટે કલ્યાણકારી યોજનાઓ સાકાર કરવામાં આવી છે તો શહેરી વિકાસ અને નિમાર્ણ માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે પણ મોટી જોગવાઇ કરી લોકોની સુખાકારીનો પુરતો ખ્યાલ રાખાયો હોવાનું ચેતનભાઇ રામાણીએ જણાવેલ છે.

તમામ વર્ગને ખુશ રાખવાનો સરસ પ્રયાસ : મુકેશ દોશી

રાજયના બજેટને પ્રજાલક્ષી ગણાવતા સામાજીક અગ્રણી મુકેશભાઇ દોશીએ જણાવ્યુ છે કે વિદ્યાર્થી, વકીલ, વ્યવસાયકારો, મહિલા, ખેડુતો, પત્રકારો, આમ પ્રજા એમ દરેક વર્ગને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકારે રજુ કરેલ બજેટ ખરેખર આવકારને પાત્ર છે. જીવદયા અને ગૌ રક્ષા મો પણ જોગવાઇ કરવામાં આવી છે. લારીગલ્લાવાળાઓ માટે પણ જોગવાઇ છે. આમ સર્વ બજેટ ઉત્તમ હોવાનું મુકેશભાઇ દોશીએ જણાવેલ છે.

(3:47 pm IST)