Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભાવનગર રોડ પર શૈલેષ બાવાજીએ પત્નિ અને દલાલ સાથે મળી કૂટણખાનુ ચાલુ કર્યુઃ ચાર બંગાળી યુવતિઓ રાખી'તી

થોરાળા પોલીસના દરોડામાં ગ્રાહકો શોધવાનું કામ કરતાં ઇમરાન, ગ્રાહક બ્રિજેશ અને શૈલેષ ઉર્ફ સહદેવની પત્નિ તનુજાની ધરપકડ કરીઃ સ્કોર્પિયો ગાડી પણ કબ્જેઃ શૈલેષની શોધખોળ

રાજકોટ તા. ૨૭: ભાવનગર રોડ પર લાખજીરાજ ઉદ્યોગનગરમાં બાવાજી દંપતિએ પોતાના મકાનમાં બંગાળી યુવતિઓને લાવી દલાલ મારફત ગ્રાહકો શોધી કૂટણખાનુ ચાલુ કર્યાની માહિતી પરથી થોરાળા પોલીસે દરોડો પાડી એક ગ્રાહક, દલાલ અને બાવાજી મહિલાને સકંજામાં લીધા હતાં. તેણીનો પતિ મુખ્ય સુત્રધાર ભાગી ગયો હતો. પોલીસે તેની સ્કોર્પિયો ગાડી પણ કબ્જે કરી છે. ચાર બંગાળી યુવતિઓને રાખી લોહીનો વેપલો કરાવવામાં આવતો હતો.

થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી. ડી. જાદવે ભાવનગર રોડ લાખાજીરાજ  ઉદ્યોગનગર-૧૧માં રહેતાં સહદેવ ઉર્ફ શૈલેષ હરિભાઇ ગોસ્વામી અને તેની પત્નિ તનુજા સહદેવ ગોસ્વામી તથા ગ્રાહક તરીકે આવેલા મનહરપરા મફતીયાપરામાં રહેતાં ઇમરાન અલ્તાફભાઇ પઠાણ અને ન્યુ બાપુનગર-૪માં રહેતાં બ્રિજેશ મથુરાપ્રસાદ પાલ સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી બે ગ્રાહકોની ધરપકડ કરી છે. કૂટણખાનાનું સંચાલક બાવાજી દંપતિ હાથમાં આવ્યું નહોતું.

પીએસઆઇ જાદવના કહેવા મુજબ ગઇકાલે હું તથા પીઆઇ જી. એન. હડીયા, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, કોન્સ. સહદેવસિંહ જાડેજા, નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, ઉષાબેન પરમાર, અસ્મીતાબેન ચાવડા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી મળી હતી કે ભાવનગર રોડ પર બંધ પડેલા બાલાજી રેસ્ટોરન્ટ પાસે સહદેવ ઉર્ફ શૈલેષ ગોસ્વામી અને તેની પત્નિ પોતાની સ્કોર્પિયોમાં બહારથી સ્ત્રીઓ બોલાવી પોતાના મકાનમાં રાખી દલાલ મારફત રોડ પરથી ગ્રાહકો બોલાવી વેશ્યાવૃતિનો ધંધો કરે છે.

આ માહિતીની કોન્સ. સહદેવસિંહ મારફત તપાસ કરાવતાં તે સાચી જણાતાં અમે પંચોની હાજરીમાં ત્યાં સાંજે આઠમાં દસ મિનીટની વાર હતી ત્યારે પહોંચ્યા હતાં. કાળા રંગની સ્કોર્પિયો જીજે૦૩એલબી-૬૨૨૫ અમને જોવા મળી હતી. પોલીસને જોઇ નાસભાગ થઇ ગઇ હતી. એક શખ્સ પકડાયો હતો તેણે પોતાનું નામ ઇમરાન પઠાણ જણાવ્યું હતું અને ભાગી ગયેલો શખ્સ મકાન માલિક શૈલેષ ઉર્ફ સહદેવ ગોસ્વામી હોવાનું તેણે કહ્યું હતું. ઇમરાનના ખિસ્સામાંથી રૂ. ૭૫૦ મળ્યા હતાં. આ રકમ એક ગ્રાહકે શરીરસુખ માણ્યું તેના થકી મળ્યાનું તેણે કબુલ્યું હતું. તેને સાથે રાખી નાની ગલીમાં થઇ દરવાજા સુધી જતાં ત્યાં દરવાજા પાસે એક મહિલા ઉભી હતી તેણે પોતાનું નામ તનુજા સહદેવ ઉર્ફ શૈલેષ હરિ ગોસ્વામી (ઉ.૪૪) જણાવ્યું હતું.

અંદર ઓસરીના રૂમમાં જતાં એક સ્ત્રી અને એક પુરૂષ હતાં. આ ઉપરાંત બીજી ત્રણ યુવતિઓ હતી. આ તમામે પોતાના નામ જણાવ્યા હતાં અને મુળ પશ્ચિમ બંગાળની હોવાનું કહ્યું હતું. આ તમામે પોતાને સહદેવ ઉર્ફ શૈલેષ ગોસ્વામી અને તેની પત્નિ તનુજા તેના વાહન મારફત લાવ્યાનું અને પોતાની પાસે વેશ્યા વૃતિ કરાવતાં હોવાનું કહ્યું હતું. ગ્રાહકો પાસેથી વધુ પૈસા લઇ પોતાને મામુલી રકમ આપતાં હોવાનું કહ્યું હતું. એક ગ્રાહક મળ્યો હતો તેણે પોતાનું નામ બ્રિજેશ પાલ કહ્યું હતું. તે મુળ યુપી કાનપુરનો છે. શૈલેષ અને તનુજા સાથે ઇમરાન દલાલ તરીકે કામ કરી ગ્રાહકો શોધી લાવતો હતો. પોલીસે ૧૦ લાખની સ્કોર્પિયો, રોકડા ૭૫૦ કબ્જે કરી ઇમરાન તથા ગ્રાહકની ધરપકડ કરી હતી. તનુજાની ધરપકડ ગઇકાલે સાંજ પડી ગઇ હોવાથી બાકી રખાઇ હતી. તેની ધરપકડની કાર્યવાહી આજે થઇ હતી. શૈલેષની શોધખોળ થઇ રહી છે.

(1:18 pm IST)