Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ડ્રાઇવરની છોકરરમતને કારણે વેરાવળ ભાજપ આગેવાનને રાજકોટના પોલીસ મથકના મહેમાન બનવાની વેળા આવી

અરવિંદભાઇ રાણીંગા રોયલ પાર્કમાં સગાને મળવા ગયા ત્યારે કારમાં બેઠેલા ડ્રાઇવર રાહુલ હરણે તેમની રિવોલ્વર જોવા ઉપાડી ટ્રીગર દાબી દેતાં ઘવાયોઃ બંને સામે ગુનો નોંધી કાર્યવાહી

રાજકોટ તા. ૨૭: વેરાવળના ભાજપ અગ્રણી રાજકોટ પોતાના ડ્રાઇવર સાથે આવ્યા હોઇ પોતાની કારમાં તેમણે પરવાનાવાળી રિવોલ્વર રાખી હતી. તેઓ સગાને મળવા ગયા ત્યારે પાછળથી કારમાં એકલા બેઠેલા ડ્રાઇવરે રિવોલ્વર જોવા માટે ખાનામાંથી કાઢી હાથમાં લીધી તે વખતે ગોળી છુટતાં તેને હાથ-પગમાં લાગી ગઇ હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે આર્મ્સ એકટ અને બેદરકારી દાખવવા સબબ ગુનો નોંધી કાર્યવાહી કરી વેરાવળના ભાજપ અગ્રણીની ધરપકડ કરી હતી. તેના ડ્રાઇવરને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ કાર્યવાહી થશે.

આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે સ્ટર્લિંગ હોસ્પિટલે પહોંચી ફાયરીંગમાં ઘાયલ થયેલા વેરાવળ ભાલકા વૃંદાવન સોસાયટીના રાહુલ ભમાભાઇ હરણ (ઉ.૨૭)નું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે પોતે બુધવારે પોતાના શેઠ વેરાવળ આકાશ કોમ્પલેક્ષમાં રહેતાં સોની અગ્રણી અરવિંદભાઇ હસમુખભાઇ રાણીંગાની સાથે રાજકોટ તેમની ઇનોવા કાર જીજે૧૧એએસ-૫૦૩માં આવ્યો હતો. એ દિવસે સાંજે છ વાગ્યા આસપાસ રોયલ પાર્ક મેઇન રોડ પર માનસરોવર એપાર્ટમેન્ટ પાસે પહોંચ્યા હતાં. શેઠ અરવિંદભાઇ આ એપાર્ટમેન્ટમાં પોતાના સગાને મળવા ગયા હતાં ત્યારે પોતે ડ્રાઇવીંગ સીટ પર બેઠો હતો. બેઠા બેઠા ડ્રાઇવીંગ સીટની બાજુનું ખાનુ ખોલીને જોતાં તેમાં શેઠ અરવિંદભાઇ રાણીંગાની લાયસન્સવાળી રિવોલ્વર જોવા મળતાં તે ઉઠાવી હતી અને ચેક કરતો હતો. એ વખતે ભુલથી ટ્રીગર દબાઇ જતાં ગોળી છુટી હતી અને પોતાને ડાબા હાથના પંજા ઉપર તેમજ ડાબા પગના સાથળ ઉપર ગોળીથી ઇજા થઇ હતી જેથી પોતાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટી પોલીસને હોસ્પિટલ મારફત એન્ટ્રી મળતાં ઇન્ચાર્જ પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં હેડકોન્સ. ભગીરથસિંહ જે. ખેર અને રાઇટર બ્રિજરાજસિંહે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. હેડકોન્સ. બી. જે. ખેરએ સરકાર તરફે ફરિયાદી બની આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી) (એ), ૨૯ (બી), ૩૦ મુજબ રાહુલ હરણ અને અરવિંદભાઇ સામે ગુનો નોંધ્યો હતો. રાહુલે પોતાના શેઠની રિવોલ્વર ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી પોતાને જ ઇજા પહોંચડવા સબબ અને અરવિંદભાઇએ પોતાની રિવોલ્વર બેદરકારીથી કારમાં મુકી રાખવા સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:18 pm IST)