Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મેટોડા-શાપર જીઆઈડીસીમાં મજુરો સાથે ચીટીંગ કરતો રાજીલ પટેલ પકડાયો

બેંકના સીડીએમ મશીનમાં રૂપિયા જમા કરાવવા આવતા મજુરોને પોતે રૂપિયા જમા કરી દેશે તેમ કહી પોતાના બોગસ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દેતો અને બાદમાં પોતાના અસલ નામના ખાતામાં ઓનલાઈન રૂપિયા લઈ લેતો'તોઃ લોધીકાના પીએસઆઈ એચ.એમ. ધાંધલ તથા ટીમે ઠગનો પર્દાફાશ કર્યો : પકડાયેલ રાજીલે રાજેશ ધીરજલાલ ડેડાણીયાના નામે ૪ બોગસ એકાઉન્ટો ખોલાવ્યા'તાઃ છેતરપીંડીથી મળેલ રૂપિયા બોગસ એકાઉન્ટમાં જમા કરાવી ઓનલાઈન પોતાના ખાતામાં જમા કરી નાખતો'તોઃ પોતે અલગ અલગ ૧૨ બેન્કોમાં ખાતા ધરાવે છે : શાપર-વેરાવળની રાજદીપ કોર્પોરેશનમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતો રાજીલે ખોટા બીલો રજૂ કરી આઠેક લાખની છેતરપીંડી કરી'તી તેમજ માલિકના પર્સનલ ક્રેડીટ કાર્ડમાંથી પણ ૫ લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા'તા

તસ્વીરમાં પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા એસપી બલરામ મીણા, બાજુમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એન. રાણા તથા ઠગને ઝડપી લેનાર લોધીકાના પીએસઆઈ એચ.એમ. ધાંધલ નજરે પડે છે. બીજી તસ્વીર પકડાયેલ ઠગ રાજીલની છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૭ :. મેટોડા તથા શાપર જીઆઈડીસી વિસ્તારમાં મજુરોને છેતરી મજુરોના રૂપિયા પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા પટેલ યુવાનને લોધીકા પોલીસે ઝડપી લઈ પૂછતાછ કરતા લાખોની છેતરપીંડીનો પર્દાફાશ થયો હતો.

આ અંગે રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં એસપી બલરામ મીણાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે લોધીકા પોલીસ મથકમાં ગત તા. ૨૨-૨ના છેતરપીંડીનો ગુન્હો નોંધાયો હતો. જે અંગેની તપાસમાં લોધીકાના પીએસઆઈ એચ.એમ. ધાંધલને જાણવા મળેલ કે ફરીયાદીના ગયેલ ૭૦,૦૦૦ રૂ. રાજેશ ધીરજલાલ ડેડીણીયાના શાપર-વેરાવળની એસબીઆઈ બ્રાંચના એકાઉન્ટમાં જમા થયા હતા. બેન્કમાંથી આ ખાતાનું પોલીસે સ્ટેટમેન્ટ કઢાવતા અલગ અલગ રૂપિયા જમા થયાનું જણાયેલ. તેમજ બેન્કના ખાતાધારક રાજેશ અંગે તપાસ કરતા તે વડવાજડીથી ઈશ્વરીયા જતા રોડ પર આવેલ આલાપગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં તેનુ નામ રાજીલ ધીરજલાલ જાવીયા (પટેલ) રહે. હાલ વડવાજડી, રહે. એપલ એલીગન્સ ગ્રીન બ્લોક નં. ૩૦૨, તક્ષશિલા કોલેજની સામે, તાલુકો પડધરી રહે. મૂળ જૂનાગઢ શાકમાર્કેટ પાસે હોવાનું ખુલ્યુ હતું.

પોલીસ પૂછતાછમાં પકડાયેલ રાજીલ પટેલે એવી કેફીયત આપી હતી કે પોતે પોતાના બોગસ નામ રાજેશ ધીરજલાલ ડડાણીયાના નામથી શાપર-વેરાવળ એસબીઆઈ, એસબીઆઈ યુનિવર્સિટી રોડ રાજકોટ, કોટક મહિન્દ્રા બેંક આનંદ બંગલા ચોક તથા યુનિયન બેન્ક કાલાવડ રોડ શાખામાં ૪ બોગસ એકાઉન્ટ ધરાવતો હતો. તેમજ પોતાના રાજીલ ધીરજલાલ જાવીયાના નામના અલગ અલગ ૧૨ બેન્કમાં એકાઉન્ટ ધરાવતો હતો.

પોલીસ પૂછતાછમાં રાજીલે વધુમાં જણાવ્યુ હતુ કે પોતે જૂનાગઢ વિવેકાનંદ સ્કૂલમાં ભણતો હતો ત્યારે સ્કૂલના આઈકાર્ડ ઉપર વર્ષ ૨૦૦૮માં આર.એમ. ડેડાણીયાનું બોગસ પાનકાર્ડ કઢાવેલ. આ પાનકાર્ડ પરથી ઓનલાઈન પોતાનુ શાપર-વેરાવળનું બોગસ ચૂંટણી કાર્ડ કઢાવેલુ અને તેના આધારે રાજેશ ધીરજલાલ ડેડાણીયાના નામે ૪ બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા. મેટોડા અને શાપર-વેરાવળ જીઆઈડીસી બેન્કોના સીડીએસ મશીનોમાં મજુરો રૂપિયા જમા કરાવવા આવતા ત્યારે પોતે ત્યાં રેકી કરતો હતો અને જે મજુરોને રૂપિયા જમા કરાવતા ન આવડતુ હોય તેવા મજુરોને હમદર્દી બતાવી રૂપિયા જમા કરાવી આપવાનું કહી પોતાના બોગસ એકાઉન્ટમાં આ રૂપિયા જમા કરાવી નાખતો હતો અને બાદમા તે રકમ પોતાના અસલ એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી નાખતો હતો.

પકડાયેલ રાજીલે આજથી અઢી મહિના પહેલા મેટોડા જીઆઈડીસી બેન્કના એટીએમ પાસે એક વ્યકિતના ૧૧૦૦૦ રૂ., બે મહિના પૂર્વે મેટોડા જીઆઈડીસીના એસબીઆઈ શાખાના સીડીએમ મશીનમાં રૂ. ૭૦૦૦ તથા ૩૫૦૦ રૂ., પોણા બે મહિના પૂર્વે એક મજુરના ૭૦,૦૦૦ રૂ., મેટોડા જીઆઈડીસીમાં એક મહિના પૂર્વે એક મજુરના ૪૦૦૦ રૂ., ૧૫ દિવસ પહેલા એક મજુરના ૧ લાખ ૩૦ હજાર રૂ., જૂનાગઢ કાળવા ચોક ખાતે એક મજુરના ૧૮૦૦૦ રૂ. તેમજ શાપર-વેરાવળ ખાતે રાજ-રતન પોલીમર્સ પ્રા.લી. તથા રાજદીપ કોર્પોરેશનના માલિક કિશોરભાઈ ભાણજીભાઈ વાછાણીના પર્સનલ ક્રેડીટ કાર્ડમાંથી ૫ લાખ રૂ. પોતાના ખાતામા ટ્રાન્સફર કરેલ તેમજ આ કંપનીમા પોતે એકાઉન્ટ તરીકે નોકરી કરતો હોય ખોટા બીલો રજૂ કરી પોતાના એકાઉન્ટમાં ૮ લાખ રૂ. આરટીજીએસ દ્વારા પોતાના ખાતામા ટ્રાન્સફર કર્યાની કબુલાત આપી હતી તથા એમોઝોન કંપનીના ઓનલાઈન વેબસાઈટ પર ઓનલાઈન ખરીદી કરી આવેલ વસ્તુઓ કાઢી લઈ તેમાથી બીજી ભળતી વસ્તુઓ ભરી રીટર્ન પરત મોકલી પૈસા પરત મેળવી એકાદ લાખની છેતરપીંડી કરી હોવાની કબુલાત આપી હતી.

પકડાયેલ રાજીલની લોધીકા પોલીસે ધરપકડ કરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં લોધીકાના પીએસઆઈ એચ.એમ. ધાધલ સાથે એએસઆઈ કિર્તીદાન ગઢવી, હેડ કોન્સ. ગીરીશભાઈ મકવાણા, અશોકભાઈ ખૂંટ, ઉપેન્દ્રસિંહ ગોહિલ, લખધીરસિંહ જાડેજા તથા ભોજાભાઈ ત્રમટા જોડાયા હતા. તેમજ એલસીબીના પીઆઈ રાણા તથા તેમની ટીમ પણ મદદમાં જોડાઈ હતી.

(1:17 pm IST)