Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ચોટીલા દર્શન કરી પરત આવતી વખતે પુનિતનગરના રવિરાજસિંહ જાડેજાનું ચાલુ બાઇકમાં હૃદય બેસી ગયું

મામાના દિકરાના બાઇક પાછળ બેઠેલા યુવાને છાતીમાં દુઃખતું હોવાનું કહેતાં બાઇક ઉભુ રખાયું: બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા પણ દમ તોડી દીધોઃ યુવાન દિકરાના મૃત્યુથી પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૭: જિંદગીની સફરનો અંત કયાં અને કેવી રીતે આવી જાય તેની ખબર પડતી નથી. ગોંડલ રોડ પુનિતનગરના રવિરાજસિંહ ઘેલુભા જાડેજા (ઉ.૨૨) નમના યુવાનને ચાલુ બાઇકમાં હાર્ટએટેક આવી જતાં મોત નિપજ્યું હતું.

પુનિતનગર ગુ.હા. બોર્ડ સોસાયટીમાં રહેતાં અને જ્યોતિ સીએનસીમાં નોકરી કરતાં રવિરાજસિંહ ગઇકાલે બુધવારે રજા હોઇ પોતાના મામાના દિકરા યશવંતસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉ.૨૩) સાથે તેમના બાઇકમાં ચોટીલા દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી પરત આવ્યા ત્યારે આજીડેમ પુલ ઉતરતાં જ રવિરાજસિંહને છાતીમાં દબાણ થવા માંડતા તેણે બાઇક ઉભુ રખાવ્યું હતું. યશવંતસિંહે બાઇક ઉભુ રાખતાં જ રવિરાજસિંહ બેભાન થઇ જતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે  જાણ કરતાં આજીડેમના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડા અને મેહુલભાઇ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના અને અપરિણતી હતાં. મુળ હડમતાળા (અરડોઇ)ના વતની હતાં. ચોટીલા ડુંગર ચડતી વખતે જ તેમને છાતીમાં થોડો દુઃખાવો થયાનું તેમના સ્વજને કહ્યું હતું. રાજકોટ આવતી વખતે રસ્તામાં આ બનાવ બની જતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

(11:33 am IST)