Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ઉદ્યોગપતિ-સમાજ સેવક રિઝવાન આડતિયાના જીવન પરની પ્રેરણાદાયી હિન્દી ફિલ્મ 'રિઝવાન' કાલથી રિલીઝ

મુળ પોરબંદરના અને ૧૭ વર્ષની વયે આફ્રિકા કામ શોધવા ગયા, અવિરત સંઘર્ષ કરી પહોંચ્યા સફળતાની ટોચ પર : ૯ દેશોમાં ૧૫૦ સ્ટોર્સના સ્થાપક-સંચાલક, ૩૭ જેટલા વેરહાઉસના માલિકની અનોખી કહાની જોવા-જાણવા મળશે ફિલ્મમાં: દેશભરમાં ૨૦૦થી વધુ સ્ક્રીન પર થશે રિલીઝ : વિક્રમ મહેતા રિઝવાનના રોલમાં: ભાર્ગવ ઠાકર, જલ્પા ભટ્ટ, હિતેષ રાવલ, દિગીશા ગજ્જર અને કેયુરી શાહની ખાસ ભુમિકાઃ રાજકોટ અને આફ્રિકાના ૧૫-૧૫ કલાકારોનો પણ રોલઃ રિઝવાન આડતિયા-નિર્માતા-નિર્દેશક હરેશ વ્યાસ અને કલાકારોએ પત્રકાર પરિષદ યોજી

પત્રકાર પરિષદમાં માહિતી આપતાં શ્રી રિઝવાન આડતિયા, નિર્માતા-નિર્દેશક હરેશ વ્યાસ, કલાકારો વિક્રમ મહેતા, જલ્પા ભટ્ટ, હિતેષ રાવલ, ભાર્ગવ ઠાકર સહિતના જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭: મુળ પોરબંદરના અને હાલ આફ્રિકામાં સ્થાયી થયેલા જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી સમાજ સેવક તેમજ રિઝવાન આડતિયા ફાઉન્ડેશનના સેંકડો પ્રોજેકટ જેઓ એશિયા આફ્રિકામાં ચલાવે છે તેવા રિઝવાન આડયિતાના જીવન પરથી હિન્દી ફિલ્મ બનાવવામાં આવી છે. ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપતી આ ફિલ્મ આવતી કાલે શુક્રવારે દેશભરના ૨૦૦ જેટલા સ્ક્રીન પર પ્રસારીત થઇ રહી છે. રિઝવાન આડતિયા, ફિલ્મના નિર્માતા-નિર્દેશક હરેશ વ્યાસ, રિઝવાનનું પાત્ર ભજવનારા અભિનેતા વિક્રમ મહેતા તથા બીજા કલાકારો જલ્પા ભટ્ટ, હિતેષ રાવલ, ભાર્ગવ ઠાકર સહિતે પત્રકાર પરિષદમાં આ ફિલ્મ બાબતે અને રિઝવાન આડતિયા વિશે માહિતી આપી હતી.

રિઝવાન આડતિયા સતર વર્ષની ઉમરે આફ્રિકા જાય છે. કપરા સંજોગો અને હિમત હાર્યા વગર તે સામનો કરે છે અને સફળતાના એક પછી એક શીખરો સર કરતાં જાય છે. આજે તેઓ આફ્રિકાના એક સફળ બિઝનેસમેન છે. રિઝવાન આડતિયા એક દાનવીર પણ છે. સેવાના કાર્યો માટે તેઓ આડતિયા ફાઉન્ડેશનના અનેક પ્રોજેકટ ચલાવી રહ્યા છે. આ ફિલ્મ સોૈને એવી પ્રેરણા આપશે કે જીવનના ઉતાર ચઢાવ વચ્ચે સકારાત્મક વલણ (પોઝિટીવ એટીટ્યુડ) અને સખત મહેનતને પકડી રાખો, તમારા સપના ચોક્કસપણે પુરા થશે. ફિલ્મનું શુટીંગ પોરબંદર, મોઝામ્બિક અને કોંગોમાં થયું છે. નિર્માતા-નિર્દેશક હરેશ વ્યાસ કે જે મોરેસિયશ સ્થાયી થયા છે. તેમણે રિઝવાન આડયિતા વિશે સાંભળતા એક કોમન ફ્રેન્ડ થકી રિઝવાનને મળ્યા અને તેમના જીવનથી અભિભુત થઇ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. પરંતુ એ પહેલા એક પુસ્તક લખવામાં આવ્યું અને ત્યારબાદ હવે ફિલ્મ બનાવવામા઼ આવી છે.

ફિલ્મમાં હાઉસફુલ ફિલ્મના બાલા બાલા ગીત ફેઇમ સંગીતકાર સોહિલ સેનનું સંગીત છે. કહાની ડો. શરદ ઠાકરે લખી છે. સ્ક્રિપ્ટ અને ડાયલોગ હરેશ વ્યાસના છે. ફિલ્મમાં ઉદિત નારાયણ, અલ્તમસ ફકરીએ ગીતો ગાય છે. વિક્રમ મહેતા સાથે જલ્પા ભટ્ટ, ભાર્ગવ ઠાકર, ચિરાગ કથરેચા, તેજ જોષી, અદ્દેૈત અંતાણી, ગોૈરવ ચાંસોરિયા, દિગીશા ગજ્જર, સોનુ મિશ્રા, સાગર મસરાણી, હિતેષ રાવલ સહિતના કલાકારો છે. રાજકોટના પંદર જેટલા કલાકારો ઉપરાંત આફ્રિકાના કલાકારોએ પણ કામ કર્યુ છે.

નિર્દેશક હરેશ વ્યાસે કહ્યું હતું કે-આ ફિલ્મ બનાવવી એ મારુ સપનુ હતું. હું ગર્વ અનુભવુ છું. તમામ કલાકારોએ ફિલ્મને જીવંત બનાવવા ખુબ મહેનત કરી છે. સોૈને ફિલ્મ ચોક્કસ ગમશે. અભિનેતા વિક્રમ મહેતાએ કહ્યું હતું કે-ડિરેકટરશ્રીએ રિઝવાન આડતિયાના રોલ માટે મારી પસંદગી કરી એ મારા માટે ગર્વ જેવી વાત છે. મેં તણાવપુર્ણ રીતે ઓડિશન આપ્યું હતું. શ્રી રિઝવાન આડતિયા વિશે તમામ માહિતી એકત્ર કરી તેમનું પુસ્તક પણ વાંચી કાઢ્યું હતું અને પછી તેમના રોલમાં ઉતરવા ભરપુર પ્રયાસ કર્યો હતો અને સફળતા મળી હતી.

શ્રી રિઝવાન આડતિયાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ ભારત અને ભારતીયો માટે પ્રેરણાદાયક છે. મને મારા જીવનની સફરનું ગોૈરવ છે. એક નાનો છોકરો કે જે ઇમાનદારીથી કામ કરવા માંગે છે અને તેના હૃદયમાં વિશાળ સપનાઓ છે, તેને ખબર છે કે તેની યાત્રા સરળ નથી અને માર્ગમાં અનેક અવરોધ પણ હશે. આમ છતાં તે આગળ વધે છે અને સફળતા મેળવે છે. મારી પાસે હાર સ્વીકારવાનો અને પ્રયત્નો છોડવાનો કોઇ વિકલ્પ જ નહોતો.

ફિલ્મનું સંગીત પણ કર્ણપ્રિય છે. ફિલ્મમાં એક ગીત 'શુકર હૈ, વ્યાધિ નથી...' તમને અવરોધોને કેવી રીતે દૂર કરવા અને હમેંશા સકારત્મક જીવન કઇ રીતે જીવવું તેનો સંદેશ આપે છે. સોહિલ સેને આ ગીત માટે સંગીત આપ્યું છે અને અનિલ ચાવડા તથા ભાવેશ ભટ્ટે લખ્યું છે. આ ગીત અલ્તમશે ગાયું છું.  બીજુ ગીત આઓ સબકો શીખાદે હમ ઉદિત નારાયણના સ્વરમાં છે. આ ઉપરાંત એક પોર્ટુગિઝ ગીત પણ છે, જે મેરીઓને ગાયું છે.  ફિલ્મ યુવા વર્ગને ખાસ પ્રેરણા આપશે અને બીજા દરેક લોકોને પણ પસંદ પડશે તેવો વિશ્વાસ રિઝવાન આડતિયા, નિર્દેશક અને કલાકારોએ વ્યકત કર્યો છે. ફિલ્મમાં થ્રિલ અને ડ્રામા પણ છે તો સાથે પ્રેરણાદાયક સંદેશ પણ છે.

(11:24 am IST)