Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ટંકારાના ધારાસભ્‍ય દુર્લભજીભાઇના ફોર્મમાં અધૂરી અને ખોટી માહિતી : ગેરલાયક ઠેરવવા હાઇકોર્ટમાં લલિત કગથરાની ધા

ફોર્મ ચકાસણી વખતે ચૂંટણી અધિકારીને રજૂઆત કરેલ : પોતાને વિજેતા જાહેર કરવા કગથરાની માંગ

મોરબી જિલ્લાના ટંકારા-પડધરી મતક્ષેત્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય અને ગઇ ધારાસભાની ચૂંટણીના ઉમેદવાર શ્રી લલિત કગથરાએ આજે રાજકોટ સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીરમાં બાજુમાં જય મારવાણિયા અને નિરજ જાદવાણી ઉપસ્‍થિત છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭ : મોરબી જિલ્લાની ટંકારા ધારાસભાની બેઠકના કોંગ્રેસના પરાજીત ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્‍ય લલિત કગથરાએ વિજેતા જાહેર કરાયેલા ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઇ દેથરિયાના ફોર્મમાં કેટલીક માહિતી અધૂરી અને ખોટી હોવાનો આક્ષેપ કરી તેને ધારાસભ્‍ય પદેથી ગેરલાયક ઠેરવવા અને પોતાને વિજેતા જાહેર કરવાની માંગણી સાથે હાઇકોર્ટમાં ધા નાખી છે. તેમના જણાવ્‍યા મુજબ ભૂતકાળમાં અન્‍ય રાજ્‍યમાં આ પ્રકારની પરિસ્‍થિતિમાં વિજેતા સભ્‍યને ગેરલાયક ઠેરવાયાના દાખલા છે. હાઇકોર્ટમાં રિટ દાખલ થઇ ગઇ છે. આગામી દિવસોમાં સુનાવણી થવાની સંભાવના છે.

લલિત કગથરાએ પત્રકારોને જણાવેલ કે, ગુજરાત હાઇકોર્ટમાં રિપ્રેઝન્‍ટેશન ઓફ ધ પીપલ એક્‍ટ-૧૯૫૧ હેઠળ અરજી કરેલી છે. આ અરજીમાં રિટર્નિંગ ઓફિસર સહિત ચુંટણી પંચને પક્ષકાર બનાવેલા છે. અરજીમાં જણાવ્‍યું છે કે ટંકારા બેઠક પરથી વિજેતા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામામાં અનેક ભૂલો હતી, તેના શિક્ષણ અંગે કોઈ સ્‍પષ્ટતા કરેલી નથી, તેમની મિલકત અંગે યોગ્‍ય માહિતી આપી નથી, તેની પાસે કાર હોવા છતાં તે દર્શાવી નથી, તેના ફોર્મમાં અનેક ખાના બાકી હતા. આ પ્રકારની અનેક ભુલો હોવા છતાં, રિટર્નિંગ ઓફિસરે તેના ફોર્મને રદ કર્યુ ન હતુ. અમે જે તે વખતે આ ભૂલો તરફ ચૂંટણી અધિકારીનું ધ્‍યાન દોરી વાંધા રજૂ કરેલા. ચૂંટણી અધિકારીએ તેમને બીજુ સોગંદનામુ રજૂ કરવા સમય આપેલ. ભાજપના ઉમેદવારે બીજું સોગંદનામુ રજૂ કરેલ તેમાં પણ ભૂલ હતી. અમારી રજૂઆત ટકવાપાત્ર નથી તેમ જણાવી ચૂંટણી અધિકારીએ અમારા વાંધા નકારેલ અને ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્‍ય ગણ્‍યું હતું.

શ્રી કગથરાએ જણાવેલ કે, ભાજપના અન્‍ય કેટલાય ઉમેદવારોના ફોર્મ અને સોગંદનામા મે ઓનલાઇન જોયા છે. કોઇના ફોર્મમાં ખાના ખાલી રાખવા કે અધૂરી અથવા ખોટી માહિતી દર્શાવવા જેવી ક્ષતિ નથી. મે દુર્લભજીભાઇને ધારાસભ્‍ય પદેથી ગેરલાયક ઠેરવવા અને મને વિજેતા જાહેર કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. હું અત્‍યાર સુધીમાં પાંચ ચૂંટણી લડયો તેમાંથી એકમાં વિજેતા બનેલ. ભૂતકાળમાં હું હાર્યો ત્‍યારે કદી હાઇકોર્ટમાં રીટ કરી નથી. હારી જવાથી નહિ પણ અન્‍યાય સામેની આ લડત છે. મને ન્‍યાય તંત્ર પર પૂરો ભરોસો છે.

(1:43 pm IST)