Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

વાગુદળમાં નદી કાંઠે શરીર પર પેટ્રોલ રેડી સળગી ગયેલા યુવાન દિપેને દમ તોડયો

૨૨મીએ પગલુ ભર્યા બાદ રાજકોટમાં સારવાર હેઠળહ હતોઃ બિમારીથી કંટાળીને પગલુ

રાજકોટ તા. ૨૭: લોધીકાના વાગુદળમાં રહેતાં યુવાને ગત ૨૨મીએ વહેલી સવારે ગામના પાટીયા પાસે નદી કાંઠે જઇ શરીરે પેટ્રોલ રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

વાગુદળ ગામના પાટીયા પાસે ઇંટોના ભઠ્ઠે રહી મજૂરી કરતાં દિપેનભાઇ જેન્‍તીભાઇ ચાવડા (ઉ.વ.૩૧) નામના યુવાને ગયા રવિવારે વહેલી સવારે ઘરેથી નીકળી વાગુદળના પાટીયે નદી કાંઠે જઇ શરીરે પેટ્રોલ રેડી અગ્નિસ્‍નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

આ યુવાનનું ૨૬મી  જાન્‍યુઆરીએ સવારે મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. દિપેનભાઇ અગાઉ છુટક મજૂરી કરતો હતો અને હાલમાં છેલ્લા કેટલાક દિવસથી રિક્ષા હંકારવાનું ચાલુ કર્યુ હતું.  બિમારીથી કંટાળીને આમ કર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. અગાઉ પણ તે આપઘાતનો પ્રયાસ કરી ચુક્‍યો હતો. બનાવ અંગે લોધીકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:26 pm IST)