Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

બેભાન હાલતમાં છ લોકોના મોત

દિપકભાઇ ઠાકર, વિશ્રામભાઇ પરમાર, નંદાબેન ઠાકુર,ખુશાલ ભારાણી, કિશોરભાઇ પંચાલ અને જલ્પા ટોળીયાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૭: જુદા જુદા બનાવોમાં બેભાન હાલતમાં છ લોકોએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

કોઠારીયા કોલોની ઇએસઆઇ હોસ્પિટલ સામે રહેતાં અને બહુમાળી ભવન સોૈરાષ્ટ્ર કચ્છ સિંચાઇ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતં દિપકભાઇ જયસુખભાઇ ઠાકર (ઉ.૫૬) બિમાર હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગરમાં જાણ કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં મુળ મુંબઇના અને હાલ રાજકોટ આરટીઓ પાછળ નરસિંહનગરમાં રહેતાં વિશ્રામભાઇ ધુડાભાઇ પરમાર (ઉ.વ.૬૯) કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે પીપળીયા ફાર્મ નજીક આવેલા પોતાના બીજા ઘરે હતાં ત્યારે તબિયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. વિશ્રામભાઇ અગાઉ મુંબઇમાં બીએમસીમાં ફરજ બજાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે.

ત્રીજા બનાવમાંરામનાથપર-૭માં રહેતાં નેપાળી નંદાબેન રમેશભાઇ ઠાકુર (ઉ.૫૭) જયરાજપ્લોટ શ્રીજી એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતાં ભત્રીજાના ઘરે ગયા ત્યારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતકના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્રી છે.

ચોથા બનાવમાં ઢેબર કોલોની કવાર્ટર નં. ૨૨માં રહેતો ખુશાલ પ્રવિણભાઇ ભારાણી (ઉ.વ.૩૧) બિમાર હોઇ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

પાંચમા બનાવમાં ગોંડલ રોડ પર સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાંકિશોરભાઇ વિઠ્ઠલદાસ પંચાલ (ઉ.વ.૬૮) બેભાન થઇ જતાં સિવિલમા ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.

છઠ્ઠા બનાવમાં થોરાળા-૩માં રહેતી જલ્પા મુળુભાઇ ટોળીયા (ઉ.૨૧)ને ફેફસામાં કાણુ પડી ગયું હોઇ સારવાર ચાલુ હતી. ગત સાંજે બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. મૃતક બે બહેન  અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા રિક્ષા હંકારે છે.

(2:52 pm IST)