Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ખોડીયારપરા વિસ્તારની લેન્ડગ્રેબીંગની ફરીયાદમાં પાંચ આરોપીના જામીન મંજુરઃ એકની ધરપકડ સામે સ્ટે

રાજકોટ, તા. ૨૭ :. ખોડીયારપરા વિસ્તારમાં થયેલ લેન્ડગ્રેબીંગની ફરીયાદમાં પાંચ આરોપીઓનો જામીન પર છૂટકારો તેમજ એક આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ આપવામાં આવેલ છે.

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ ખોડીયારપરા વિસ્તારમાં પ્રાઈવેટ માલિકીનની જમીનમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના આધાર-પુરાવા વગર પ્રવેશ કરી મકાનો બનાવી લેવાની ફરીયાદના અનુસંધાને પોલીસે (૧) જયરાજભાઈ મોહનભાઈ રાઠોડ (૨) પ્રદીપભાઈ મોહનભાઈ રાઠોડ (૩) ભીખાભાઈ વેજાભાઈ ગમારા (૪) રાજુભાઈ ગોવિંદભાઈ ગમારા (૫) લીંબાભાઈ ભલાભાઈ ચાવડીયાની ધરપકડ કરેલ અને જેલ હવાલે કરેલ હતા.

સદરહુ કામના બે આરોપીઓ (૧) ભીખાભાઈ વેજાભાઈ ગમારા (૨) લીંબાભાઈ ભલાભાઈ ચાવડીયાનાઓએ ચાર્જશીટ થયા બાદ રાજકોટની સ્પે. અદાલતમાં જામીન અરજી કરતા સ્પે. લેન્ડગ્રેબીંગના જજશ્રીએ બન્ને આરોપીઓને જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ. બાકી રહેતા ત્રણ આરોપીઓ (૧) જયરાજભાઈ મોહનભાઈ રાઠોડ (૨) પ્રદીપભાઈ મોહનભાઈ રાઠોડ (૩) રાજુભાઈ ગોવિંદભાઈ ગમારાનાઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ અને સાથોસાથ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૪૮૨ હેઠળ સદરહુ તપાસ સામે મનાઈ હુકમની માંગણી કરેલ.

લેન્ડગ્રેબીંગનો કાયદો સને ૨૦૨૦માં અમલમાં આવેલ છે અને અરજદારો સને ૧૯૯૯થી વાદગ્રસ્ત જગ્યામાં કબ્જો, ભોગવટો ધરાવે છે અને એડવર્સ પઝેશનનો કાયદો જોવામા આવે તો આરોપીઓનો પ્રથમ હક્ક છે, સીવીલ નેચરની તકરાર છે જેને ફોજદારી સ્વરૂપ આપવામાં આવેલ છે તેમજ લેન્ડગ્રેબીંગના કાયદાનો દુરૂપયોગ થયેલ છે તે તમામ હકીકતોને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ગીતા ગોપી મેડમે ત્રણેય આરોપીઓને જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. તેમજ સદરહુ કામમાં નહી પકડાયેલ આરોપી વેલાભાઈ કડવાભાઈ જોગસ્વાનાઓએ પોતાની ધરપકડ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૪૮૨ હેઠળ કાર્યવાહી કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રીએ સદરહુ આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ આપેલ છે.

ઉપરોકત કામમાં તમામ આરોપીઓ (૧) જયરાજભાઈ મોહનભાઈ રાઠોડ (૨) પ્રદીપભાઈ મોહનભાઈ રાઠોડ (૩) ભીખાભાઈ વેજાભાઈ ગમારા (૪) રાજુભાઈ ગોવિંદભાઈ ગમારા (૫) લીંબાભાઈ ભલાભાઈ ચાવડીયા તેમજ વેલાભાઈ કડવાભાઈ જોગસ્વા વતી અમદાવાદના એડવોકેટ આશિષભાઈ ડગલી તેમજ રાજકોટના એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષીલભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોષી રોકાયેલા હતા.

(3:58 pm IST)