Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જય સ્વામિનારાયણ..એક સાથે ૬૦૯૯૦ ભકતોએ ઓનલાઇન મંત્રોચ્ચાર કરતા વિક્રમ સર્જાયો

બોલેલા મંત્રોને ઇન્ડિયા બુકમાં અને લખેલા મંત્રોને એશિયા બુકમાં સ્થાનઃ જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સિધ્ધી

રાજકોટ,તા.૨૭ઃ સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરાના સ્વામી જ્ઞાનજીવનદાસજીને વધુ એક વાર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. કોરોના મહામારી પણ ભકિતના પ્રવાહને રોકી શકે એમ નથી. ઉલ્ટાનું મહામારીને કારણે ઇશ્વર પ્રત્યેની આસ્થામાં વધારો થયો હોય એ વાતની સાબિતી એક સાથે સૌથી વધુ લોકો દ્વારા ઓનલાઇન મંત્રો બોલવાનો નોંધાયેલો વિક્રમ આપે છે. અહીંના સ્વામિનારાયણ મંદિરના સંતો આવો વિક્રમ નોંધાવ્યો છે.

સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા સ્વામી જ્ઞાનજીવનદાસજી દ્વારા એક સાથે સૌથી વધુ લોકોએ ઓનલાઇન મંત્રોચ્ચાર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે 'સ્વામિનારાયણ મહામંત્ર'ની ૨૨૦ મી વર્ષગાંઠની ઉજવણીમાં ૬૦૯૯૦ ભકતોએ ૬૪ મિનિટ માટે 'ભગવાનને રાજી કરવા' માટે ધૂન અને મંત્રોચ્ચાર કર્યા હતા. જેના માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. સ્વામિનારાયણ મહામંત્રની ૨૨૦મી જયંતી નિમિતે ગુજરાતના 'ઘનશ્યામ મહરાજ'ને પ્રસન્ન કરવા માટે ૩,૩૩,૩૩૩ હાથથી લખેલા 'સ્વામિનારાયણ મહામંત્રો' વાળા વાઘા બનાવી અર્પણ કરવામાં આવ્યા હતા. જેને પણ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. તેમ ઘનશ્યામ સ્વામીએ જણાવ્યુ છે.

આ પહેલા પણ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથને ટાઇટેનિયમ ધાતુમાં કંડારવા બદલ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા 'લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપટ ઓન ટાઇટેનિયમ શીટ'ની વિક્રમ માન્યતા અને  પદક પણ આપવામાં આવ્યા છે.

 સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા ખાતે પરમ ભકતશ્રી કાંતિભાઇ પટેલ તથા શ્રી પંકજભાઇ પટેલ, ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા આ વિક્રમલેખને સંતોને અર્પણ કરાયો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનને ૩,૩૩,૩૩૩ હાથથી લખેલા 'સ્વામિનારાયણ મહામંત્રો' વાળા વાઘા ધરાવવામાં આવેલ છે. તેમના દર્શન અર્થે તથા સંતોની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

(2:43 pm IST)