Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

લોકશાહીનું જતન કરવું તે આપણી ફરજ છે : જીતુભાઇ વાઘાણી

આપણા રક્ષણ માટે દેશની સરહદ સૈનિકો સાચવી રહ્યા છે : રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની દેશભકિત સભર ઉજવણી : ધ્વજવંદન - પરેડ નિર્દેશન - સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન - કોરોના વોરીયર્સને પ્રીકોશન ડોઝ - વૃક્ષારોપણ વિગેરે કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા. ૨૭ : રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી  જીતુભાઇ વાઘાણીની  ઉપસ્થિતિમાં થઈ હતી.

મંત્રીશ્રીએ  રાષ્ટ્રધ્વજ ફરકાવી સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. પોલીસ પરેડ નિદર્શન કર્યા બાદ કોરોના  વોરિયર્સને પ્રીકોશન ડોઝ  તેમજ વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમોમાં મંત્રીશ્રી જોડાયા હતા.

આ તકે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે સૌથી મોટી લોકશાહી આપણને બંધારણ રૂપે આપી  છે. સરદાર પટેલની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા બનાવવાનું કામ પણ ગુજરાતે કર્યું છે, આપણા દેશની અમૂલ્ય આઝાદી માટે શહીદી વહોરનાર તમામ શહીદો, વીરોને આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિતે આપણે વંદન કરીએ છીએ.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, દ્રઢ ઇચ્છા શકિત અને અદ્વિતીય નેતૃત્વ થકી દેશ અને ગુજરાત આગળ વધી રહ્યું છે. કોરોના મહામારીમાંથી આપણે ઝડપથી બહાર નીકળી રહયા છીએ, રાજયનો તમામ ક્ષેત્રે ઉતરોતર વિકાસ કરી રહયા છીએ. રાષ્ટ્રીય પર્વની પ્રજાજનોને શુભકામના પાઠવું છું.

મંત્રીશ્રીએ વધુમાં કહયુ હતુ કે, ૩૭૦ ની કલમ અને ત્રીપલ તલાક કાયદાની નાબુદી જેવા મહત્વના નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશમાં કર્યા છે.  ત્યારે ગુજરાત પણ પ્રજાની સુખાકારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રગતિ કરી રહ્યું છે. રાજકોટને એઇમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે જે સબળ નેતૃત્વની પ્રતિતી કરાવે છે . આરોગ્ય ક્ષેત્રે રસીકરણમાં પણ દેશભરમાં ગુજરાત રાજય અગ્રેસર રહ્યું છે.

રાજયની મહિલા સશકત બને, વંચિતોનો વિકાસ થાય, ગામડા આત્મનિર્ભર બને, શહેર જેવી સુવિધા ગામડાઓમાં  થાય તે માટે રાજય સરકાર કટિબદ્ઘ છે. શ્રેષ્ઠ ગુજરાત - શિક્ષિત ગુજરાત બને તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં રાજયના યુવાનો ટેકનિકલ અને ઉચ્ચ ગુણવતાયુકત શિક્ષણ મેળવે તે માટે શિક્ષણ વિભાગ કામગીરી કરી રહ્યો છે. તેમ મંત્રીશ્રીએ કહયુ હતુ.

'આયુષ્યમાન ભારત' અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર સૌરાષ્ટ્ર કેન્સર એન્ડ કેર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સરકારી હોસ્પિટલના ડો. ફેની ઠકકર અને રાજકોટ કેન્સર સોસાયટીના મેડિકલ ડાયરેકટર ડો. વી. કે ગુપ્તાનું મંત્રીના હસ્તે સન્માન કરાયુ હતું. પ્રભારી મંત્રીશ્રીના હસ્તે રાજકોટ જિલ્લાના વિકાસ કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરને અર્પણ કરાયો હતો.

આ તકે સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ વીઠલાણીનાં પુત્ર અશ્વિનભાઈ વીઠલાણી અને  મોહનલાલ ભગવાનજીભાઇ ટાંકના પુત્ર અનંતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને  લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, રેન્જ આઈ.જી  સંદિપકુમાર સિંધ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુર્શિદ અહેમદ, જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કેતન ઠકકર, અગ્રણી યશવંતભાઇ જનાણી સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:43 am IST)