Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સરકાર, ભાજપના વખાણ કરવાના બદલે ભુપેન્દ્રસિંહજીએ કોરોના વોરીયર્સને બિરદાવ્યા

શિક્ષણમંત્રી ચુડાસમાનું ગરિમાપૂર્ણ વકતવ્ય

રાજકોટ તા. ૨૬: રાજકીય વ્યકિત કોઈ સામાજિક કાર્યમાં જાય તો પણ એના વાણી વિચારમાં રાજકારણ આવી જ જાય. પરંતુ રાજ્યના શિક્ષણમંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ માન્યતા ખોટી પાડી હતી. એમણે  પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઉત્તમ અને તટસ્થ વકતવ્ય આપ્યું હતું.

રાજકોટમાં ધ્વજવંદન કર્યા પછી એમણે ઉપસ્થિત મેદનીને ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ગાંધીજી, સરદાર સાહેબ, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાનુભાવો, ક્રાંતિકારીઓને લીધે દેશ આઝાદ થયો. આજે એમનું સ્મરણ કરવું જ જોઈએ. સત્યાગ્રહ અને ક્રાંતિકારીઓ બન્નેને લીધે આઝાદી મળી. આઝાદીની લડતમાં રાજકોટ સત્યાગ્રહ, ધોલેરા સત્યાગ્રહ જેવા અનેક ઉદાહરણો છે જે પ્રેરક છે. સરદાર પટેલે દેશના તમામ રજવાડાને એક કર્યા એ મહાન ઘટનાના ઉલ્લેખ સાથે એમણે જણાવ્યું કે રજવાડાંઓ એ પણ સહયોગ આપીને દેશને જોડવાનું કાર્ય કર્યું. ભૂપેન્દ્રસિંહ ધારત તો કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના ભરપુર વખાણ કરી શકત. પરંતુ એમણે એવું કર્યું નથી. આચાર સંહિતા હોવા છતાં તેઓ સરકારના અત્યાર સુધી થયેલા કામોનો તો ઉલ્લેખ કરી જ શક્યા હોત. પરંતુ એમણે કોરોના વોરિયર્સ, ડોકટર, નર્સના વખાણ કર્યા. પોલીસની પીઠ થાબડી.

ગણતંત્ર દિવસની ગરિમાને છાજે એવું એમનું આજનું વકતવ્ય હતું. રાષ્ટ્ર કારણની વાતમાં રાજકારણ ભેગું ન કરાય એનું ઉત્તમ ઉદાહરણ આજે પૂરૃં પાડ્યું હતું.

(2:58 pm IST)