Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ભારતીય કિસાન સંઘની ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સાથે મીટીંગ કેનાલ - ઘઉંની ખરીદી - ગાંડા બાવળ - જમીન માપણી પ્રશ્ને રજૂઆતો

અનેક ગામોમાં ચેકડેમો બાકી તો અનેકમાં રીપેરીંગ બાકી હોવાના પ્રશ્નો ઉઠાવાયા

રાજકોટ, તા. ૨૭ :. ભારતીય કિસાન સંઘે આજે કલેકટર સાથે મીટીંગ યોજી કુલ ૪૧ પ્રશ્નો અંગે અને અગાઉના ૮ પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી.

આ પ્રશ્નોમાં કેનાલના રીપેરીંગના કામો, ઘઉંની ખરીદી તાત્કાલીક કરવી, ગામડાઓમાં ગાંડા બાવળ કાઢવા અંગે, જમીન માપણીમાં થયેલ ભૂલો સુધારવા, તાલુકા લેવલે મામલતદારો બેઠકો નહિ કરતા હોય તાકિદે અમલવારી કરાવવા વિગેરે બાબતે ચર્ચા કરાઈ હતી.

આ ઉપરાંત જી.જી.આર.સી.ની યોજનામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ તાત્કાલીક કરવું જેથી કરીને ખેડૂતોને હાલાકી ન ભોગવવી પડે, ખેડૂતોના પાક ધિરાણની વ્યાજ સહાય સરકાર આપે છે તો ખેડૂતો પાસેથી શું કામ કાપે છે. જૂના કાપેલ વ્યાજો પણ બે વર્ષ થવા છતા પણ ખાતામાં જમા નથી થતા, દેના બેન્ક, બેન્ક ઓફ બરોડામાં મર્જ થવાના કારણે પાક ધિરાણ લેતા ખેડૂતોના ખાતામાંથી ૧૦૦૦ રૂપિયા કાપેલ છે તે પાછા જમા કરવા, ધોરાજી તાલુકાના ડે. કલેકટરે ભાયુ ભાગના કેસની અંદર ઓરમાયુ વર્તન કરીને સત્તાનો દુરૂપયોગ કરીને રાયડી ગામના વ્યકિતને અન્યાય કરેલ છે. તે કેસનો ન્યાય મળે તેવો ફરીથી પ્રયત્ન કરવો જોઈએ, દિવસની લાઈટની યોજનામાં બાકી રહેલા ગામડાઓની અંદર દિવસની લાઈટ ઝડપથી મળે તેવોે પ્રયત્ન કરવો, લોધિકા તાલુકાના ગયા વર્ષે ફરીથી સર્વે કરેલ ડેમનું હજુ સુધી કામ કરેલ નથી, ડેમના ખોદકામની અંદર માટી કાઢવાના ઘન મીટરના માત્ર ૩૦ રૂપિયા ભાવ સરકારી બીજી યોજનાના પ્રમાણમાં બહુ ઓછા હોવાના કારણે કોઈપણ કોન્ટ્રાકટર આ કામ કરવા માટે તૈયાર થતા નથી, રફાળા ગામના બન્ને ચેકડેમો તાત્કાલીક રીપેરીંગ કરવા, બાકી રહેલા ડેમોને સૌની યોજનામાં જોડાણ કરવું, ઉપલેટા તાલુકાના મેખાટીંબી, ઈશ્રા અને લીલાખા ગામના ચેકડેમો બનાવવા, સિટીની જેમ દરેક રૂરલના રસ્તાઓ (એકબીજાના ગામને જોડતા) અત્યંત ખરાબ હાલતમાં હોવા છતાં સરકાર દ્વારા તેનુ તાત્કાલીક રીપેરીંગ કેમ થતુ નથી ? તે તાત્કાલીક રસ્તાઓની મંજુરી મળવી, ઉપલેટા તાલુકાના મોજ ડેમને સૌની યોજનામાં લેવું, સજીવ ખેતીને બચાવવા માટે બળદોની સબસીડી આપવી, જેથી કરીને આખલાઓનો પ્રશ્ન સોલ્વ થાય, તાલુકાથી ગામને જોડતા કોઝ-વે રોડ ઉંચા ઉપાડવા, જેથી કરીને વધારે વરસાદમાં ગામનો સંપર્ક તૂટે નહિં, ગામડાઓના રોડ સાઈડ દબાણ કરતા ગાંડા બાવળો અને વૃક્ષોનો તાત્કાલિક નિકાલ કરવો, દીપડા અને સિંહો વારંવાર જંગલ મુકી ગામડાઓની અંદર આવતા લોકોની અંદર ભયનો માહોલ ફેલાય છે તો તાત્કાલિક તેને જંગલ ભેગા કરવા (પડધરી તાલુકાની અંદર હાલ દીપડાએ ધામા નાખેલ છે), પડધરી તાલુકાના ખાખડાબેલા ગામમાં ઓનલાઈન ૬ નંબર ન નીકળવાના કારણે મામલતદાર કચેરીએ ધક્કા ખાવા પડે છે, ગામડાઓની અંદર થતા સી.સી. કામમાં ઘણી બધી બેદરકારીના હિસાબે કામો નબળા થવાના કારણે તૂટી જાય છે વિગેરે બાબતે રજૂઆતો કરાઈ હતી.

(2:54 pm IST)