Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ખેડૂતોના હિતમાં રા.લો.સહકારી સંઘની કામગીરી શ્રેષ્ઠ-ગૌરવપૂર્ણઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

સહકારી સંસ્થાઓમાં રાજકારણ ક્યારેય નથી કરતાં : જયેશ રાદડિયા : ખેડૂતોનો સર્વાંગી વિકાસ, આવક બમણી કરવાનું લક્ષ્ય : નરેન્દ્રસિંહ જાડેજા : સંઘ નેતૃત્વનો એક જ હેતુ ખેડૂતોનું હિત, સરકાર ખેડૂતોની સાથેઃ અરવિંદ રૈયાણી . જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાની ઉપસ્થિતિમાં રા. લો સંઘની ૬૪મી સાધારણ સભા સંપન્ન

રાજકોટ તા. ૨૫, ખેડૂતોના હિતમાં કામ કરતો શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ એશિયાનો સૌથી મોટો સહકારી સંઘ હોય તે ગૌરવની વાત છે. જે ખેડૂતો માટે ખરીદ-વેચાણ-વિતરણ વગેરે કામગીરી સુપેરે કરે છે આ શબ્દો છે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના.

 આ તકે યુવા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઑની કામગીરી મજબૂત છે. અમે સહકારી  સંસ્થાઓમાં રાજકારણ ક્યારેય કરતાં નથી અને આ પ્રવૃતિમાં રાજકારણને ઘૂસવા પણ નહિ દઈએ.  

 શહેરની ભાગોળે ખીરસરા ખાતે શ્રી સાત હનુમાનજી દાદાના સાનિધ્યમાં પ્રકૃતિના ખોળે ખુલ્લા હવામાનમાં વિશાળ સંખ્યામાં સભાસદો, હોદ્દેદારો, સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં ૬૪મી વાર્ષિક સાધારણ સભામાં તમામ ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઇ હતી.

 શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સહકારી સંસ્થાઓએ ખેડૂતોના હિતમાં તેમની જરૂરિયાત મુજબ શું કામગીરી કરી શકાય? તેની યાદી તૈયાર કરીને પરિપૂર્ણ કરવા કામ કરવું જોઈએ. રા.લો.સંઘ શરૂઆતથી આજે જે મુકામ પર પહોંચ્યો છે તે સૌના સાથ-સહકારથી સંભવ બન્યું છે. સંઘ દ્વારા ખેડૂતોના હિતમાં ખરીદ-વેચાણ- વિતરણ સહિતની કામગીરી ખૂબ સારી ચાલી રહી છે વર્ષો સુધી ખેતી સાથે સંકળાયેલા ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે સરકાર જેટલું જ મજબૂત સહકાર ક્ષેત્ર છે. તેમાં ગુજરાતનું માળખું ખૂબ મજબૂત છે. સંઘ, ડેરી, બેંક અને યાર્ડ ખેડૂતો માટે ઘણું કરી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજકોટ શહેર જિલ્લા ઉપર ખૂબ વરસી છે. રા.લો.સંઘ કંઈ પણ નવી વાત લાવશે રાજ્ય સરકાર તેમની સાથે રહેશે.

 યુવા કેબિનેટ મંત્રી અને સહકારી ક્ષેત્રનાં ધુરંધર આગેવાન સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાનો સહકારી વારસો સુપેરે નિભાવનાર  જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું કે સવા બે લાખ જેટલા ખેડૂત સભાસદો ધરાવતા અને સમગ્ર એશિયામાં સૌથી મોટું નેટવર્ક ધરાવતા રા.લો. સંઘ ભરોસાના મજબૂત પાયા ઉપર ચાલે છે. લાખો ખેડૂત સભાસદોનો સહકારી માળખાના નેતૃત્વ પર પૂર્ણ ભરોસો છે જેને રાજકોટ જિલ્લાએ તેને સાર્થક કરી બતાવ્યું છે. સંઘના હૈયે ખેડૂત સભાસદોનુ હિત છે. એક એક ખેડૂત સભાસદની ચિંતા કરવામાં આવી છે. કોરોના કાળમાં જ્યારે અન્ય જિલ્લામાં સહકારી માળખું ઓછું થયું છે ત્યારે આપણી જવાબદારી વધી છે. સહકારી ક્ષેત્રનો આ પરિવાર છે જેમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે છે. ખેડૂતોની આ માતૃ સંસ્થા છે. લાખો ખેડૂત સભાસદોનો તેમાં ભરોસો છે અને ખેડૂતોના હિતની વાત સિવાય વચ્ચે નેતૃત્વમાં ક્યાંય રાજકારણ ન આવે. કોરોનાના પડકારરૂપ સમયમાં રાજકોટ જિલ્લા બેંક સહકારી ક્ષેત્રએ તાકાત બતાવી છે. જિલ્લા બેંકે રૂ.૧૩૦ કરોડનો નફો જાળવી રાખ્યો છે અને ખેડૂતોને ખોટ ખાઇને પણ ઝીરો ટકા એ રૂ.૨૫૦૦ કરોડનું ધિરાણ કર્યું છે. ખેડૂતોના આશીર્વાદ એ કુદરતના આશીર્વાદ છે. ખેડૂતોએ જે ભરોસો બતાવી નેતૃત્વ આપ્યું છે તેને ગૌરવપૂર્ણ રીતે સાર્થક કરવાનું છે.

 આ પ્રસંગે રા.લો. સંઘના ચેરમેન  નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે કોઈપણ સહકારી સંસ્થામાં જો સામૂહિક,સહિયારા, ખુલ્લા મને અને ખેલદિલીથી પ્રયાસો થાય તો તેનો વિકાસ કોઈ અવરોધી ન શકે. ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય, તેમની આવક બમણી થાય તેવું લક્ષ્ય છે. આ સંસ્થા ખેડૂતોની ખેવના કરતી સંસ્થા છે. ચેરમેન તો નિમિત્ત માત્ર છે, આ સહકારી સંઘના સભાસદો પાયાના પથ્થર છે. કેન્દ્ર સરકાર સાથે હોય, રાજ્ય સરકાર સાથે હોય ત્યારે ખેડૂતોના વિકાસ માટે જે -યાસ થવા જોઈએ તે ગ્રાઉન્ડ લેવલે થવા જોઈએ. જે જવાબદારી તમામ સહકારી સંસ્થાઓની છે. ગામડાઓથી મહાઅભિયાન આદરવાનું છે. ગામડું, ખેડૂત, માલધારીને મજબૂત કરવા આપણે કામગીરી કરવાની છે.

 નરેન્દ્ર સિંહે રાજકોટ લોધીકા તાલુકા થી શરૂઆત દ્વારા દરેક ગામડે એક કે બે સારી ઓલાદના નંદી હોય તેવી યોજના પ્રસ્તુત કરી જિલ્લા બેન્ક, રાજકોટ ડેરી રાજ્ય સરકારનાં સંયુકત યોગદાનથી ગામડાઓમાં ખેડૂતો અને માલધારીઑની આવક બમણી થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગૌરવપ્રદ નંદીઘર યોજનાને સફળ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ યોજના થકી ગામડાઓમાં દૂધની આવક ટૂંકા ગાળામાં બમણી કરી શકાશે અને ખેડૂતોને વધારાની આવક ઊભી થશે. રાજકોટ લોધીકા સહકારી સંઘ જિલ્લા બેંક અને ડેરી સાથે મળી ખેડૂતોને વધારાની આવક ઊભી થાય તે માટે અભિયાન છેડવા જઈ રહ્યો છે. કરકસરયુકત સંચાલન, વહીવટ દ્વારા જે નાણાકીય બચત થાય તેનો ઉપયોગ ખેડૂતોના હિત માટે કરાશે.

 સાધારણ સભામાં  રાજકોટ ડેરીનાં ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા નંદી ઘર યોજનાને સફળ બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો હતો અને સંકયુત પ્રયોસા દ્વારા અનેકવિધ સહકારી યોજનાઑ લાભ પશુપાલકો અને ખેડૂતોને મળે તે માટે ની ખાતરી ઉચ્ચારી  હતી .

જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી નાગદાનભાઇ ચાવડાએ રા.લો.સંઘના વિકાસ માટે શુભેચ્છા આપતા જણાવ્યુ હતુ કે રાજકોટ લોધીકા સંઘ ખેડૂતોના હિતમાં કામગીરી કરી રહી છે. ત્યારે ભવિષ્યના આયોજનો સફળ બનશે જ તેવી આશા વ્યકત કરી છે.

 રા.લો. સંઘના ડિરેકટર અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ આ પ્રસંગે જણાવ્યું કે સમગ્ર સમાજને સાથે રાખીને સહકારી ક્ષેત્રનો જો કોઈએ વિકાસ કર્યો હોય તો તે વિઠ્ઠલભાઈ રાદડિયા છે. ખેડૂતોના હિતમાં સૌનો હેતુ એક હતો એટલે રા.લો.સંઘના ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. એક ખેડૂતના દિકરા તરીકે મારી પણ જવાબદારી છે કે ખેડૂતો કેવી રીતે વધુને વધુ આગળ આવે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને ખેડૂતો માટે સરકારમાં સતત રજૂઆતો કરતાં રહીશું.

 કાર્યક્રમના પ્રારંભે રા. લો સંઘના પૂર્વ ચેરમેન નીતિનભાઈ ઢાંકેચાએ રા. લો સંઘના સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસોની ખાતરી ઉચ્ચારી હતી.

 વાર્ષિક સાધારણ સભાનું સંચાલન સંઘના ડિરેકટર અને રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુલાલ નાસીતે,  હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાએ રસાળ શૈલીમાં સૌને ખૂબ હસાવ્યા હતા. કાર્યક્રમનાં અંતે સંઘના વરિષ્ઠ ડિરેકટર  અર્જુનભાઈ રૈયાણીની ત્રંબા પ્લાન્ટ ખાતેની સક્રિયતા અને માનવસેવાને બિરદાવાય હતી અને સિનિયર કેબિનેટ મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે સાલ અર્પણ કરી ફૂલપ્રહારથી સન્માન કરાયું હતું.

રાજકોટ જીલ્લા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ચેતનભાઇ રામાણી, શ્રી બલ્લુભાઇ નસિત, કેશુભાઇ પટેલ (ગૌરીદળ), સંજયભાઇ ત્રાપસીયા, ગોપાલસિંહ જાડેજા, લોધીકા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દીગુભા પાળ, મુકેશભાઇ તોગડીયા, અનિલસિંહ ડાભી વગેરે પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. રાજકોટ ગ્રામ્યનાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ રા. લો સંઘને વધુને વધુ પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડિસ્ટ્રિક બેન્કના ડિરેકટર બકુલસિંહ જાડેજા વેગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 સાધારણ સભામાં બેન્કના વાઈસ ચેરમેન સંજયભાઈ અમરેલીયા ડિરેકટર સર્વશ્રી ભાનુભાઈ મેહતા,મુકેશભાઈ કામાણી,વિજયભાઈ સખિયા, ભીમભાઈ કલોલા, હરિભાઇ અજાણી, રામભાઇ જળુ, ગૌરવસિંહ જાડેજા, હંસરાજભાઈ પટેલ, નરેન્દ્રભાઈ ભૂવા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, મનસુખભાઈ સરધારા, લક્ષ્મણભાઈ સિંઘવ, કાનજીભાઈ ખાપરા,નાથભાઈ સોરાણી, અર્જનભાઈ રૈયાણી સહકરી મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાના આયોજનમાં જનરલ મેનેજર નિર્મળશ્રી ચાવડા, મનોજભાઇ, ધર્મિષ્ઠાબેન, મૌલીક પટેલ વેગેરે જહેમત ઉઠાવી.

પ્રગતિશીલ ખેડૂતને અપાશે રોકડ ઇનામ, એવોર્ડ

  સાધારણ સભા દરમિયાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ વધુ એક જાહેરાત કરી કે સભાસદ પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ખેતીમાં કંઈક નવું સંશોધન કે નવી દિશા આપતી કામગીરી કરનાર કોઈ એક ખેડૂતને દર વર્ષે રૂ.૧૧ હજારનો રોકડ પુરસ્કાર ઉપરાંત ધોરણ ૧૦ અને ૧૨ માં સૌથી વધુ માકર્સ લાવનાર ખેડૂત પુત્ર-પુત્રીને રૂપિયા રૂ.૧૧૦૦૦ પુરસ્કાર અને શિલ્ડ આપવા તથા ત્રંબા ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી સ્વ.વલ્લભભાઈ પટેલ અને સ્વ.વાલજીભાઈ કાલોલાનું સ્ટેચ્યુ છે તેમના સાનિધ્યમાં બેસવા માટે આકર્ષક સ્કલ્પચર સાથેનું એક સંકુલ બનાવવા આયોજન છે.

અકસ્માત વીમો ૫ લાખથી વધારીને ૬ લાખ કરાયો

રાજકોટઃ ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ વાર્ષિક સાધારણ સભામાં જાહેરાત કરી કે સંઘ દ્વારા ખેડૂતોને અત્યાર સુધી પ લાખનો જે અકસ્માત વીમો આપવામાં આવતો હતો તે આ વર્ષે ૬ લાખ કરવામાં આવ્યો છે અને આવતા વર્ષે તે ૧૦ લાખ કરવાનું લક્ષ્ય છે. સાધારણ સભામાં બે ખેડૂત પરિવારના વારસદારોને રૂપિયા ૬ લાખનો અકસ્માત વીમાનો ચેક સોંપવામાં આવ્યો હતો.

(12:05 pm IST)
  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • વિશ્વમાં 10 કરોડ લોકોને કોરોના વળગી ચૂક્યો છે: વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૦ કરોડને આજે વળોટી ગઈ છે. access_time 8:05 pm IST

  • દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં: ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, નરેન્દ્રભાઇ મોદી સાથે પણ કરી શકે છે મુલાકાત, કડક કાર્યવાહીના અપાઇ શકે છે નિર્દેશ access_time 11:50 am IST