Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

મિરા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં વેલ્ડીંગ વખતે ડીઝલની ટાંકી ફાટતા પતરૂ ઉડીને ટ્રક ચાલકના ગળામાં ઘુસી ગયું: મોત

રાજસ્થાનનો ટ્રક ચાલક ઉમેદસિંહ રાજપૂત ટ્રક પાર્ક કરી ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર બેઠો'તો ને કાળ ભેટી ગયો

રાજકોટ, તા. ૨૭ :. થોરાળાના મીરા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં રાજસ્થાનથી ટ્રક લઈને માલ ભરવા માટે આવેલો ટ્રક ચાલક ટ્રક પાર્ક કરી ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર બેઠો હતો ત્યારે સામે એક ટ્રકમાં વેલ્ડીંગ વખતે બ્લાસ્ટ થતા ડીઝલની ટાંકીનું પતરૂ ઉડીને ટ્રક ચાલકના ગળાના ભાગે ઘુસી જતા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ રાજસ્થાનના નાથદ્વારા તાલુકાના મકાતા ગામે રહેતા ઉમેદસિંહ રતનસિંહ રાજપુત (ઉ.વ. ૪૦) ગઈકાલે પોતાનો ટ્રક લઈને રાજકોટ મીરા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ જયંત નેસ્ટ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસે માલ ભરવા માટે આવ્યો હતો. માલ ભરવા માટે વાર લાગતા પોતે ટ્રક સાઈડમાં પાર્ક કરીને ટ્રાન્સપોર્ટની ઓફિસની બહાર ઉમેદસિંહ અને તેનો કલીનર બન્ને ઓટા ઉપર બેઠા હતા, ત્યારે સામે એક ટ્રક કે જેની ડીઝલની ટાંકીમાં વેલ્ડીંગ કામ ચાલતુ હતું, ત્યારે અચાનક ટાંકીમાં બ્લાસ્ટ થતા ટાંકીનંુ પતરૂ ઉડીને ટ્રક ચાલક ઉમેદસિંહના માથાની ડાબી બાજુ ગળાના ભાગે લાગતા તેને ગંભીર ઈજા થતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કોેઈએ જાણ કરતા થોરાળા પોલીસ મથકના પીએસઆઈ કે.કે. પરમાર તથા રાઈટર દર્શનભાઈએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.

(12:03 pm IST)