Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

લાખોનું દેણું થતાં લૂંટનો પ્લાન ઘડ્યોઃ એક વખત ગ્યા તો દૂકાન બંધ હતી, બીજી વાર જાય એ પહેલા પોલીસે દબોચ્યા

એરગન, મરચાની ભુકી, સેલોટેપ, હાથમોજા, છરી, રૂમાલ સહિત પુરતી તૈયારી કરીને લૂંટ કરવા નીકળ્યા પણ મેળ ન પડ્યો : એ-ડિવીઝન પોલીસે કાવત્રુ નિષ્ફળ બનાવી ચાના થડાવાળા આજીડેમ ચોકડી હરસિધ્ધી સોસાયટીના હકા લાંબરીયા અને તેના રિક્ષાચાલક મિત્ર વિશ્વનગર કવાર્ટરના કનકસિંહ ચોૈહાણને દબોચ્યાઃ બંને એક દિવસના રિમાન્ડ પર : જ્યાં લૂંટ કરવી'તી એ દૂકાનની ૧૦ દિવસ રેકી કરી'તીઃ એ શેરીમાં માત્ર બે જ સોનીની દૂકાન, બીજી બંધ રહે છેઃ સવારે વૃધ્ધ એકાદ કલાક એકલા બેસતા હોવાથી તેમની દૂકાન લૂંટારા માટે સોફટ ટારગેટ હતી : પીએસઆઇ ભટ્ટ, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, કોન્સ. રામભાઇ વાંક અને જગદીશભાઇ વાંકની બાતમીથી પીઆઇ સી. જે. જોષી અને ટીમે ગંભીર ગુનો થતો અટકાવ્યો

તસ્વીરમાં હકો લાંબરીયા, કનકસિંહ ચોૈહાણ અને તેણે લૂંટ માટે કરેલી તૈયારીની સાધનસામગ્રી જોઇ શકાય છે

રાજકોટ તા.૨૭: કોરોનાને કારણે આવેલા લોકડાઉને કેટલાયના ધંધાની નોકરીની પથારી ફેરવી નાંખી છે. હજુ પણ અનેકની હાલત ખરાબ છે. લોકડાઉનમાં ચાનો થડો અને રિક્ષાનો ધંધો બંધ થઇ જતાં બે મિત્રો લાખોના દેણામાં આવી જતાં તેમાંથી બહાર નીકળવા બીજો કોઇ સારો રસ્તો ન સુઝતાં આ બંનેએ સોની બજાર રૈયા નાકા મેઇન રોડ પર આવેલી સોની ગીરધરલાલ હીરાલાલ હડાળાવાળાની દૂકાનમાં પુરતી તૈયારી સાથે ઘુસી લૂંટનો ખોફનાક પ્લાન ઘડી રાખ્યો હતો. દસેક દિવસ રેકી કર્યા બાદ આ બંને સવારના સમયે લૂંટ કરવા પહોંચ્યા હતાં. પરંતુ પહેલીવખત નીકળ્યા ત્યારે દુકાન ખુલી ન હોઇ થોડે દૂર જઇ દૂકાન ખુલવાની રાહ જોતા હતાં ત્યાં જ પોલીસના હાથે દબોચાઇ જતાં પ્લાન નિષ્ફળ નીવડ્યો હતો. આ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં આજ ૨૭મીની બપોર સુધીના એક દિવસના રિમાન્ડ મળ્યા હતાં.

એ-ડિવીઝનના હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયાની ફરિયાદ પરથી આજીડેમ ચોકડી હરસિધ્ધી સોસાયટી-૪માં રહેતાં હકા ગોકળભાઇ લાંબરીયા (ભરવાડ) (ઉ.વ.૪૨) તથા તેના મિત્ર વિશ્વનગર આવાસ કવાર્ટર બ્લોક નં. ૧૮/૨૧૨૭, વિક્રમભાઇના મકાનમાં ભાડેથી, મુળ મેઘપર તા. કાલાવડ) સામે આઇપીસી ૩૯૩, ૧૨૦ (બી), ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી તેની પાસેથી લોખંડની બે ધારદાર તણી, એક છરી, રિવોલ્વર જેવી એરગન, મરચાની ભુકી ૧૦૦ ગ્રામ જેટલી, ખાખી રંગની શેલો ટેપ, બે જોડી હાથમોજા તેમજ સીએનજી રિક્ષા જીજે૦૩એયુ-૩૫૯૨ અને બાઇક જીજે૦૩સીજે-૦૮૯૫ કબ્જે કરવામાં આવ્યા છે.

પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ અને ડી. સ્ટાફની ટીમ પોલીસ સ્ટેશને હતી ત્યારે પીએસઆઇ ભટ્ટ, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, કોન્સ. રામભાઇ વાંક અને જગદીશભાઇ વાંકને બાતમી મળી હતી કે હકો લાંબરીયા અને કનકસિંહ ચોૈહાણ સોની બજાર રૈયાનાકા ટાવર મેઇન રોડ પર ગીરધરલાલ હડાળાવાળાની દૂકાને લૂંટ કરવા પુરી તૈયારી સાથે આવ્યા છે. આથી તુરત જ ટૂકડી એ તરફ પહોંચી હતી અને શોધખોળ શરૂ કરતાં બાતમી મુજબના બંને શખ્સ દિવાનપરા-૬ના ખુણેથી મળી આવ્યા હતાં.

તેની તલાસી લેતાં હકા પાસે નેફામાંથી એરગન, કનકસિ઼હ પાસે નેફામાંથી છરી તથા રિક્ષાની પાછળની સીટમાં રાખેલી થેલીમાંથી હેન્ડ ગ્લોવ્ઝ, મોઢે બાંધવાના માસ્ક, ચાર રૂમાલ, બે ધારદાર લાકડાના હાથાવાળી લોખંડની પટ્ટી, શેલોટેપ, દળેલુ મરચુ સહિત મળી આવતાં કબ્જેક રાયા હતાં. બંનેની વિસ્તૃત પુછતાછ થતાં કબુલ્યું હતું કે આઠ-દસ દિવસથી બંને સોની બજારમાં રેકી કરતાં હતાં અને છેલ્લે ગીરધલાલ હડાળાવાળાની દૂકાનમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હોઇ એ માટે આવ્યા હતાં. આ દૂકાનમાં બેસતાં ૬૫ વર્ષના ગીરધરલાલ સવારે દસ સવા દસે આવ્યા પછી એકાદ કલાક એકલા જ બેસતાં હોઇ અને એ પછી તેમનો દિકરો આવતો હોઇ તેમજ આ દૂકાન તથા સામે એક બીજી દૂકાન સિવાય વધુ દૂકાન ન હોઇ અહિ સરળતાથી લૂંટ થઇ શકે તેમ હોવાનું રેકીમાં જણાતાં આ દૂકાનની પસંદગી કરી હતી.

વૃધ્ધ વેપારીને એરગન છરી બતાવી ડરાવી ધમકાવી લૂંટ કરવાનો પ્લાન હતો. જો તેઓ બૂમાબૂમ કરે તો તેના મોઢા પર શેલોટેપ ચોંટાડી દેવાનો અને જરૂર પડ્યે મરચાની ભુંકી આંખમાં છાંટવાનો પ્લાન પણ કર્યો હતો. લૂંટ કર્યા બાદ બેડીનાકા થઇ બારોબાર નીકળી જવાની યોજના પણ બનાવી હતી. પ્લાન મુજબ બંને સોમવારે પહોંચ્યા હતાં. પણ રોજના સમય કરતાં દૂકાન મોડી ખુલતાં એક વખત દૂકાન પાસેથી નીકળીને બાદમાં આગળ જઇ દૂકાન ખુલે તેની રાહ જોવા ઉભા હતાં. ત્યાં જ પોલીસ આવી ગઇ હતી.

હકા ભરવાડને ગેસ્ફોર્ડ ટોકિઝ પાસે ચાનો થડો હતો. જ્યાં કનકસિંહ અગાઉ સાથે કામ કરતો હતો. એ પછી હકાએ નવા દોઢસો રીંગ રોડ પર ચાનો થડો ચાલુ કર્યો હતો. અહિથી કનકસિંહ છુટો પડ્યો હતો અને તેણે રિક્ષા હંકારવાનું ચાલુ કર્યુ હતું. પણ ત્યાં જ લોકડાઉન આવી જતાં બંનેના ધંધા ઠપ્પ થઇ ગયા હતાં. અગાઉના  દેણા ચડત થઇ ગયા હતાં, ધંધો તો ઠપ્પ જ હતો. આ કારણે હકાને સાતેક લાખનું અને કનકસિંહને દોઢેક લાખનું દેણું થઇ ગયું હતું. હકાએ આમાંથી નીકળવા સોની બજારમાં લૂંટનો પ્લાન ઘડી રેકી શરૂ કરી હતી અને દૂકાન શોધી કાઢી હતી. પણ એકલાથી આ કામ ન થાય તેમ લાગતાં મિત્ર કનકસિંહને સામેલ કર્યો હતો. તે પણ આર્થિક ભીંસમાં હોઇ સરળતાથી પ્લાનમાં જોડાયો હતો. જો કે કાવત્રાને અંજામ આપે એ પહેલા પોલીસે તેને નિષ્ફળ બનાવી દીધું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ સી. જે. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ બી.વી. ગોહિલ, ડી. બી. ખેર, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, રામભાઇ વાંક, મોૈલિકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક, કોન્સ. મેરૂભા ઝાલા, નરેશભાઇ ઝાલા અને હોમગાર્ડ ચંદ્રેશ તેરૈયાએ આ કામગીરી કરીહતી. આરોપીઓના એક દિવસના રિમાન્ડ મળ્યા હતાં.

(10:28 am IST)