Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સાધુ વાસવાણી રોડ પરના બગીચાના બાંકડે ઠંડીમાં ઠુંઠવાઇ જતાં સિકયુરીટી ગાર્ડનું મોત

મોલમાં નોકરી કરતાં મુળગોંડલના હાલ રાજકોટ યોગેશ્વર ફલેટમાં રહેતાં દિલીપસિંહ સરવૈયા (ઉ.૬૫)ને શ્વાસની તકલીફ પણ હતીઃ પંદરેક દિવસથી નોકરીએ જતા નહોતા અને સાંજે ઘરેથી મોપેડ લઇ નીકળી જતા'તાઃ રાતે અગિયાર સુધી બગીચામાં આટાફેરા કરતાં જોવા મળ્યા'તા : ગઇકાલે ઘરે ન આવતાં પરિવારજનો શોધતા'તાઃ ત્યાં આજે લાશ મળી

બગીચામાં બાંકડા પર બેઠેલી હાલતમાં જ દિલીપસિંહ સરવૈયાનું પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતાં જે પ્રથમ તસ્વીરમાં જોઇ શકાય છે. બીજી તસ્વીરમાં કાર્યવાહી માટે પહોંચેલા એએસઆઇ સતિષભાઇ ગામેતી અને ઇન્સેટમાં દિલીપસિંહનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨૭: શહેરના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર ફલેટમાં રહેતાં મુળ ગોંડલના દિલીપસિંહ છનુભા સરવૈયા (ઉ.વ.૬૫)ની સાધુ વાસવાણી રોડના બગીચાના બાંકડા પરથી લાશ મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મોલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં આ વૃધ્ધ પરમ દિવસે સાંજે ઘરેથી નીકળ્યા બાદ ગઇકાલે પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યાં આજે સવારે લાશ મળી હતી. ઠંડીમાં ઠુંઠવાઇ ગયાની પોલીસને શકયતા જણાઇ છે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ સવારે સાધુ વાસવાણી રોડના બગીચામાં વોકીંગ માટે આવેલા કોઇ વ્યકિતએ બાંકડા પરે એક વૃધ્ધને બેભાન જોતાં ૧૦૮ને જાણ કરી હતી. તેના ઇએમટીએ તપાસ કરી આ વૃધ્ધને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ સતિષભાઇ ગામેતી અને બ્રિજરાજસિંહે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

પોલીસે મૃતક પાસેથી મળેલા મોબાઇલ ફોનને આધારે સંપર્ક કરતાં તેના સ્વજનોનો સંપર્ક થઇ શકયો હતો. મૃત્યુ પામનાર વૃધ્ધ દિલીપસિંહ છનુભા સરવૈયા (ઉ.વ.૬૫-રહે. યોગેશ્વર ફલેટ સાધુ વાસવાણી રોડ, મુળ ગોંડલ) હોવાનું ખુલ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેઓ કેટલાક સમયથી મોલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. પરંતુ હાલમાં પંદરેક દિવસથી નોકરીએ જતા નહોતા અને સાંજ પડ્યે મોપેડ લઇ આટો મારવા નીકળી જતા હતાં. પરમ દિવસે આ રીતે નીકળ્યા બાદ તેઓ નાઇટ શિફટમાં નોકરીએ ગયાનું પરિવારજનોને લાગ્યું હતું. ગઇકાલે પરત ન આવતાં શોધખોળ શરૂ કરી હતી. તેઓ ફોન પણ રિસીવ કરતાં નહોતાં.

દરમિયાન આજે સવારે તેમની બગીચાના બાંકડા પરથી લાશ મળી આવી હતી. હાથની મુઠીઓ વળેલી હોઇ ઠંડીને કારણે એટેક આવી ગયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. આમ છતાં ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મૃતકને શ્વાસની બિમારી પણ હતી. તેઓ જે મોપેડ લઇને નીકળ્યા હતાં તે મોપેડ બગીચા પાસેથી મળ્યું ન હોઇ પોલીસ અને પરિવારજનોએ તપાસ શરૂ કરી છે. હાલ બનાવ કુદરતી મૃત્યુનો જ જણાય છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો છે.

(11:55 am IST)